બેન્કોમાં રૂ. પાંચ લાખ કરોડ પરત...

ભારતવિરોધી પરિબળોને ફટકો, પણ આમ આદમી માટે રોકડની અછત યથાવત્

Wednesday 23rd November 2016 05:24 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના આર્થિક વ્યવહારમાંથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે હવે તેની હકારાત્મક અસર દેખાડવાનું શરૂ કર્યું છે. દેશનું બેન્કિંગ સેક્ટર આર્થિક વ્યવહારથી ધમધમવા લાગ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર, નોટબંધીના નિર્ણય બાદ ભારતીયોએ ૫.૪૭ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમની જંગી રોકડ બેન્કમાં જમા કરાવી છે. આમાંથી એક લાખ કરોડ રૂપિયા તો જાહેર ક્ષેત્રની ટોચની સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયામાં જ જમા થયા છે.
જોકે આર્થિક નિષ્ણાતો કહે છે કે આ આંકડો તો હજુ પાશેરામાં પહેલી પૂણી સમાન છે. રોકડ વ્યવહારો આધારિત ભારતીય અર્થતંત્રમાં ફરતી કરન્સીમાં ૮૬ ટકા હિસ્સો ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટનો છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશના અર્થતંત્રમાં રૂ. ૫૦૦ કે ૧૦૦૦ની ચલણી નોટ સ્વરૂપે આશરે ૧૫,૦૩૮ બિલિયન રૂપિયા ફરી રહ્યા છે.
હાલ બેન્કોમાં જમા થઇ રહેલા નાણાનો પ્રવાહ થોડોક ધીમો ભલે પડ્યો હોય, પરંતુ આગામી દિવસોમાં હજુ જંગી માત્રામાં રોકડ જમા થશે તેમાં બેમત નથી. લોકોએ અત્યાર સુધીમાં બેન્કો, એટીએમ મશીન્સ તેમજ અન્ય પ્રકારે આશરે ૧૦૨૫ બિલિયન રૂપિયાથી વધુની કરન્સી બદલાવી હોવાનું મનાય છે.
મોટી રકમની ચલણી નોટ રદ કરવાના નિર્ણયથી બેન્કોમાંથી ડિપોઝીટનું પ્રમાણ વધવાની આશા છે. તો સામી બાજુ વિવિધ પ્રકારની લોનના વ્યાજદરોમાં પણ ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો થઇ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધનમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થઇ રહ્યાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને કરચોરીની બદી ડામવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ પગલાંથી બનાવટી નોટોના કારોબારમાં સંડોવાયેલા દેશવિરોધીઓ અને અસામાજિક તત્ત્વો પાસેની આ ચલણી નોટો હવે માત્ર કાગળના ટુકડા જ બની જશે. તો બીજી તરફ દેશના અર્થતંત્રને પણ વેગ મળશે.
મોદીએ તે સમયે કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં ભ્રષ્ટાચારીઓ પાસેથી ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર લવાયું છે. ઇમાનદાર ભારતીયો માને છે કે ભ્રષ્ટાચાર, કાળા નાણાં, બેનામી સંપત્તિ, બનાવટી ચલણી નોટો અને આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ હોવી જોઈએ. સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં ઘણા પગલાં ઉઠાવ્યા છે તેના ભાગરૂપે આ પગલું છે.

આશંકા અને વાસ્તવિક્તા

અલબત્ત, કેટલાક આર્થિક નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વડા પ્રધાન મોદીનો નિર્ણય ભારતીય અર્થતંત્ર માટે આંચકાજનક છે. આનાથી દેશના આર્થિક વિકાસ દર ઉપર વિપરિત અસર પડી શકે છે. સંભવતઃ આનાથી વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી દર અડધાથી એક ટકો ઘટી શકે છે. એમ્બિટ કેપિટલના રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં ૬.૪ ટકાનો વિકાસ દર હાંસલ કરનાર ભારતમાં બાકીના છ માસમાં વિકાસ દર અડધા ટકો ઘટી શકે છે.
જોકે આ બધી શંકા-કુશંકાઓ વચ્ચે વાસ્તવિક્તા એ પણ છે કે મોટી રકમની ચલણી નોટો બંધ થતાં અલગતાવાદીઓ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય પરિબળોને કમ્મરતોડ ફટકો પડ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી ભડકે બળી રહેલા કાશ્મીરમાં જનજીવન થાળે પડી રહ્યું છે. આનું એક મુખ્ય કારણ નોટબંધી મનાય છે. સુરક્ષા દળોથી માંડીને અનેક એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે કાશ્મીરના અલગતાવાદીઓને સરહદ પારના દેશમાંથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટના માધ્યમથી ભંડોળ પહોંચાડાય છે.
આ આર્થિક સહાયથી જ અલગતાવાદી પ્રવૃત્તિ પોષાય છે. આ આર્થિક સહાયમાં બનાવટી ચલણી નોટોનું પ્રમાણ પણ બહુ જંગી હતું. કાશ્મીરી યુવાનોને રૂ. ૫૦૦ કે ૧૦૦૦ની નોટ આપીને અશાંતિ ફેલાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.
જોકે નોટબંધીનો નિર્ણય જાહેર થયો છે ત્યારથી કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના જવલ્લે જ બની છે. ખુદ સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે જાહેરમાં કહ્યું છે કે નોટબંધીના નિર્ણયની સૌથી હકારાત્મક અસર કાશ્મીરમાં જોવા મળી છે. અલગતાવાદીઓએ સંઘરી રાઘેલા નાણાં કાગળિયા બની ગયા છે.
આ જ પ્રકારે નોટબંધીના નિર્ણયે માઓવાદી ચળવળને પણ જબ્બર ફટકો માર્યો છે. બહુમતી નક્સલવાદી જૂથો પોતાની ચળવળ માટે જરૂરી નાણાં ઊભા કરવા માટે માલેતુજાર લોકોનું અપહરણ કરીને ખંડણી સ્વરૂપે કે ધાકધમકી આપીને નાણાં ઉઘરાવતા રહ્યા છે. આ એકત્ર થયેલા નાણાંને તેઓ એક યા બીજા સ્થળે મોટા ભાગે રોકડમાં જ સંગ્રહી રાખતા હતા. મોટી રકમની ચલણી નોટો રદ કરીને તેના સ્થાને નવી ચલણી નોટો અમલમાં મૂકવાના સરકારના અણધાર્યા નિર્ણયથી તેઓ ઊંઘતા ઝડપાયા છે. આમ નક્સલવાદીઓના આર્થિક વ્યવહારો પણ ઠપ્પ થઇ ગયા હોવાના અહેવાલ છે.
નોટબંધીના નિર્ણય બાદ આવકવેરા વિભાગ દેશભરમાં આર્થિક વ્યવહારો પર ચાંપતી નજર રાખી રહ્યો છે. આવી જ એક કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગે અમદાવાદની ત્રણ શરાફી પેઢીઓ પર દરોડા પાડીને આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાના બેનંબરી આર્થિક વ્યવહારો ઝડપી લીધા છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને એમ પણ જણાવાયું છે કે અનેક આવકવેરા અધિકારીઓ આ કૌભાંડની તપાસ કરી રહ્યા છે. આશરે એકાદ મહિના બાદ સમગ્ર તપાસ પૂરી થશે ત્યારે દેશનું સૌથી મોટું આર્થિક કૌભાંડ બહાર આવવા શક્યતા છે. આમ નોટબંધીના નિર્ણયથી એક યા બીજા પ્રકારે થઇ રહેલા લાભ હવે નજરે પડતા થયા છે.

રમખાણો થઈ શકે: સુપ્રીમ કોર્ટ

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે બેન્કો અને એટીએમની આગળ લાંબી લાઈનોની સમસ્યા અત્યંત ગંભીર બની રહી છે. આનાથી ‘દેશમાં રમખાણો થઈ શકે છે,’ તેમ ચીફ જસ્ટિસ ઠાકુરે ચલણી નોટ પર પ્રતિબંધથી દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિની ગંભીરતા દર્શાવતી અરજીના અનુસંધાને કહ્યું હતું.
‘તમે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દી બનાવી દીધી છે, પણ ૧૦૦ રૂપિયાની નોટનું શું?’ તેવો તેમણે સરકારને કર્યો હતો. સરકારે બચાવમાં કહ્યું હતું કે એટીએમમાં જરૂરી સુધારાવધારા કરતાં વાર લાગશે.

લગ્નપ્રસંગે છૂટ ખરી પણ...

નોટબંધી વચ્ચે લગ્નપ્રસંગ માટે બેંક ખાતામાંથી રૂ. ૨.૫ લાખ સુધીની રકમ ઉપાડવાની છૂટનો દુરુપયોગ રોકવા રિઝર્વ બેન્કે સોમવારે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે. તેનાથી લોકોની પરેશાની વધી શકે છે. બેન્કે જણાવ્યું છે કે લોકો લગ્નપ્રસંગના ખર્ચ માટે ખાતામાંથી એટલી જ રકમ ઉપાડી શકશે જેટલી નોટબંધીની ઘોષણા પહેલા ૮ નવેમ્બરે ખાતામાં હતી. આમ ૫૦૦-૧૦૦૦ની જૂની નોટો ખાતામાં જમા કરાવ્યા પછી પણ તેઓ તે નાણા લગ્ન માટે વાપરી નહીં શકે. સાથોસાથ એક જોગવાઇ એવી પણ છે કે અરજી અને કંકોત્રી સાથે લગ્ન પ્રસંગ માટે કરાયેલા એડવાન્સ પેમેન્ટ જેમ કે હોલનું બુકિંગ, કેટરરનું બુકિંગ વગેરેની રસીદ જમા કરાવવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter