વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈતિહાસમાં સૌથી વૈવિધ્યપૂર્ણ કેબિનેટ્સમાં એકની રચના કરી છે. બોરિસ કેબિનેટમાં મુખ્યત્વે બ્રેક્ઝિટતરફીઓનો સમાવેશ કરાયો છે. ભારતીય મૂળના ત્રણ મહત્ત્વના રાજકારણીનો સમાવેશ કરી તેમણે બધાને ચોંકાવી દીધા છે. પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી, આલોક શર્માને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તેમજ રિશિ સુનાકને ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરીના હોદ્દા સાથે પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને ચાન્સેલર તરીકે સ્થાન અપાયું છે. કેબિનેટના મહત્ત્વના સભ્યોનો સંક્ષિપ્ત પરિચય આ સાથે આપવામાં આવ્યો છે.
• ચાન્સેલર સાજિદ જાવિદઃ
જ્હોન્સન કેબિનેટમાં ૪૯ વર્ષના મૂળ પાકિસ્તાની અને ચૂસ્ત રીમેઈનર સાજિદ જાવિદને ચાન્સેલર તરીકે પ્રમોશન અપાયું છે. સરકારમાં સૌથી મહત્ત્વનું ચાન્સેલરપદ ધરાવનારા તેઓ પ્રથમ એશિયન છે. તેમણે ૧૮ વર્ષ સુધી બેન્કિંગ કારકીર્દિ પછી ડોઈચે બેન્કના બોર્ડ મેમ્બર, મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. આ કારણે તેઓ યુકેના અર્થતંત્રનો કાર્યભાર સારી રીતે સંભાળી શકશે તેમ મનાય છે. જાવિદ ૨૦૧૦માં બ્રોમ્સગ્રોવના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પાર્લામેન્ટમાં આવ્યા પછી તેમને ટ્રેઝરીમાં ઈકોનોમિક સેક્રેટરી તરીકે બઢતી મળી હતી અને પાછળથી ટ્રેઝરીમાં ફાઈનાન્સિયલ સેક્રેટરી પણ બન્યા હતા. તેમણે ૨૦૧૪માં કેમરન સરકારમાં કલ્ચરલ સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પણ કામગીરી બજાવી હતી. જાવિદ આ ઉપરાંત, સરકારમાં બિઝનેસ સેક્રેટરી અને કોમ્યુનિટીઝ સેક્રેટરી રહી ચુક્યા છે.
તેઓ થેરેસા મે કેબિનેટમાં હોમ સેક્રેટરી હતા. ગત વર્ષે હોમ સેક્રેટરી બન્યા પછી થેરેસા મેનાં રાજીનામાંના પગલે તેમણે વડા પ્રધાન બનવાની ઈચ્છા સાથે ટોરી પાર્ટીની નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. જોકે, ચોથા સ્થાને આવી નેતાગીરી સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા પછી તેમણે બોરિસ જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું હતું.
તેમના પિતા ઈમિગ્રન્ટ બસ ડ્રાઈવર હતા જેઓ, ૧૯૬૧માં ખિસામાં માત્ર એક પાઉન્ડ સાથે યુકે આવ્યા હતા. લેન્કેશાયરના રોચડેલમાં ૧૯૬૯ની પાંચમી ડિસેમ્બરે જન્મેલા જાવિદે સરકારી શાળામાં અભ્યાસ પછી એક્સટર યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ અને પોલિટિક્સનો અભ્યાસ કર્યો છે. જાવિદ લંડન અર્લી યર્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જાવિદે ક્રિશ્ચિયન લૌરા કિંગ સાથે ૧૯૯૭માં લગ્ન કર્યા છે અને ચાર સંતાનના પિતા છે. ઉલ્લેખનીય છે કે એશિયન વોઇસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડસ ૨૦૧૮ના સમારંભમાં સાજિદ જાવિદને કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
• ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી આલોક શર્માઃ
બોરિસ કેબિનેટમાં ચાવીરુપ સ્થાન ધરાવતા આલોક શર્મા ભારતીય મૂળના ત્રીજા મિનિસ્ટર છે. ૨૦૧૦થી રીડિંગ વેસ્ટ સંસદીય ક્ષેત્રના પ્રતિનિધિ આલોક શર્માને બ્રિટનની વિદેશની સહાયનો વહીવટ કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીનો હોદ્દો સોંપાયો છે. ગત ચાર વર્ષમાં તેઓ આ વિભાગ સંભાળનારા પાંચમા કેબિનેટ મિનિસ્ટર છે. પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની સરકારમાં ભારત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દૂત તરીકે કામ કરનારા આલોક શર્માએ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટની તેમજ હાઉસિંગ મિનિસ્ટરની કામગીરી પણ સંભાળી છે. આલોક શર્માએ ૨૦૧૬ના રેફરન્ડમમાં રીમેઈન છાવણીનું સમર્થન કર્યું હોવાં છતાં તેઓ બોરિસ જ્હોન્સનના સમર્થક પણ છે. શર્માએ પોતાની નવી જવાબદારી અંગે કહ્યું કે, હું દુનિયામાં સૌથી ગરીબ અને સૌથી જોખમગ્રસ્ત લોકોનું જીવન બદલવા માટે કટિબદ્ધ છું. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને રોજગારીની તકો તેમના સુધી પહોંચાડીશ.
ભારતમાં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં સાત સપ્ટેમ્બર ૧૯૬૭માં જન્મેલા આલોક પાંચ વર્ષની વયે તેમના માતાપિતા સાથે યુકેના રીડિંગમાં રહેવા આવ્યા હતા. આગ્રાવાસીઓએ તેમને યુકેની કેબિનેટમાં અપાયેલા સ્થાન અંગે ભારે હર્ષ વ્યક્ત કર્યો હતો. ૫૧ વર્ષના શર્મા કેવોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ૧૯૮૮માં યુનિવર્સિટી ઓફ સાલ્ફર્ડમાંથી એપ્લાઈડ ફીઝિક્સના ઈલેકટ્રોનિક્સમાં બી.એસસીની ડીગ્રી મેળવી છે. તેમણે ૧૬ વર્ષ કોર્પોરેટ ફાઈનાન્સ ક્ષેત્રમાં કામ કર્યું છે. શર્મા ફેલો ઓફ ધ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ હોવાં સાથે રીડિંગમાં સ્થાનિક પ્રાઈમરી સ્કૂલમાં ગવર્નર છે. તેમણે અગાઉ પોલિટિકલ થેન્ક ટેન્ક બાઉ ગ્રૂપની ઈકોનોમિક એફેર્સ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. તેઓ પોતાની સ્વીડિશ પત્ની અને બે પુત્રીઓ સાથે કેવેરશામમાં રહે છે.
• ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી રિશિ સુનાકઃ
બોરિસ જ્હેન્સન કેબિનેટમાં ટ્રેઝરીના ચીફ સેક્રેટરીનું ચાવીરુપ સ્થાન ધરાવતા ૩૯ વર્ષના રિશિ સુનાક ભારતીય મૂળના ત્રીજા મિનિસ્ટર છે. તેમણે ખૂબ ટુંકા સમયમાં મહત્ત્વના રાજકારણી તરીકે કાઠું કાઢ્યું છે. નેશનલ હેલ્થ સર્વિસના જનરલ પ્રેક્ટિશનર પિતા અને ફાર્માસિસ્ટ માતાના સંતાન રિશિ સુનાક પ્રખ્યાત આઈટી કંપની ઈન્ફોસિસના બિલિયોનેર સહસ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિના પુત્રી અક્ષતા મૂર્તિ સાથેના લગ્નથી ભારતમાં જાણીતા બન્યા હતા. રિશિ અને અક્ષતા મૂર્તિની મુલાકાત યુએસના કેલિફોર્નિયામાં થઈ હતી અને પછી લગ્નથી જોડાયાં હતાં. તેઓ બે પુત્રી -કૃષ્ણા અને અનુષ્કાના પિતા પણ છે. સુનાકે વિન્ચેસ્ટર કોલેજ અને લિંકન કોલેજ ઓક્સફર્ડમાં ફીલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યા પછી ફુલબ્રાઈટ સ્કોલર તરીકે યુએસમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડીગ્રી હાંસલ કરી હતી. સુનાકે મલ્ટિમિલિયન પાઉન્ડ સાહસોનો વહીવટ કરતા ટોપ લેવલના ઈન્વેસ્ટમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી બજાવેલી છે. બ્રિટિશ રાજકારણમાં પ્રવેશ અગાઉ રિશિ નાના બ્રિટિશ બિઝનેસીસમાં રોકાણની વિશિષ્ટતા ધરાવતી એક બિલિયન પાઉન્ડની ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના સહસ્થાપક બન્યા હતા.
૧૨ મે, ૧૯૮૦ના દિવસે જન્મેલા રિશિ સુનાક સૌપ્રથમ ૨૦૧૫થી રિચમન્ડ (યોર્કશાયર) બેઠક પરથી ચૂંટાઈને બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ૨૦૧૬ના રેફરન્ડમમાં ચુસ્ત બ્રેક્ઝિટ સમર્થક રહેલા સુનાકને પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની સરકારમાં ૨૦૧૮માં હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટની કામગીરી સોંપાઈ હતી. સુનાક ભારત સહિત અન્ય કોમનવેલ્થ દેશો સાથે ગાઢ સંબંધોની હિમાયત કરે છે. સુનાકે પણ દુનિયામાં ક્યાંય પણ રહેતા લોકો માટે વધુ નિષ્પક્ષ વિઝા નીતિને સમર્થન આપ્યું છે. તેઓ નવા ચાન્સેલર અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદ હેઠળ કામ કરશે.
થેરેસા મેની સરકારમાં રિશિ સુનાક, મૂળ ગોવાના સુએલા ફર્નાન્ડીઝ, શૈલેશ વારા, આલોક શર્મા અને પ્રીતિ પટેલને સ્થાન અપાયું હતું તેમાંથી ભારતીય મૂળના ત્રણ રાજકારણીને બોરિસ જ્હોન્સન કેબિનેટમાં પણ સ્થાન મળ્યું છે જેને મહત્ત્વની બાબત કહી શકાય.
• ડેપ્યુટી પીએમ અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબઃ
એશર અને વોલ્ટનના હાર્ડકોર બ્રેક્ઝિટીઅર સાંસદ ડોમિનિક રાબને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા તો વડા પ્રધાનના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે વર્ષ ૨૦૦૦માં ફોરેન ઓફિસના ઈન-હાઉસ ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી અને આજે તેઓ ડિપાર્ટમેન્ટના વડા બની ગયા છે. તેઓ છ વર્ષની વયે ઝેક યહુદી પિતા સાથે બીજા વિશ્વ યુદ્ધ અગાઉ ૧૯૩૮માં નાઝીઓથી ભાગી બ્રિટનમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. કરાટે બ્લેક બેલ્ટ અને ૧૯૯૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ બોક્સિંગ બ્લુ રાબે બેરાઝિલમાં જન્મેલાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ એરિકા સાથે લગ્ન કર્યા છે. ગત વર્ષે બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે ચાર મહિનાના અનુભવ પછી રાબ માટે આ મહત્ત્વનું પ્રમોશન છે. નો ડીલના સમર્થક રાબે નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું પરંતુ, બહાર નીકળી ગયા પછી તેમણે બોરિસ જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું હતું.
• કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવઃ
સરે હીથના ૫૧ વર્ષીય સાંસદ અને ચુસ્ત બ્રેક્ઝિટીઅર માઈકલ ગોવે રીફોર્મર તરીકે વ્હાઈટહોલના એજ્યુકેશન, જસ્ટિસ, એન્વિરોન્મેન્ટ સહિત વિવિધ વિભાગોમાં કામગીરી બજાવી છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની સરકારમાં તેમણે ફ્રી સ્કૂલ્સ યોજના દાખલ કરવા ઉપરાંત, શાળાઓના અભ્યાસક્રમોમાં શ્રેણીબદ્ધ અને વિવાદાસ્પદ સુધારાઓ આગળ વધાર્યા હતા. થેરેસા સરકારના એન્વિરોન્મેન્ટ સેક્રેટરી તરીકે તેમણે પ્લાસ્ટિકના વપરાશ વિરુદ્ધ જંગ છેડ્યો હતો. માઈકલ ગોવ ‘મિનિસ્ટર ફોર નો-ડીલ’ તરીકે બ્રેક્ઝિટની ઈમર્જન્સી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમ મનાય છે. ૨૦૧૬ની નેતાગીરી સ્પર્ધામાં તેમણે છેલ્લી ઘડીએ જ્હોન્સનનો સાથ છોડી દીધો હતો. થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીના સમર્થક રહેલા ગોવે આ વર્ષે પણ નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું પરંતુ, શાળાના દિવસોમાં કોકેઈનના ઉપયોગની કબૂલાત પછી તેમની સ્થિતિ નબળી પડી હતી. જોકે, તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. ધ ટાઈમ્સના પૂર્વ જર્નાલિસ્ટ ગોવના લગ્ન કોલમિસ્ટ સારાહ વાઈન સાથે થયેલા છે.
• ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસઃ
લગભગ ૧૫ વર્ષથી સાંસદ અને ૧૨ વર્ષથી ફ્રન્ટબેન્ચર બેન વોલેસ પૂર્વ મિલિટરી હીરો છે. ૫૧ વર્ષીય વોલેસે સ્કી ઈન્સ્ટ્રક્ટર તરીકે થોડો સમય કામ કર્યા પછી સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આઠ વર્ષ ફરજ બજાવી હતી અને કેપ્ટનની રેન્ક સુધી પહોંચ્યા હતા. તેમણે સાયપ્રસ, જર્મની અને સેન્ટ્રલ અમેરિકામાં પણ ફરજ બજાવી હતી. રીમેઈન છાવણીના અને બોરિસ કેબિનેટમાં ઓછાં જાણીતા વોલેસે ૨૦૦૧માં લિઝા સાથે લગ્ન કર્યા છે અને ત્રણ સંતાનના પિતા છે. કેબિનેટમાં સ્થાન મેળવવા અગાઉ તેમણે સિક્યુરિટી મિનિસ્ટર તરીકે ત્રણ વર્ષ કામ કર્યું છે. ઈરાની લશ્કરે ઝડપેલા બ્રિટિશ જહાજને પરત લાવવાની કામગીરી તેમની પ્રથમ ભૂમિકાની પરીક્ષા કરશે. જ્હોન્સન સંરક્ષણખર્ચ વધારવા અને બ્રિટિશ નૌકાદળને વધુ મજબૂત બનાવવા માગે છે.
• એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસનઃ
સરકારી શાળામાં અને યુનિવર્સિટી ઓફ બ્રેડફર્ડમાં સોશિયલ સાયન્સીઝનો અભ્યાસ કરનારા ગેવિન વિલિયમસન સાઉથ સ્ટ્રેફોર્ડશાયરના સાંસદ છે. ત્રણ મહિના અગાઉ જ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ મીટિંગમાં યુકેમાં ચાઈનિઝ કંપની હુઆવેઈને ફાઈવજી નેટવર્ક સંબંધિત કામગીરી સોંપવાના સીક્રેટ્સ જાહેર કરવા સબબે તેમની ડિફેન્સ સેક્રેટરીના હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેઓ કાનૂની કાર્યવાહીમાંથી માંડ બચી ગયા હતા. તેઓ ડિફેન્સ સેક્રેટરી હતા ત્યારે પણ ઓફિસ રોમાન્સના કારણે પત્ની જોઆન સાથેનું લગ્નજીવન ભયમાં આવી પડ્યું હતું. જોકે, બોરિસ જ્હોન્સનના લીડરશિપ કેમ્પેઈનમાં મદદ કરવાના મોટા સરપાવ તરીકે ૪૩ વર્ષના ગેવિનને દેશની શાળાઓ પર નજર રાખવાની કામગીરી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે એશિયન વોઇસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડસ ૨૦૧૯ના સમારંભમાં ગેવિન વિલિયમ્સનને કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
• હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકઃ
ટોરી પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં જ્હોન્સન સામે લડવામાં તેમની ભારે ટીકાઓ કરવા છતાં મેટ હેનકોકને સરકારમાં સૌથી કઠણ કામગીરીઓમાં એક માટે ચાલુ રખાયા છે. જોકે, સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા પછી ૪૦ વર્ષીય હેનકોક જ્હોન્સનના ખાસ ટેકેદાર બની ગયા હતા. ૨૦૧૦થી વેસ્ટ સફોકનું સંસદીય પ્રતિનિધિત્વ કરી રહેલા હેનકોકે સપ્ટેમ્બર ૨૦૧૩થી ડેવિડ કેમરન અને થેરેસા મે સરકારોમાં મધ્યમ સ્તરની મિનિસ્ટર પોઝિશન્સ પર કામ કર્યું છે. છે. જુલાઈ ૨૦૧૮માં તેમને હેલ્થ સેક્રેટરી બનાવાયા હતા. તેમનો જન્મ ચેશાયરમાં સોફ્ટવેર બિઝનેસમાં સંકળાયેલા પરિવારમાં બીજી ઓક્ટોબર ૧૯૭૮માં થયો હતો. તેમણે ઓક્સફર્ડની એક્સટર કોલેજ અને કેમ્બ્રિજની ક્રાઈસ્ટ્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના આર્થિક સલાહકાર બનવા અગાઉ તેમણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં ઈકોનોમિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. તેમણે યુવાનોમાં ટોરી પાર્ટીને લોકપ્રિય બનાવવાની દિશામાં કરવું જોઈએ તેમ દર્શાવતા રિપોર્ટને ટેકો આપ્યો હતો.