લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની કેબિનેટમાં સાધારણ ફેરફાર કર્યો છે. તેમણે પૂર્વ કલ્ચર સેક્રેટરી નિકી મોર્ગન પોતાનો હોદ્દો જાળવી શકે તે માટે તેમને આજીવન ઉમરાવ બનાવી દીધા છે. આ ઉપરાંત, જુનિયર મિનિસ્ટર સાયમન હાર્ટને વેલ્શ સેક્રેટરી બનાવ્યા છે જેઓ એલન કેઈર્ન્સનું સ્થાન લેશે. આ બે ફેરફાર સિવાય કેબિનેટના બાકીના પ્રધાનોને યથાવત જાળવી રખાયા છે. વડા પ્રધાન બ્રેક્ઝિટ પછી ફેબ્રુઆરીમાં મોટા પાયે કેબિનેટ ફેરફારનું વિચારી રહ્યા છે.
નિકી મોર્ગન આ વખતે ચૂંટણી લડ્યા ન હોવાથી સાંસદ બન્યાં નથી પરંતુ, વડા પ્રધાન જ્હોન્સને તેમને હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવપદ આપવાની જાહેરાત કરી છે. આના પરિણામે, મોર્ગન કલ્ચર સેક્રેટરી તરીકે હોદ્દો જાળવી શકશે. હાઉસ ઓફ કોમન્સમાં સરકારનું પ્રતિનિધિત્વ મુનિયર કલ્ચર મિનિસ્ટર્સના હાથમાં રહેશે. આ ઉપરાંત, કેબિનેટમાં જુનિયર મિનિસ્ટર રહેલા સાયમન હાર્ટને પ્રમોશન આપીને વેલ્શ સેક્રેટરી બનાવાયા છે. પૂર્વ વેલ્શ સેક્રેટરી એલન કેઈર્ન્સે કન્ઝર્વેટિવ ઉંમેદવારે બળાત્કારની ટ્રાયલમાં હસ્તક્ષેપ કર્યો હોવાની જાણ હોવાના દાવાઓ વચ્ચે ચૂંટણી પ્રચારની શરૂઆતમાં જ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
વડા પ્રધાને કેબિનેટમાં મોટા પાયે ફેરફાર નથી કર્યા તેનું એક કારણ એ પણ છે કે તેઓ મંત્રાલયોમાં ધરમૂળ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે જેના પરિણામે, ત્રીજા ભાગના મિનિસ્ટર્સ પર કાતર ફેરવાશે.