ગત સપ્તાહે જ બ્રિટનના વડાપ્રધાન પદની કમાન કન્ઝર્વેટીવ પક્ષના બોરીસ જહોન્સને સંભાળી છે. વિદાય લેતાં વડાપ્રધાન થેરેસા મેની સરકારમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે સેવા આપનારાં પ્રીતિ પટેલને નવી કેબિનેટમાં ગૃહ મંત્રી બનાવાયાં છે. પોતાની આ નિમણૂંકનો પ્રતિસાદ આપતાં પ્રીતિબહેને જણાવ્યું હતું કે, “મારી આ નિમણૂંક સન્માનીય અને ગૌરવપ્રદ છે. મને વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા આ કામ કરવાની તક મળી છે એ મારૂં સદ્ભાગ્ય છે.” તેઓ યુ.કે.ના સલામતી, ઇમિગ્રેશન અને વિઝાની નીતિના ઇન્ચાર્જ બનતાં એમની પાસે બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં દુનિયાની દરેક વ્યક્તિ માટે વધુ નિષ્પક્ષ વિઝા વ્યવસ્થાના જૂના વચનો પૂરાં થવાની અપેક્ષા રખાય છે.
બ્રિટિશ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવાં થનગનતી ગુજરાતણ પ્રીતિ પટેલનો અમે ૨૦૦૯ની ૧૧ ફેબ્રુઆરીએ ‘ગુજરાત સમાચાર’ના કાર્યાલયમાં ઇન્ટરવ્યુ લીધો હતો. તેઓ એ વેળા ‘ન્યુ વિધામ’ વિસ્તારમાંથી સૌથી યુવા ટોરી પાર્લામેન્ટરી ઉમેદવાર તરીકે ચૂંટાયાં હતાં. ત્યારથી જ કેબિનેટ મિનિસ્ટર બનવાનું પોતાનું સપનું સાકાર કરવાં એમણે કમર કસી હતી. આ દશ વર્ષના ગાળામાં એમની કારકિર્દીનો ગ્રાફ જોઇશું તો આપણને એક ગુજરાતી તરીકે જરૂર ગૌરવ થશે.
૧૯૭૨માં લંડનમાં જન્મેલાં પ્રીતિબહેન વોટફર્ડની સ્કુલમાં ભણતાં હતાં ત્યારથી જ નેતૃત્વના ગુણને કારણે હેડ ગર્લ બન્યાં હતાં. સ્ટેફોર્ડશાયરની કીલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે એસેક્સ યુનિવર્સિટીમાંથી બ્રિટિશ ગવર્મેન્ટ એન્ડ પોલિટિકસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. પ્રીતિબહેન ૧૮ વર્ષની વયથી જ ટોરી પક્ષમાં સક્રિય બન્યાં હતાં અને પોતાની કુનેહ અને કુશાગ્ર બુધ્ધિથી રાજકારણમાં ઉજળાં ભવિષ્યનું સપનું સાકાર કર્યું છે.
તેઓ મે ૨૦૧૦માં વિધામમાંથી પ્રથમવાર ચૂંટાયાં પછી ક્રમશ: મે ૨૦૧૫ અને ૨૦૧૭ની ચૂંટણીમાં પણ વિજયી થયાં હતાં.
તેમણે જુલાઇ ૨૦૧૬થી નવેમ્બર ૨૦૧૭ સુધી કેબિનેટમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટની કામગીરી સંભાળી હતી. ઓવરસીસ ઓફ એઇડ પ્રોગ્રામમાં એમણે પાયાનું કામ કર્યું. એની અસરકારકતા, આર્થિક વિકાસ, ટ્રેડ અને જોબ્સ ક્ષેત્રે પ્રગતિ થવાના કારણે જે તે દેશ પગભર થાય એ માટેના મહત્વપૂર્ણ પગલાં લીધાં. બજેટમાં સુધારા કરી ખર્ચ પર કાબૂ મેળવી સમગ્ર એઇડ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી હતી. જોકે, ૨૦૧૭માં વડા પ્રધાનની જાણ બહાર જ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સહિત ઈઝરાયેલી પ્રધાનો અને ઉદ્યોગપતિઓ સાથે બિનસત્તાવાર બેઠકો યોજવા બદલ તેમને કેબિનેટમાંથી દૂર કરાયાં હતાં.
એ અગાઉ તેમણે સરકારમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ એમ્પ્લોયમેન્ટ, એક્સચેકર સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરી અને પ્રથમ યુ.કે.-ઇન્ડીયા ડાયસ્પોરા ચેમ્પિયનનો હોદ્દાઓ સંભાળી અસરકારક ભૂમિકા ભજવી હતી. તેમણે આ અગાઉ APPG સ્મોલ શોપ્સના ચેર અને કો-ચેર તરીકે પણ સેવા આપી છે. અને વાઇસ ચેર ઓફ ધ ઇન્ડો-બ્રિટિશ ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટી ઇન પાર્લામેન્ટમાં પણ ચૂંટાયેલાં સભ્ય તરીકે સેવા સાદર કરેલ છે. છેલ્લા ત્રણ દાયકામાં ટોરી પાર્ટીના સક્રિય સભ્ય તરીકે સંખ્યાબંધ ભૂમિકા ભજવી છે.
ઇ.યુ. રેફરન્ડમ દરમિયાન અગ્રગણ્ય ભૂમિકા અદા કરી પોતાના સહકાર્યકરોમાં એકતા સ્થપાય એ માટેના પ્રયાસો કરવામાં ય પાછી પાની કરી નથી!
મૂળ આણંદ જિલ્લાના તારાપુરના ઊંડી ખડકી વિસ્તારના વતની અને શ્રી સુશીલભાઇ અને શ્રીમતી અંજનાબહેનના સુપુત્રી પ્રીતિબહેનના દાદાશ્રી કાન્તિભાઇ ૧૯૩૫માં તારાપુરથી નકુરૂ-કેન્યા અને ત્યાર બાદ ૧૯૫૦માં કમ્પાલા-યુગાન્ડામાં સ્થાયી થયા હતા. સુશીલભાઇ વધુ અભ્યાસાર્થે ૧૯૬૬માં લંડન આવ્યા અને મિકેનિકલ એન્જીનીઅરની ડીગ્રી મેળવી હતી. ૧૯૭૦માં સુણાવની દિકરી અંજનાબહેન સાથે લગ્ન થયાં અને અત્રે દામ્પત્ય જીવન શરૂ કર્યું. તેમને એક દિકરો અને બે દિકરીઓ છે. પ્રીતિબહેનની ઉજ્જવળ કારકિર્દીનું તેમને મમ્મી-પપ્પાને ગૌરવ થાય એ સ્વાભાવિક છે. વતની સુશીલભાઈ બાબુભાઈ પટેલ પરિવાર સાથે ૪૦ વર્ષ પહેલાં યુગાન્ડામાં સ્થાયી થયા હતા. બાદમાં ત્યાંથી સ્થળાંતર કરીને બ્રિટનમાં વસ્યા હતા. જોકે, પ્રીતિબહેન સુશીલભાઈ પટેલના દાદા-દાદી વર્ષો સુધી આણંદની કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં વસવાટ કરતા હતા.
૨૦૦૫માં માર્કેટિંગ કન્સલટન્ટ એલેક્સ સોયર સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં પ્રીતિબહેન અગિયારેક વર્ષના પુત્ર ફ્રેડીની માતા છે.
એમની નવી નિમણૂંક માટે ‘ગુજરાત સમાચાર’ અભિનંદન પાઠવતાં ગૌરવ અનુભવે છે.