લંડનઃ બોરિસ જ્હોન્સને સત્તાસ્થાને આવવાના ૧૦૦ દિવસમાં જ ટેક્સમાં કાપ, હેલ્થ ટુરિઝમ અને રેલવે સહુતના ટ્રાન્સપોર્ટ અને આરોગ્યસેવામાં હડતાળો પર નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર કાયદાઓ ઘડવાની યોજના જાહેર કરી છે. તેમણે ગંભીર અપરાધીઓ માટે સજાના કાયદા વધુ કડક બનાવવા તેમજ ઐતિહાસિક દુરુપયોગના આરોપોમાંથી પીઢ સૈનિકોને રક્ષણ આપવાના નવા કાયદા ઘડવાનું પણ વચન આપ્યું છે. વડા પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે યુકે ૩૧ જાન્યુઆરીએ ઈયુ છોડશે.
જ્હોન્સન લેબરનેતા જેરેમી કોર્બીનથી વિપરીત વધુ સ્પષ્ટ છે કોર્બીને તો સત્તામાં આવવાના પ્રથમ ત્રણ મહિના નવી બ્રેક્ઝિટ સમજૂતી માટે ગાળવાની ખાતરી આપી છે જેના પર સેકન્ડ રેફરન્ડમ લેવામાં આવશે. કોર્બીને સ્કોટિશ આઝાદી માટે સેકન્ડ રેફરન્ડમનું દ્વાર પણ ખોલી નાખ્યું છે જેને, નિકોલા સ્ટર્જને લેબરનેતાને નંબર ૧૦માં બેસાડવાની કિંમત ગણાવી છે.
જ્હોન્સને ગુરુવારની સામાન્ય ચૂંટણીમાં બહુમત વિજય પ્રાપ્ત થશે તો ગણતરીના સપ્તાહોમાં લાખો કામદારોને ટેક્સમાં ૧૦૦ પાઉન્ડના કાપ મૂકાશે તેમ ખાતરી આપી છે. તેમણે પોતાના વચનો પૂર્ણ કરવા સત્તા પર આવવાના થોડા જ દિવસોમાં ૧૧ ખરડાને ફાસ્ટ-ટ્રેકમાં મૂકવા શપથ લીધા છે. જહોન્સને જણાવ્યું છે કે તેઓ ગંભીર અપરાધીઓ માટે સજા વધુ કડક બનાવવા, હેલ્થ અને ટ્રાન્સપોર્ટ જેવી આવશ્યક સેવાને અસર કરતી હડતાળો પર અંકુશ તેમજ લશ્કરી વેટરન્સ વિરુદ્ધ ખોટા દાવાઓ પર પ્રતિબંધ લાદવા સહિતના કાયદા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વડા પ્રધાન જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે તેમના સત્તાસ્થાને ૧૦૦ દિવસમાં જ સોશિયલ કેરના પડકારનો ઉકેલ લાવવા તમામ રાજકીય પક્ષો સાથે બેઠકો યોજાશે. તેમણે NHS સંભાળની ખર્ચને સરભર કરવા માઈગ્રન્ટસે ૬૨૫ પાઉન્ડનો સરચાર્જ ચૂકવવા માટે કાયદો લાવવાની પણ ખાતરી આપી હતી. હેલ્થ માટે ૨૦૨૩ સુધી વાર્ષિક ૩૩.૯ બિલિયન પાઉન્ડનું ભંડોળ તેમજ શિક્ષણક્ષેત્રે શાળાઓને સેકન્ડરી કલાસના પ્રતિ વિદ્યાર્થી ઓછામાં ઓછાં ૫,૦૦૦ પાઉન્ડ અને પ્રતિ પ્રાઈમરી વિદ્યાર્થી માટે ૪,૦૦૦ પાઉન્ડનું ભંડોળ આપવાના કાયદા પણ પસાર કરાશે.
તેમણે કહ્યું હતું કે તેમની સરકારનું પ્રથમ બજેટ ફેબ્રુઆરીમાં લવાશે અને તેમાં ૩૭ મિલિયન મોટરિસ્ટ્સને નાણાકીય લાભકારક ફ્યૂલ ડ્યૂટી સ્થગિત રાખવાનો પણ સમાવેશ થશે. ટોરી સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ પગલાંમાં નેશનલ ઈન્સ્યુરન્સની સીમા ૮,૬૩૨થી વધારી ૯,૫૦૦ પાઉન્ડ કરાશે જેના કારણે ૩૦ મિલિયનથી વધુ કામદારને સીધો જ ૧૦૪ પાઉન્ડ જેટલો ટેક્સકાપનો લાભ મળશે. નેશનલ ઈન્સ્યોરન્સની સીમામાં વધારાને ઈન્કમ ટેક્સની સીમાને ૧૨,૫૦૦ પાઉન્ડ સુધી વધારવાને સુસંગત ગણાવાય છે જેના પરિણામે, વ્યક્તિ દીઠ ૪૬૪ પાઉન્ડનો ટેક્સલાભ મળશે. જોકે, આ માટે સંપૂર્ણ સમયપત્ર જાહેર કરાયું નથી.