કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજ્યા હોવાના સમાચાર વાઇરલ થતાં જ તેમની સાથે સંકળાયેલા કેટલાય દિલચસ્પ તથ્યો બહાર આવવા લાગ્યાં છે. પોતાના દેખાવના કારણે ‘બ્રિટનના ડોનાલ્ડ ટ્રમ્પ’ની ઓળખ ધરાવતા બોરિસ જોન્સન ભારત સાથે જૂનો નાતો ધરાવે છે. તેમણે શીખ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાત તો સહુ કોઇ જાણે છે, પરંતુ જો કોઇ કહે કે તેઓ પટૌડી પરિવાર સાથે પણ નાતો ધરાવે છે અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના ‘ગ્રાન્ડ અંકલ’ થાય છે તો તમે શું કહેશો?
સંબંધોને જોડતી કડી ખુશવંત સિંહ
બોરિસ જ્હોન્સન અને પટૌડી વચ્ચેના સંબંધનું કારણ વિખ્યાત લેખક ખુશવંત સિંહ છે. ખુશવંત સિંહના નાના ભાઈ દલજત સિંહના લગ્ન એક શીખ મહિલા દીપ સાથે થયાં હતા. આ લગ્નથી દીપને બે દીકરી જન્મી. બાદમાં દીપે બીબીસી પત્રકાર ચાર્લ્સ વ્હીલર સાથે લગ્ન કર્યાં અને તેમને ત્યાં દીકરી મરીના વ્હીલરનો જન્મ થયો. બોરિસ જ્હોન્સને બીજા લગ્ન આ મરીના વ્હીલર સાથે કર્યા હતા. બોરિસ અને મરિનાએ ૧૯૯૩માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ૨૫ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૮માં બોરિસ અને મરિનાએ છુટાછેડા લીધા. આ સંબંધે જોવામાં આવે તો દલજિત સિંહ અને ખુશવંત સિંહ એક સમયે બોરિસ જ્હોન્સનના સસરા થતા હતા. ખુશવંત સિંહ સાથેના આ સંબંધને પગલે જ બોરિસ જ્હોન્સનનો સંબંધ બોલિવૂડ સાથે પણ જોડાય છે. વાસ્તવમાં સૈફ અલી ખાનની પહેલી પત્ની અને અભિનેત્રી અમૃતા સિંહ ખુશવંત સિંહ પરિવારની સભ્ય છે. તે ખુશવંત સિંહની ભાણેજ થાય છે. અભિનેત્રી સારા અલી ખાનની માતા અમૃતા સિંહ આર્મી ઓફિસર શિવિંદર સિંહ વિર્ક અને પોલિટિકલ એક્ટિવિસ્ટ રૂખસાના સુલ્તાનાની દીકરી છે. અમૃતા સિંહના દાદી મોહિંદર કૌર લેખક ખુશવંત સિંહના બહેન હતા. આમ સંબંધોની કડી જોડવામાં આવે તો બોરિસ જ્હોન્સન, સારા અલી ખાનના ‘ગ્રાંડ અંકલ’ થયા.
જ્હોન્સન ‘ભારતના જમાઇ’
મરિના સાથેના ૨૫ વર્ષ લાંબા લગ્નજીવન દરમિયાન બોરિસ જ્હોન્સન કેટલીય વખત પત્ની સાથે ભારતના પ્રવાસે જઇ ચૂક્યા છે. જ્હોન્સને ખુદે એક વખત પોતાને ‘ભારતના જમાઈ’ ગણાવ્યા હતા.
‘ધ ટ્રિબ્યૂન’માં ખુશવંત સિંહના દીકરા રાહુલ સિંહે તાજેતરમાં જ એક કોલમમાં કહ્યું હતુંઃ જો બોરિસ બ્રિટનના આગામી વડા પ્રધાન બને છે, તો મરિનાની સાથેના ૨૫ વર્ષના લગ્ન, ભલે તે ગમેએટલા વિવાદિત કેમ ન હોય, તેમના અનેક ભારત પ્રવાસને પગલે ભારત-બ્રિટિશ સંબંધોમાં એક નવો યુગ જોવા મળી શકે છે.