ઇરાકના શહેર મોસૂલમાંથી ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓને ખદેડી કાઢવા ખરાખરીનો જંગ જામ્યો છે. ઇરાકી સુરક્ષા દળોની ભીંસ વધતા આઇએસનો વડો બગદાદી ઊભી પૂંછડીએ નાઠો છે. ઇરાકી દળો આઈએસ કબજાગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જોકે આ ભીષણ લડાઈની આગવી ખાસિયત હવે દુનિયાની નજર સામે આવી છે. ૨૦૦ જેટલી કુર્દીશ ફાઇટર મહિલાઓ મેદાનમાં આવી છે. આ મહિલાઓ ખૂબ જ સુંદર છે. આકર્ષક છે અને જો તેમણે આર્મી જવાનનો ડ્રેસ પહેર્યો ન હોય તો કોઇ માને પણ નહીં કે આ માનુનીઓ યુદ્ધના મેદાનમાં આઈએસ જેવા આતંકવાદીઓને હંફાવી રહી છે.
આઈએસના ઉગ્રવાદીઓને તેમના ગુપ્ત સ્થાનોમાંથી બહાર કાઢવા માટે આ કુર્દીશ બ્યુટી ક્વીન્સ લાઉડ સ્પીકર પર સુમધુર સંગીત રેલાવે છે. તેઓ પોતે ગાય છે. કંઠના કામણનો ઉપયોગ કરીને કટ્ટરવાદીઓને મેદાનમાં આવવા માટે મજબૂર કરે છે. કટ્ટરવાદીઓ જેવા મહિલાઓ તરફ આગળ વધે છે કે તરત જ ગોળીઓના વરસાદમાં મૃત્યુ પામે છે.
હાથમાં આધુનિક મશીનગન લઇને ઉભેલી કુર્દીશ સુંદરી ૨૧ વર્ષની મની નાસરાલ્લાહપોરે જણાવ્યું હતું કે અમે ૨૦૦ મહિલાઓ લડાકુઓ છીએ. આતંકવાદીઓ સામે લડવામાં અમને કોઈ ભય નથી. અમારે ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવા છે.
એક કમાન્ડરે જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટનું એક જૂથ જેનું નામ ‘દાયેશ’ છે તે જાણીબૂઝીને મહિલા એકમ પર ૨૦ મોર્ટારથી હુમલો કરે છે. ફાઇટર ગાયિકાઓ ગાવાનું શરૂ કરે અને બહાર આવીને મોર્ટારથી ગોળીબારો શરૂ થાય.
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) દ્વારા સંગીત અને તે ગાવા પર પ્રતિબંધ છે. તેમણે મહિલાઓ પર પણ તમામ પ્રકારના પ્રતિબંધ લાદયા છે. સેંકડો મહિલાઓને તેમણે સેક્સ ગુલામ તરીકે રાખી છે. વર્ષ ૨૦૧૪માં નોર્થ ઈરાકમાં લડીને ઈરાક અને સિરીયાના વિસ્તારો કબજે કર્યા બાદ જ મહિલાઓ પર અત્યાચારો શરૂ કર્યા હતા.
કુર્દીશ ફ્રિડમ પાર્ટીના ૬૦૦ યોદ્ધાઓમાં ૨૦૦ મહિલા લડાકુ છે. અમેરિકા આ જૂથને મદદ કરે છે. સ્વરક્ષણ માટે જે કંઇ કરવું પડે તે તેઓ કરવા તત્પર છે. આ કુર્દીશ લડવૈયાઓ ખૂબ વધુ મહત્ત્વાકાંક્ષી છે. તેમને પોતાનો સ્વતંત્ર, અલાયદો દેશ જોઈએ છે. આ નવા દેશ માટે ઈરાક, ઈરાન, તુર્કી અને સીરિયામાંથી વિસ્તારો મેળવવા પડે.
એકે-૪૭ એસોલ્ટ રાઈફલધારક મહિલા ફાઇટર કહે છે કે અમે લડીએ છીએ માતૃભૂમિની રક્ષા માટે. ઇરાન કે ઇરાક, દરેક દેશના કુર્દીશ સહુ કોઇ એક છે.
એવિન વાયસી નામની મહિલા ફાઈટરે જણાવ્યું હતું કે આઈએસ તરફથી સામનો ભલે કરવામાં આવે, પણ તેઓ ગીત ગાઈને આકર્ષતી ફાઇટર મહિલા જમાતથી ડરે છે.
તાજેતરમાં કેટલીક મહિલાએ યોદ્ધાઓ તરીકે પુરુષોની બટાલિયોમાં પ્રવેશ મેળવ્યો છે. સહુ કોઈ જાણે છે કે આઈએસ જૂથ ભયજનક છે, પણ આ જૂથ મોટા ભાગે મહિલા ફાઈટરોથી ડરે છે. ૩૨ વર્ષની એવિને જણાવ્યું હતું કે મેં ટીવી દાયેશ જૂથના ફાઈટરોને જોયા. મહિલાઓ પર અનહદ અત્યાચારો કરતા હતા. મારું લોહી ઊકળી ઊઠ્યું અને મેં તત્કાળ મશીનગન હાથમાં લીધી.
એક ક્રાંતિકારી મહિલા ગાર્ડે કહ્યું કે તેઓ ૭૦૦ મીટર દૂર જ એક લાઈનમાં ઊભા હતા. સામેથી આઈએસના આતંકીઓએ ગોળીબારો શરૂ કર્યા, પણ અમારી જવાબી કાર્યવાહીથી તેઓ નાસી છૂટ્યા. આ મહિલા ફાઈટરોએ નિર્ણય કર્યો છે કે જીવિત ક્યારેય પકડાવાનું નથી. જરૂર પડે ખુદને ગોળી મારી દેવી. જોકે અમે પુરુષ ફાઇટરોની સમકક્ષ ૧૦૦ ટકા છીએ.
ઇરાકી સેનાએ મોસૂલમાં પ્રવેશ કર્યો છે અને ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. જોકે આઈએસનો આકા બગદાદી મોતના ભયથી ફફડીને મોસૂલ છોડીને અજાણ્યા સ્થળે ભાગી ગયો છે. બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જ્હોન્સને સંસદમાં આ સમાચાર આપ્યા હતા.