લંડનઃ રાજધાનીના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ શનિવાર, ૧૪ માર્ચે વડા પ્રધાન ડેવિડ કેમરન અને ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીના હસ્તે કરાયું હતું. બન્ને મહાનુભાવોએ પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે વાતાવરણમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ...’ ગુંજતું હતું. આ ઐતિહાસિક પ્રસંગે ગાંધીજીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી, હિન્દી ફિલ્મજગતના મહાનાયક અમિતાભ બચ્ચન, કલ્ચરલ સેક્રેટરી સાજિદ જાવિદ, પ્રતિમાના નિર્માણ માટે ૧૦ લાખ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કરનારી ચેરિટી ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના લોર્ડ મેઘનાદ દેસાઈ અને લેડી દેસાઈ પણ ઉપસ્થિત હતા.
ખ્યાતનામ શિલ્પકાર ફિલિપ જેક્સન દ્વારા સર્જિત નવ ફૂટની આ કાંસ્યપ્રતિમા ૧૯૩૧ની ગાંધીજીની એ તસ્વીર પર આધારિત છે, જ્યારે તેઓ બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મળવા આવ્યા હતા.
આ પ્રતિમાને નેલ્સન મન્ડેલા, વિન્સ્ટન ચર્ચિલ અને અબ્રાહમ લિંકન જેવા મહાનુભાવોની પ્રતિમાની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.
આ કાંસ્યપ્રતિમા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી સ્વાતંત્ર્ય સંઘર્ષ માટે ભારતમાં પુનરાગમનની શતાબ્દીનું પ્રતીક અને યાદગીરી છે. બ્રિટનમાં ગાંધીજીની આ ત્રીજી પ્રતિમા છે. ગાંધીજી પ્રથમ ભારતીય અને ક્યારેય કોઈ પદ પર ન રહ્યા એવા પ્રથમ વ્યક્તિ છે જેમની પ્રતિમા લંડનમાં સ્થાપવામાં આવી છે.
આ પ્રસંગે વડા પ્રધાન ડેવિડ કેમરને જણાવ્યું હતું, ‘આ પ્રતિમા વિશ્વ રાજકારણના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વોમાં સ્થાન ધરાવતા મહાનુભાવને આદરાંજલિ છે. મહાત્મા ગાંધીની પ્રતિમા આ પ્રખ્યાત સ્ક્વેરમાં ગોઠવીને આપણે તેમને આપણા દેશમાં શાશ્વત ઘર આપી રહ્યા છીએ. આ પ્રતિમા વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી વિશાળ લોકશાહીઓ વચ્ચે વિશિષ્ટ સંબંધનું પ્રતીક હોવા સાથે ગાંધીના સંદેશાની સાર્વત્રિક શક્તિની ઉજવણી છે.’
તેમણે કહ્યું કે ઈતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે ભારત સાથે આપણા સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે તેમ જ સમોવડીયા તરીકે આપસી આદર, સહકાર અને વેપાર દ્વારા તે વધુને વધુ મજબૂત બની રહ્યા છે. બ્રિટનને આજના સ્થાને પહોંચાડવામાં ૧૫ લાખ ભારતીયોનું અનન્ય પ્રદાન છે, જેઓ બન્ને દેશોને એકમેકના લાભાર્થે નિકટ લાવવા કાર્યરત છે.
ચર્ચિલની બાજુમાં ‘અર્ધનગ્ન ફકીર’ને સ્થાનઃ જેટલી
ગાંધીપ્રતિમાના અનાવરણ માટે ખાસ લંડન આવેલા ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીએ આ ઐતિહાસિક પ્રસંગે જણાવ્યું હતું કે અન્ય કોઈની સરખામણીએ ગાંધીજી જ વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વચ્ચેના ઊંડા અને દીર્ઘકાલીન સંબંધોનું પ્રતીક બની રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે ભારત અને બ્રિટન બન્ને સંસ્થાનવાદની જંજીરોથી મુક્ત થઈને નવા સંબંધોથી જોડાયેલા છે. ગાંધીજીને એક સમયે ‘રાજદ્રોહી, અર્ધનગ્ન ફકીર’ તરીકે વર્ણવનારા ચર્ચિલની બાજુમાં જ સ્થાન આપી ગાંધીજીના પ્રદાનની કદર કરીને સંસ્થાનવાદી ભૂતકાળથી ઉપર ઉઠવા બદલ જેટલીએ બ્રિટનની પણ પ્રશંસા કરી હતી.
સત્યનો માર્ગ એ જ શાંતિનો માર્ગ છેઃ ગોપાલકૃષ્ણ ગાંધી
ગાંધીજીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ લાગણીભીના હૃદયસ્પર્શી શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં અગાઉ તેમની જરૂર ન હતી તેટલી આજે જરૂર છે. તેમણે ૬૮ વર્ષ અગાઉ તેમના હત્યારા તરફ આ જ રીતે તેની આંખોમાં આંખ પરોવી જોયું હતું. ગાંધીજી ચાલતા હતા, ઊભા ન હતા અને તેઓ સીધા જ એ ત્રણ ગોળીઓ તરફ ચાલતા રહ્યા હતા. તેમણે આ તીરો ઝીલ્યાં હતાં. અન્યો માટે તેમની પીડા, ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધાની તાકાત સાથે તેમણે ગાઢ આલિંગન આપ્યું હતું.
તેઓ ધર્મના આધારે ભારતના વિભાજનને અટકાવવા વર્ષો સુધી લડ્યા હતા, પરંતુ વિભાજન હકીકત બન્યું ત્યારે ભારતની બે મુખ્ય કોમ - હિન્દુ અને મુસ્લિમ વચ્ચે શાંતિ સ્થાપવા, નવી આઝાદી મેળવેલા ભારત અને નવરચિત પાકિસ્તાન વચ્ચે વિશ્વાસ માટે તેમણે ઉપવાસ આદર્યા હતા. આ બદલ તેમની હત્યા કરાઈ હતી.
જો તેઓ જીવ્યા હોત તો તેમને ગોળી મારનારા માટે પણ લડ્યા હોત. તેઓ વિશ્વાસ પાછો ફરે, સ્થિર થાય અને વધે તે માટે પણ લડ્યા હોત. ગાંધીજીએ નવા ભારત માટે કાર્ય કરવાનું સ્વપ્ન શરૂ કર્યું હતું, જે ભારત ધનવાન હોય કે ન પણ હોય, શક્તિશાળી હોય કે ન પણ હોય, પરંતુ તે પોતાના ગરીબ લોકો માટે તેમ જ વિશ્વના તમામ દુઃખી લોકો માટે અનુકૂળ અને ન્યાયી હોય.
તેઓ ભારતના સત્યોનો સામનો કરવામાં માનતા હતા, તેમનાથી દૂર ભાગવામાં નહિ. તેઓ કહેતા કે ‘સત્યનો માર્ગ એ જ શાંતિનો માર્ગ છે.’ અને તેમના માટે શાંતિ કોઈ કબૂતર ન હતું. ગાંધીજી તેના પ્રેમથી શેકાતા હતા અને તેની આગથી સાજા થતા હતા.’
લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડના પ્રતિનિધિ તરીકે વરિષ્ઠ સાંસદ કિથ વાઝ ઉપસ્થિત હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’ને કહ્યું કે, ‘ઘણાં ઓછાં કાર્યક્રમો તેની સાથે પ્રતીકવાદની ભાવના લાવે છે. આજનો અનાવરણ કાર્યક્રમ તેમાંનો એક છે. મહાત્મા ગાંધી ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાંના એક છે અને વિશ્વની સૌથી પ્રાચીન પાર્લામેન્ટની બહાર તેમને અપાયેલું અમરત્વ ભારત સાથે યુકેના સંબંધોની મજબૂતી દર્શાવે છે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ જેવી મહાન સંસ્થામાં શક્તિશાળી પ્રદાન આપનારા સમુદાય - ૧.૪ મિલિયન બ્રિટિશ ઈન્ડિયન્સ માટે પણ આ વિશિષ્ટ દિવસ છે.’
સ્ક્વેરમાં લહેરાતાં ભારતીય ધ્વજ અને સમારોહને નિહાળવા એકત્ર થયેલા હિન્દુ અને શીખ સ્કૂલોના વિદ્યાર્થીઓની હાજરીમાં બેન્ડ દ્વારા સિતાર પર ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂર લહેરાતાં હતાં. સમારોહમાં ઉપસ્થિત સાંસદો, લોર્ડસ, આમંત્રિતો, જાહેર જનતાએ તાળીઓના ભારે ગડગડાટથી ગાંધીપ્રતિમાના અનાવરણને વધાવી લીધું હતું. (ફોટોસૌજન્યઃ રાજ ડી. બકરાણીયા-Prmediapix)