લંડનઃ બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓએ દિવંગત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં સાંસદ શૈલેષ વારા,લોર્ડ રાજ લૂમ્બા ,BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર,યોગવિવેકદાસ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ યુકે (વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ) સહિતનો સમાવેસ થયો હતો.
સાંસદ શૈલેષ વારાએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં ડ્યૂક ઓફ એડિનબરા સ્કીમની સફળતા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કદાચ પ્રિન્સની સૌથી વધુ દેખાતી સિદ્ધિ છે જેનાથી અનેક પેઢીઓના યુવાનોને અસીમ લાભ મળ્યો છે. વારાએ યુગાન્ડામાંથી ૧૯૭૨માં એશિયનોની હકાલપટ્ટી મુદ્દે પ્રિન્સ ફિલિપ સાતેની વાતચીતને યાદ કરતા કહ્યું હતું કે વિગતો પર ધ્યાન આપવા બાબતે તેઓ પ્રિન્સથી પ્રભાવિત થયા હતા અને તેમની પાસે જ્ઞાનની ઊંડાઈ હતી. પ્રિન્સે આપણા દેશ અને કોમનવેલ્થમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
લોર્ડ રાજ લૂમ્બાએ પ્રિન્સ ફિલિપને અસાધારણ અને રિમાર્કેબલ વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘સાત દાયકાથી વધુ સમય ક્વીનને પતિ અને કોન્સોર્ટ તરીકે આપેલા સપોર્ટ અને સમર્પણ કદી જોવા મળશે નહિ. તેમની હાજરી, શાંત સ્વભાવ, સાંભળવાની ધીરજ અને રમૂજવૃત્તિની હંમેશા ખોટ જણાશે. તેમણે ડ્યૂક ઓપ એડિનબરા એવોર્ડ્સ થકી ૧૦૦થી વધુ દેશના મિલિયનથી વધુ યુવાનોને સફળતા પ્રાપ્ત કરવા મદદ કરી હતી.મને કહેતા ગર્વ થાય છે કે મારી પુત્રી અને બે ગ્રાન્ડડોટરને પણ આ એવોર્ડ્સ પ્રાપ્ત થયાં છે.’
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર (નીસડન)ના સ્વામીગણ ડ્યૂક ઓફ એડિનબરાની ૨૩ જુલાઈ,૧૯૯૬ની મંદિરની મુલાકાતને ભાવપૂર્વક યાદ કરે છે. તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝ રોયલ હાઈનેસ મંદિર પ્રતિ સમર્પણ, સ્થાપત્ય અને મંદિરના નિર્માણમાં સ્વયંસેવકોના યોગદાન તેમજ મંદિરના સ્થાપક અને સર્જક પ્રમુખ સ્વામી મહારાજથી ભારે પ્રભાવિત થયા હતા. ૧૯૯૭ની ૧૫ ઓક્ટોબરે ભારત મુલાકાત દરમિયાન પ્રિન્સ ફિલિપે ગુજરાતના ગાંધીનગરસ્થિત સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રમુખ સ્વામી મહારાજને મળવાની ઈચ્છા પણ દર્શાવી હતી. એક વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજ યુકેના પ્રવાસે ગયા ત્યારે બકિંગબહામ પેલેસમાં મળવાનું ડ્યૂક ઓફ એડિનબરાનું આમંત્રણ સ્વીકાર્યું હતું તથા ક્વીન અને પ્રિન્સ ફિલિપ સાથે મુલાકાત કરી હતી. નીસડન ટેમ્પલના મુખ્ય સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજ અને યુકેમાં સ્વામીનારાયણ સંસ્થા તરફથી રોયલ ફેમિલી પ્રતિ ઊંડી દિલસોજી સાથે પ્રાર્થના પાઠવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ યુકે (વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને સેન્ટ્રલ વર્કિંગ કમિટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘પ્રિન્સ ફિલિપની અનેક સિદ્ધિઓમાં ઈન્ટરફેઈથ સંવાદને સતત ઉત્તેજન આપવામાં રહી છે. તેમણે હિન્દુ ધર્મના બંધુત્વ અને સાર્વત્રિક શાંતિના સિદ્ધાંતો પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. ૧૯૯૩માં બકિંગહામ પેલેસમાં વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝના આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી સમક્ષ વિચાર પ્રગટ કર્યો હતો. તેમણે ૧૯૮૪માં બ્રેડફોર્ડ ખાતે આયોજિત ૧૦,૦૦૦ હિન્દુઓના હિન્દુ સંગમમાં ક્વીનના પ્રતિનિધિ તરીકે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ વેસ્ટ યોર્કશાયર, સર વિલિયમ બટલરને મોકલાયા હતા તેની પણ યાદ કરી હતી.’
(વધારાનો અહેવાલ શેફાલી સક્સેના)