બ્રિસ્ટોલના સ્મિતા પંડ્યાની આત્મહત્યા

Wednesday 04th May 2016 06:16 EDT
 
 

લંડનઃ બ્રિસ્ટોલના પોશ વિસ્તાર ક્લીફ્ટન ખાતે રહેતા અને ઇન્ટરનેશનલ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે ખુદની રિક્રૂટમેન્ટ એજન્સી ચલાવતા ગુજરાતી મૂળના સ્મિતા પંડ્યાએ આત્મહત્યા કરી લીધા બાદ તેમનો મૃતદેહ ગત તા. ૨૪મી એપ્રિલ ૨૦૧૬ના રોજ સવારે તેમના ફ્લેટમાંથી મળી આવતા બ્રિટનના સમસ્ત બ્રાહ્મણ સમાજ સહિત વિશાળ ભારતીય સમુદાયમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઝળહળતી કારકિર્દી ધરાવતા સ્મિતાબેને પોતાના બિઝનેસમાં તકલીફ જણાતા ફાર્મસી ચેઇન બુટ્સમાં નોકરી માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક બુટ્સ સ્ટોર્સ દ્વારા તેમની અરજી નકારવામાં આવી હતી. જે પત્ર તેમના મૃતદેહ પાસેથી મળી આવ્યો હતો. ૪૬ વર્ષના સ્મિતા પંડ્યા ૨૦૦૩માં ડીપ્રેશનથી પિડાતા હોવાનું નિદાન થયું હતું અને છેલ્લે ૨૦૧૫માં પણ તેમને માનસિક તણાવ હોવાનો જણાયું હતું.
સ્મિતા પંડ્યાની આત્મહત્યા અંગે બ્રિસ્ટોલ નજીક આવેલી એવોન કોરોનર કોર્ટમાં આસિસ્ટન્ટ કોરોનર માયફેનવે બકરીજ સમક્ષ તેમના ભાઇ ડો. પંડ્યાએ જણાવ્યું હતું કે ‘જ્યારે મારી બેન સ્મિતા યુનિવર્સીટી અોફ માંચેસ્ટરમાં અભ્યાસ કરતી હતી ત્યારે ૨૦૦૩માં ડિપ્રેશનની બીમારી હોવાનું નિદાન થયું હતું. સ્મિતાબેન છેલ્લે ૨૦૧૫ના અંતમાં અને તે પૂર્વે પણ કેટલોક વખત ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા. સ્મિતાની ઇન્ટરનેશનલ એવિએશન રિક્રૂટમેન્ટ એજન્સી ‘ગ્લોબલ એવિએશન કન્સલ્ટન્ટ્સ’ તકલીફમાં હતી અને તેને કારણે પરિવારજનોએ સ્મિતાબેનને સલાહ આપી હતી કે તે કોઇ અન્ય નોકરી પસંદ કરે જેમાં કામનું દબાણ અોછું હોય.’
ઇન્કવેસ્ટમાં જણાવાયું હતું કે ‘સ્મિતાબેન તેમની માતા સાથે નવેમ્બર માસમાં ત્રણ સપ્તાહની ભારતની યાત્રાએ ગયા હતા અને તેમના પરિવાર તેમજ જીપીના જણાવ્યા મુજબ સ્મિતાબેનની હાલતમાં ત્યાં નોંધપાત્ર સુધારો થયો હતો. સ્મિતાબેનના માતાએ બનાવના દસેક દિવસ પહેલા આશરે તા. ૧૩ કે ૧૪ જાન્યુઆરીના રોજ છેલ્લે સ્મિતાબેન સાથે ફોન પર વાત કરી હતી.’
કામના દબાણને ટાળવા માટે સ્મિતાબેને સ્થાનિક ફાર્મસી ચેઇન સ્ટોર્સ બુટ્સમાં નોકરી માટે અરજી કરી હતી. પરંતુ કમનસીબે બુટ્સ દ્વારા તેમની અરજીને નકારવામાં આવી હતી. સ્મિતાબેનના મૃતદેહ પાસેથી બુટ્સ દ્વારા મોકલવામાં આવેલો પત્ર મળી આવ્યો હતો. બની શકે છે કે કેટલાય લોકોને નોકરી અપાવનાર સ્મિતાબેનને બુટ્સ દ્વારા નોકરીની અરજી નકારવામાં આવતા ઘેરો આઘાત લાગ્યો હશે.
સ્મિતાબેનને છેલ્લા એક સપ્તાહથી જોયા ન હોવાથી અને તેમના ઘરના અધખુલ્લા દરવાજામાંથી તેમના કુતરાનો ભસવાનો અવાજ આવતો હોવાથી તેમના પડોશીએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી
હતી. જેમણે તપાસ કરતા સ્મિતાબેનનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
તેમના લિંક્ડઇનના પ્રોફાઇલ મુજબ સ્મિતાબેને ફેલોફિલ્ડ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને તે પછી તેમને માંચેસ્ટર યુનિવર્સિટીમાંથી ૨૦૦૧થી ૨૦૦૪ દરમિયાન સ્પીચ લેંગ્વેજ પેથોલોજી - પેથોલોજીસ્ટમાં બીએસસીની ડિગ્રી મેળવી હતી. તેમણે ૨૦૦૬થી ૨૦૧૪ દરમિયાન ગ્લોબલ એવિએશન કન્સલ્ટન્સી ફર્મમાં હેડ તરીકે સેવાઅો આપી હતી અને તે પછી જૂન ૨૦૧૪માં પોતાની કંપની ગ્લોબલ એવિએશન કન્સલ્ટન્ટ્સની સ્થાપના કરી હતી. પરંતુ કમનસીબે ૧૦ વર્ષનો વિશાળ અનુભવ અને કોન્ટેક્ટ્સ હોવા છતાં તેમની કંપની મુશ્કેલી અનુભવતી હતી.
આધારભૂત માહિતી મુજબ સ્મિતાબેનના પિતાશ્રીનું ઘણા સમય પહેલા નિધન થયું હતું અને તેમના માતા મનોરમાબેન અને તેમના ભાઇને આ કરૂણ બનાવથી ઘેરો આઘાત લાગ્યો હતો. સ્વભાવે મિલનસાર, સાહસિક અને આપબળે આગળ આવેલા સ્મિતાબેનના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter