બંદાર સેરી બેગાવન (બ્રુનેઇ)ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઇ દારુસ્સલામ દેશની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. બે દિવસની મુલાકાતે પહોંચેલા ભારતીય વડાપ્રધાનનું પાટનગર બંદાર સેરી બેગાવનમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. બ્રુનેઇમાં વડાપ્રધાન મોદી ટોચના નેતૃત્વ સાથે મંત્રણા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. મોદી બ્રુનેઇથી બુધવારે સિંગાપોર જવા રવાના થશે.
પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધતા બ્રુનેઇ સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે બ્રુનેઇમાં 14 હજારથી વધુ ભારતીયો વસે છે અને બન્ને દેશો 40 વર્ષથી રાજદ્વારી સંબંધો ધરાવે છે. મોદીએ બ્રુનેઇના પાટનગરમાં ભારતીય હાઇકમિશનની ચાન્સેરીનું ઉદ્ઘાટન કર્યું હતું તો ઓમર અલી સૈફ્ુદ્દીન મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.
ભારતથી બ્રુનેઇ માટે રવાના થતા પહેલા વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘આજે, હું બ્રુનેઈ દારુસ્સલામની પ્રથમવાર દ્વિપક્ષીય મુલાકાતે જઈ રહ્યો છું. જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય પ્રતિષ્ઠિત સભ્યો સાથે મુલાકાત કરીને ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈ લઇ જવા આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’
મોદીની બ્રુનેઈ મુલાકાત પર પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઊર્જા, સ્પેસ ટેક્નોલોજી, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથે ભારતના સહયોગને વધુ મજબૂત કરશે.’
ચાર દસકા જૂનો સંબંધ
ભારત અને બ્રુનેઈ દારુસ્સલામ (બ્રુનેઈ) 40 વર્ષથી રાજદ્વારી સંબંધ ધરાવે છે. બંને દેશો સહસ્ત્રાબ્દીમાં ફેલાયેલા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાથી જોડાયેલા છે. બ્રિટિશર્સથી બ્રુનેઈની સ્વતંત્રતા બાદ 10 મે 1984થી બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા છે. આ વર્ષે બંને દેશો વચ્ચેના સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠ છે. ભારત અને બ્રુનેઈ વચ્ચેના સંબંધો મજબૂત પરંપરાગત અને સાંસ્કૃતિક જોડાણો અને યુનાઇટેડ નેશન્સ, NAM અને કોમનવેલ્થના સભ્યપદ પર આધારિત છે. બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ 1992 અને 2008માં ભારતની સત્તાવાર મુલાકાત લઇ ચૂક્યા છે. તેમણે આસિયાન-ઈન્ડિયા સમિટમાં હાજરી આપી હતી.