- આનંદ પિલ્લાઈ
ભારતીય વિદ્યાભવન ખાતે ૨૮ સપ્ટેમ્બરે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમની સફળતા માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના લવાજમી ગ્રાહકો અભિનંદન અને યશના અધિકારી છે. બુધવારના ચાલુ દિવસે પણ અનોખા અને મહત્ત્વના પિતૃતર્પણ કાર્યક્રમ માટે ભવન્સનો હોલ ભરચક હતો તે ખાસ સમય કાઢીને મોટી સંખ્યામાં ઉમટી પડેલા વાચકોના મૂલ્યો વિશે ઘણું કહી જાય છે. ભવન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમાર અને તેમની ટીમ તથા જાણીતા ગાયિકા માયાબહેન દીપકે આ કાર્યક્રમના ઉદ્દેશની ભારે પ્રશંસા કરી હતી. પિતૃ-માતૃતર્પણની વિધિ આપણા પૂર્વજોનું ઋણ ચુકવવાની તક પૂરી પાડે છે.
ભવન ખાતે એકત્ર થવાનો સમય સાંજના ૬.૦૦ વાગ્યાનો રખાયો હતો અને ૬.૩૦ સુધીમાં તો હોલ ભરચક થઈ ગયો હતો. ડાઈનિંગ એરિયામાં ભીડ અને અવ્યવસ્થા ના સર્જાય તે માટે તબક્કાવાર શુદ્ધ શાકાહારી ડિનર પીરસવામાં આવ્યું હતું. સાંજે ૭.૩૦ કલાકે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે મહેમાનોને આવકાર્યાં હતાં અને પોતાની લાક્ષણિક રસાળ શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા ભારતીય વિદ્યાભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ.એન. નંદકુમારે જણાવ્યું હતું કે સૌથી મૂલ્યવાન સંપત્તિ સંસ્કૃતિ, કળા અને ડહાપણની છે કારણકે કોઈ ચોર તેને ચોરી શકતો નથી. કોઈ સરકાર તેના પર ટેક્સ લગાવી શકતી નથી કે પૈતૃક સંપતિ ગણાવી તેનામાં કોઈ હિસ્સો માંગી શકતું નથી. તમે જેટલો વપરાશ કરો તે સાથે આ સંપત્તિ વધતી જ જાય છે. તમે જેટલું શીખવો તે સાથે તમારા જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થાય છે. આથી જ કહેવાયું છે કે ‘વિદ્યા ધનમ સર્વ ધનમ.’
ડો. નંદકુમારે આના સમર્થનમાં સંસ્કૃત શ્ર્લોક ટાંક્યો હતો કે,
ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃ ભાજ્યમ ન ચ ભારકારિ
વ્યયં કૃતે વર્ધત એવ નિત્યં વિદ્યાધનમ્ સર્વધનપ્રધાનમ્ ।।
તેમણે શ્રાદ્ધના મહત્ત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે જો આપણે કૃતજ્ઞ હોઈશું તો પ્રગતિ કરીશું અને કૃતજ્ઞ નહિ હોય તો અધોગતિ કરીશું. શ્રાદ્ધપક્ષમાં આપણે દિવંગત માત-પિતા તેમજ આશિષ સાથે જીવનને સમૃદ્ધ બનાવવામાં પોતાનો ફાળો આપનારા પૂર્વજો પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ. આમાં આપણાં માતાપિતા કે પૂર્વજોનું જ નહિ, આપણા ઘરમાં કામકાજ કરનારા, શિક્ષણ આપનારા શિક્ષક, તમારું કલ્યાણ ઈચ્છનારા મિત્ર અને તમારી કાળજી લેનારા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. આપણા વેદો તો એટલે સુધી કહે છે કે આપણે વિશ્વમાં તમામ પ્રત્યે ઋણી રહેવું જોઈએ કારણકે એક અથવા બીજા પ્રકારે તેમની પાસેથી અાપણે કશું મેળવતા રહીએ છીએ.
આપણે માતાપિતાનું ઋણ કદી ઉતારી અથવા ચૂકવી શકતા નથી. દર વર્ષે મહાલય પક્ષના પ્રતિપ્રદાથી મહાલય અમાવાસ્યા સુધીના ૧૫ દિવસમાં આપણે તેમને યાદ અવશ્ય કરીએ. તેમના આશીર્વાદને યાદ કરીએ. તેમના માટે પ્રાર્થના કરીએ. તેમના સંતુષ્ઠ આત્મા પાસેથી આશીર્વાદ મેળવીએ. શાસ્ત્રો કહે છે કે આ ચોક્કસ દિવસોમાં પિતૃઓ આપણે તેમને બોલાવીએ, તેમનું તર્પણ કરીએ તેવી અપેક્ષા રાખે છે. પિતૃતર્પણથી તેઓ પિતૃલોકમાંથી સ્વર્ગલોકમાં સિધાવે છે.
ડો. નંદકુમારે કહ્યું હતું કે આપણા જન્મ સાથે દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ એમ ત્રણ પ્રકારના ઋણ ચકવવાના આવે છે. આપણા ધર્મ અને વિધિવિધાનોના ચોક્કસ પાસા છે, જે ભક્તિ અને સમર્પણ વિના સમજી શકાતા નથી. આ બાબતો વૈજ્ઞાનિક પરીક્ષણોના દાયરામાં આવતી નથી. ડો. નંદકુમારે તમામ પિતૃ માટે પ્રાર્થના કરતા શ્ર્લોક
‘એકો વિષ્ણુઃ મહદ્-ભૂતમ્ પૃથક ભૂતાન્યનેકશઃ ।
ત્રીન લોકાન્ વ્યાપ્ય ભૂતાત્મા ભુક્તે વિશ્વભુગવ્યયઃ ।।
સાથે સંબોધન પૂર્ણ કર્યું હતું.
ડો. નંદકુમારે વિદ્યાભવન વિશે જણાવ્યું હતું કે વિદ્યાનો અર્થ માત્ર ડહાપણ થતો નથી. વિદ્યા એટલે સંસ્કૃતિ, આધ્યાત્મિકતા પણ થાય છે. અમે ૧૯૭૨માં આરંભ કર્યો તે પહેલાથી શ્રી સીબી પટેલ અને ગુજરાત સમાચાર ભવન સાથે સંકળાયેલા હતા. હું તો ૧૯૭૭માં અહીં આવ્યો તે પછી સીબીને જાણતો થયો છું. તેમની પાસેથી અમને વ્યાપક સમર્થન મળતું રહ્યું છે. ભવનની એક છત નીચે સંગીત, નૃત્ય, નાટક, યોગ, ભાષા સહિત વિવિધ ૨૩ વિષય શીખવવામાં આવે છે. અગાઉ, ભવનમાં વિવિધ નૃત્યોની તાલીમ અાપનાર સુ.શ્રી પાર્વતીબહેન નાયર દ્વારા વૈદિક પ્રાર્થના કરવામાં અાવી હતી, ત્યારબાદ ડો. નંદકુમાર, ટ્રાવેલપેકના એકઝીકય્ુટીવ ડિરેકટર અશોકભાઇ પટેલ, હેરોના મેયર રેખાબહેન શાહ, ડો. જગદીશભાઇ દવે, કમલ રાવના માતુશ્રી સરલાબહેન અને સંગત કોમ્યુનિટી સેન્ટરના કાન્તિભાઇ નાગડાએ પરંપરાગત દીપપ્રાગટ્ય કર્યું હતું. જોક્સ માટે જાણીતા ભાનુભાઇ પંડ્યાએ રોજબરોજના જીવનમાં બનતા પ્રસંગો ઉપર જોક્સ રજૂ કરી રમૂજ ફેલાવી હતી.
માયાબહેનના કંઠનો જાદુ
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત ગાયિકા અને મધુરો સ્વર ધરાવતાં માયાબહેન દીપક બની રહ્યાં હતાં. તેમણે અંતરથી ગવાયેલા પ્રાર્થના, ભજનો અને દેશભક્તિના ગીતોથી કર્ણપ્રિય સંગીતનું કામણ પાથર્યું હતું. તેમણે ફિલ્મ ‘સીમા’માં મન્નાડેના કંઠે ગવાયેલા ક્લાસિક ભજન ‘તુ પ્યાર કા સાગર હૈ’થી આરંભ કરીને આંખને અશ્રુભીની કરી દેનારા દેશભક્તિના સદાબહાર ગીત ‘એ મેરે વતન કે લોગો’ સાથે સમાપન કર્યું હતું. આ સાથે તેમણે ગુજરાતી ગીતો ગાઈને પણ બહુમતી ગુજરાતી ઓડિયન્સની વાહવાહ મેળવી હતી. માયાબહેને ગાયેલાં તમામ ગીતોની સ્વરગુંજની અસરમાંથી પ્રેક્ષકો બહાર આવી શક્યા ન હતા.
માયાબહેન દીપકે આ પ્રસંગે તેના ટ્રુપને પરફોર્મ કરવાની તક આપવા બદલ સીબીનો આભાર માન્યો હતો. માયાબહેન સાથે તબલાં પર નૌશાદ, કીબોર્ડ પર અનંત પટેલ અને ડ્રમ પર સોનુએ સંગત કરી હતી. માયાબહેનના પુત્ર કુંજને કિશોર કુમારના થોડાં ગીત ગાઈને સૌને પ્રભાવિત કર્યા હતા.
સીબી પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તમામનો આભાર માન્યો હતો. તેમણે માનવ સમાજમાં સંસ્કૃતિ અને મૂલ્યોનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આ બે હાર્દરુપ સ્થંભો પર જ માનવજાતનું અસ્તિત્વ છે. આપણે વ્યક્તિગત અને સંસ્થા તરીકે શું છીએ તેની વ્યાખ્યા આપે છે અને આપણી દિનચર્યાની દોરવણી પણ કરે છે. સીબીએ તમામને પોતાના દિવંગત પેરન્ટ્સને યાદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું. તેમણે ગુજરાત સમાચાર એશિયન વોઈસના ટીમ મેમ્બર્સનો પરિચય પણ ઓડિયન્સને આપ્યો હતો.
હેરોના મેયર રેખાબહેન શાહે સીબી પટેલને ‘સર્વવ્યાપી’ ગણાવ્યા હતા. કોઈ પણ ફંક્શન હોય સીબીની હાજરી ત્યાં વર્તાય જ છે. આ પ્રસંગે આમંત્રણ આપવા બદલ તેમણે સીબી પટેલ અને ABPL ગ્રૂપનો આભાર માન્યો હતો.
ગુજરાત સમાચારના ન્યૂઝ એડિટર કમલભાઈ રાવે આભારપ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભવન પ્રોગ્રામ કમિટી અને ડ્રામા કમિટીના અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. રાત્રે ૧૦ વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. તેની ભવ્ય સફળતાનો યશ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના હજારો લવાજમી ગ્રાહકોને જાય છે.
આપ સર્વને ધન્યવાદ
તસવીર સૌજન્ય: શરદ રાવલ. આ કાર્યક્રમની વધુ તસવીર જોવા માટે વેબસાઇટ www.sharadraval.com/photos/tarpanની મુલાકાત લો.
•••
ફોટોલાઈનઃ
• જાણીતા ગાયિકા માયાબહેન દીપક સાથે એમનું સંગીતગૃપ
• કિશોરકુમારના ફિલ્મગીત રજૂ કરી રહેલા કુંજન
• સભાને સંબોધી રહેલા સી.બી પટેલ
• ન્યુઝ એડિટર કમલ રાવ
• ભવનના અોડિટોરિયમમાં ભજન તર્પણનો કાર્યક્રમ માણી રહેલા ભાઇ-બહેનો. (ફોટો: શરદ રાવલ)
• દીપ પ્રાગટ્ય વિધિ બાદ ડાબેથી કોકિલા પટેલ, ડો. નંદકુમાર, સરલાબેન બ્રહ્મભટ્ટ, કાન્તિભાઇ નાગડા, ડો. જગદીશભાઇ દવે, અશોકભાઇ પટેલ તથા હેરોના મેયર કાઉન્સિલર રેખાબેન શાહ