નવી દિલ્હી: ભારતમાં રાજકીય પક્ષોની ગતિવિધિ પર નજર રાખતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ પ્રમાણે ભાજપ
રૂ. ૪૮૪૭.૭૮ કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી ધનિક પક્ષ છે. જ્યારે બસપા બીજા અને કોંગ્રેસ ત્રીજા ક્રમે છે.
એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં શાસક પક્ષ ભાજપે ૪,૮૪૭.૭૮ કરોડ રૂપિયાની મિલકતની જાહેરાત કરી હતી, જે દેશના તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધારે હતી. ભાજપ બાદ બીજા સ્થાને માયાવતીની બસપા છે, જેણે ૬૯૮.૩૩ કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસ ૫૮૮.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. એડીઆરનો આ રિપોર્ટ ૨૦૧૯-૨૦માં દેશના રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક પક્ષોની અસ્ક્યામતો અને જવાબદારીના વિશ્લેષણ પર આધારિત છે.
૭ રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પક્ષોની સંપત્તિ
એડીઆરના વિશ્લેષણ પ્રમાણે સાત રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પક્ષોએ નાણાંવર્ષ દરમિયાન જાહેર કરેલી કુલ મિલકતોનું મૂલ્ય અનુક્રમે ૬,૯૮૮.૫૭ કરોડ રૂપિયા અને ૨,૧૨૯.૩૮ કરોડ રૂપિયા છે. સાત રાજકીય પક્ષોની વાત કરીએ તો ભાજપે સૌથી વધારે મિલકતની જાહેરાત કરી છે. ભાજપ પાસે રૂ. ૪,૮૪૭.૭૮ કરોડની મિલકત છે જે રાજકીય પક્ષોની કુલ મિલકતના ૭૦ ટકા જેટલી છે. તેના પછી બસપાએ ૬૯૮.૩૩ કરોડ રૂપિયાની મિલકતો હોવાની જાહેરાત કરી છે.
પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો ૪૪ પક્ષોમાંથી ટોચના ૧૦ પક્ષોની કુલ સંપત્તિ ૨,૦૨૮.૭૧૫ કરોડ રૂપિયા થાય છે. ૨૦૧૯-૨૦માં પ્રાદેશિક પક્ષોએ જાહેર કરેલી મિલકતોની વાત કરીએ તો, સૌથી વધુ સંપત્તિ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપા) ધરાવે છે. સપાની મિલકતોનું મૂલ્ય રૂ. ૫૬૩.૪૭ કરોડ છે. જ્યાર તેના બાદ તેલંગણ રાષ્ટ્ર સમિતિ ૩૦૧.૪૭ કરોડની મિલકત સાથે બીજા સ્થાને છે. જ્યારે એઆઇએડીએમકે ૨૬૭.૬૧ કરોડની મિલકત સાથે ત્રીજા સ્થાને છે. પ્રાદેશિક પક્ષઓ જાહેર કરેલી સંપત્તિમાં ફિક્સ ડિપોઝિટ્સનો મોટો હિસ્સો છે. તમામ પક્ષોની ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને એફડીઆરનું કુલ મૂલ્ય ૧,૬૩૯.૫૧ કરોડ રૂપિયા થાય છે. રાષ્ટ્રીય પક્ષોએ નાણાવર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પોતાની પર કુલ ૭૪ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની જવાબદારી હોવાની જાહેરાત કરી હતી. રાજકીય પક્ષોએ ઉધાર ખાતે ૪.૨૬ કરોડ રૂપિયા તેમજ ૭૦ કરોડથી વધુની રકમ અન્ય જવાબદારીઓ હેઠળ બતાવી છે.
કોની કેટલી ફિક્સ્ડ ડિપોઝિટ્સ
ફિક્સ્ડ ડિપોઝિટ્સની વાત કરીએ તો ભાજપે ૩,૨૫૩ કરોડ, બસપાએ ૬૧૮.૮૬ કરોડ અને કોંગ્રેસે ૨૪૦.૯૦ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ્સ હોવાની જાહેરાત કરી છે. જ્યારે પ્રાદેશિક પક્ષોમાં સપા ૪૩૪.૨૧૯ કરોડ, ટીઆરએસ ૨૫૬.૦૧ કરોડ, એઆઇએડીએમકે ૨૪૬.૯૦ કરોડ, ડીએમકે ૧૬૨.૪૨૫ કરોડ, શિવસેના ૧૪૮.૪૬ કરોડ અને બીજેડી ૧૧૮.૪૫ કરોડની ફિક્સ્ડ ડિપોઝીટ્સ ધરાવે છે.
કોંગ્રેસ પર સૌથી વધુ લાયબિલિટી
કોંગ્રેસે પોતાના પર સૌથી વધારે લાયેબિલિટી દર્શાવી છે. પક્ષના જણાવ્યા અનુસાર કોંગ્રેસના માથે ૪૯ કરોડ રૂપિયાથી વધારેની જવાબદારી છે. તે બાદ તૃણમૃલ કોંગ્રેસ ૧૧.૩૨ કરોડની જવાબદારી સાથે બીજા ક્રમે છે. પ્રાદેશિક પક્ષો પોતાની માથે કુલ ૬૦.૬૬ કરોડની જવાબદારી દેખાડી છે. જેમાં ટીડીપીએ સૌથી વધુ ૩૦.૩૪ કરોડ, ડીએમકેએ ૮ કરોડથી વધારે રકમની જવાબદારી ધરાવે છે.
કયા પક્ષ પાસે કેટલી મિલકત?
ભાજપ રૂ. ૪૮૪૭.૭૮ કરોડ
બસપા રૂ. ૬૯૮.૩૩ કરોડ
કોંગ્રેસ રૂ. ૫૮૮.૧૬ કરોડ
સપા રૂ. ૩૦૧.૪૭ કરોડ
ટીઆરએસ રૂ. ૩૦૧.૪૭ કરોડ
એઆઇએડીએમકે રૂ. ૨૬૭.૬૧ કરોડ
ડીએમકે રૂ. ૧૬૨.૪૫ કરોડ
શિવસેના રૂ. ૧૪૮.૪૬ કરોડ
બીજુ જનતા દળ રૂ. ૧૧૮.૪૨ કરોડ