ભારત @ 75– ભારતની શૂન્યથી વિરાટ તરફની સિદ્ધિ યાત્રા

આઝાદી બાદ ભારતના ટુકડે ટુકડા થઇ જશે તેવી પશ્ચિમના નેતાઓની ધારણાઓને ખોટી પાડી 75 વર્ષમાં ભારત વિશ્વની સૌથી મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો, એક દાયકા પહેલાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રમાં સ્થાન નહોતું પરંતુ 2022માં ભારત વિશ્વના પાંચમા ક્રમની મહાસત્તા બનવાની દિશામાં અગ્રેસર, 75 વર્ષમાં અનાજ ઉત્પાદન અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી, કૃષિથી માંડી ટેકનોલોજી અને સર્વિસ સેક્ટરમાં ભારતીય કંપનીઓ વિશ્વને દિશા ચીંધી રહી છે

આર્નોલ્ડ ક્રિસ્ટી Wednesday 10th August 2022 05:58 EDT
 
 

15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે તે નિમિત્તે મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 75 વર્ષમાં એક સ્વતંત્ર દેશ તરીકે ભારતે કેવું કાઠું કાઢ્યું અને કેટલી સિદ્ધિ હાંસલ કરી તેની સમીક્ષા અસ્થાને નહીં ગણાય. ભારત આઝાદ થયો ત્યારે પશ્ચિમના નીરિક્ષકોને કલ્પના પણ નહીં હોય કે ભારત 75 વર્ષમાં વિશ્વની સૌથી મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવશે. 1960માં સેલિગ હેરિસને કલ્પના કરી હતી કે ભારત પાકિસ્તાનની જેમ લશ્કરી શાસન ધરાવતો દેશ બની જશે અથવા તો તેના ટુકડે ટુકડા થઇ જશે. બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહેતા હતા કે ભારત અખંડ રાષ્ટ્ર રહી શકશે નહીં. આ તમામ ધારણા અને કલ્પનાઓને ખોટી ઠેરવીને ભારત આજે એક અખંડ અને મજબૂત આર્થિક શક્તિ ધરાવતા દેશ તરીકે વિશ્વમાં આગળ વધી રહ્યો છે. આર્થિક મોરચા પર નવી સવારના વચનોથી શરૂઆત કરનારા ભારતે ચિંતાજનક પીછેહઠ પણ જોઇ પરંતુ છેલ્લા 3 દાયકામાં ભારત એક શ્રેષ્ઠ અર્થતંત્ર બની રહ્યો છે. એક દાયકા પહેલાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રમાં ભારતનું કોઇ સ્થાન નહોતું પરંતુ 2022માં ભારત વિશ્વની પાંચમા ક્રમની આર્થિક મહાસત્તા બનવા જઇ રહ્યો છે. ભારત વિશ્વના આર્થિક વિકાસમાં યોગદાન આપનારો ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ બની રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસત્તાઓ પણ ભારતના અભિપ્રાયને મહત્વ આપી રહી છે. વિશ્વના નક્શામાં ભારત એક ચિંતા ન કરવી પડે તેવા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ભારતમાં સ્થિર લોકશાહી છે. ભારત એક જવાબદાર પરમાણુ દેશ છે. પાકિસ્તાન અને ચીન સાથે કેટલાક વિવાદો ચાલી રહ્યા હોવા છતાં વિશ્વના લગભગ તમામ દેશો સાથે ભારત હકારાત્મક સંબંધો ધરાવે છે. ભારતમાં વિસ્તારવાદની કોઇ મહત્વાકાંક્ષા નથી. વિશ્વમાં અન્ય દેશો ભારતને સમસ્યા સર્જનાર નહીં પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ બનતા દેશ તરીકે સ્વીકારી ચૂક્યાં છે.

 

ભારતના અર્થતંત્રની છેલ્લા 75 વર્ષની હરણફાળ

 ભારતે ખાદ્ય ઉત્પાદનમાં સ્વનિર્ભરતા હાંસલ કરી

ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભરતા આઝાદ ભારતની સૌથી મોટી સિદ્ધી છે. 1950 અને 1960ના દાયકામાં વિશ્વમાંથી અનાજની મદદ પ્રાપ્ત કરતો ભારત આજે વિશ્વભરમાં અનાજની નિકાસ કરતો દેશ બની ગયો છે. 1950માં ભારતમાં 54.92 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે વર્ષ 2020-2021માં વધીને 305.44 મિલિયન ટન પર પહોંચી ગયું હતું. 1950થી ભારતના કૃષિ સેક્ટરનો વિકાસ દર સ્થિર રહ્યો છે. 20મી સદીના પ્રથમ 50 વર્ષમાં કૃષિનો વિકાસદર 1 ટકો રહ્યો હતો. આઝાદી પછી આ દર વધીને 2.6 ટકા પર પહોંચ્યો હતો. ખેતીની જમીનોમાં વધારો અને પાકની વિવિધ પ્રકારની જાતોના કારણે કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી એગ્રી બાયોટેક સેક્ટર 30 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. ભારત જિનેટિકલી મોડીફાઇડ પાકોનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની રહ્યો છે.

 સકલ ઘરેલુ ઉત્પાદન 2.7 લાખ કરોડથી 135.13 લાખ કરોડ રૂપિયા થયું

1947માં ભારત આઝાદ થયો ત્યારે કુલ સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) રૂપિયા 2.7 લાખ કરોડ હતું જે 2020-21માં 135.13 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. અત્યારે ભારત વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યો છે અને 2031 સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બને તેવી સંભાવના છે. 1991માં ભારતમાં આર્થિક સુધારા શરૂ કરાયા બાદ જીડીપીમાં 10 ગણો વધારો થયો છે.

વિદેશી મુદ્રા ભંડાર 46.17 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો

1950-51માં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ ) ફક્ત 1029 કરોડ રૂપિયા હતો. 1991 સુધી ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 1.2 અબજ ડોલર સુધી જ પહોંચી શક્યો હતો પરંતુ આ નીચા વિદેશી મુદ્રા ભંડારે જ 1991માં ભારત સરકારને આર્થિક સુધારા કરવાની ફરજ પાડી હતી. તે સમયે ભારત પાસે ફક્ત 3 સપ્તાહ સુધી આયાત કરી શકાય તેટલું જ વિદેશી હુંડિયામણ હતું. 1991માં આર્થિક સુધારા દાખલ કરાયાના 3 દાયકા બાદ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રૂપિયા 46.17 લાખ કરોડ પર પહોંચી ગયો છે જે વિશ્વમાં પાંચમા ક્રમે છે.

14000 કિલોમીટરની નવી રેલવે લાઇનો નાખવામાં આવી

આઝાદીના શરૂઆતના વર્ષોમાં પણ ભારતમાં રેલવે નેટવર્ક વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલુ હતું. આઝાદ ભારતમાં સરકારોએ રેલવેના તમામ પ્રકારના ગેજને એકસમાન બ્રોડગેજમાં તબદિલ કરવા અને વિદ્યુતિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છેલ્લા 75 વર્ષમાં દેશમાં 14000 કિમીની નવી રેલવે લાઇનો પણ નાખવામાં આવી છે. 2020માં ભારતમાં રેલવેની કુલ લંબાઇ 67,956 કિલોમીટર પર પહોંચી ગઇ હતી.

75 વર્ષમાં ભારતે 60 લાખ કિલોમીટર નવી સડકોનું નિર્માણ કર્યું

સડકોના મામલામાં આઝાદીના સમયે ભારતની સ્થિતિ દયનિય હતી. દેશમાં ફક્ત 40,000 કિમી સડક જ પાકી સડક હતી જ્યારે મોટાભાગના ગામો અને નાના શહેરો કાચી સડકોથી જોડાયેલાં હતાં. પરંતુ ભારતની સરકારોએ 2021 સુધીમાં પાકી સડકોના નેટવર્કમાં 16 ગણો વધારો કરી દીધો હતો. 2021માં ભારતમાં પથરાયેલી પાકી સડકોની કુલ લંબાઇ 64 લાખ કિલોમીટર પર પહોંચી ગઇ હતી જે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું સડક નેટવર્ક છે. 1969 સુધી દેશમાં 24000 કિમીના નેશનલ હાઇવે હતા જે 2021માં 1,37,625 કિમી પર પહોંચ્યા છે.

75 વર્ષમાં 6 લાખ કરતાં વધુ ગામોમાં વીજળી પહોંચાડાઇ

આઝાદી સમયે ભારતમાં વીજળી ઉત્પાદન નહીંવત હતું અને મોટાભાગના ગામોમાં વીજળી ઉપલબ્ધ નહોતી. ઉર્જા મંત્રાલયના આંકડા પ્રમાણે 1950માં ફક્ત 3061 ગામોમાં વીજળી પહોંચી હતી પરંતુ 2018 સુધીમાં દેશના 5,97,464 ગામોમાં વીજળી પહોંચી ગઇ હતી. જોકે આ મોરચે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 10 ટકા ઘરો સુધી જ વીજળી પહોંચી છે. હજુ કરોડો ઘરો વીજળી વિહોણા છે.

1948માં ભારતમાં ફક્ત 256 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું હતું

1991 પહેલા લાયસન્સ રાજના કારણે ભારતમાં સીધુ વિદેશી રોકાણ નહીંવત આવતું હતું. 1948માં ભારતમાં કુલ વિદેશી રોકાણ રૂપિયા 256 કરોડ આવ્યું હતું. 1991માં મુક્ત વેપારની નીતિ અપનાવ્યા બાદ ભારતમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવવાનું શરૂ થયું હતું. 2020-21માં ભારતમાં 81.72 અબજ અમેરિકન ડોલર વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું.

સર્વિસ સેક્ટર – આઉટ સોર્સિંગ સેવાઓમાં ભારતનો દબદબો

ભારતના સર્વિસ સેક્ટરમાં ટેલિકોમ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનું મોટું યોગદાન રહ્યું છે. વિશ્વભરની મોટી કંપનીઓ ટેલિસર્વિસ અને આઇટી સર્વિસ માટે ભારતીય કંપનીઓને આઉટ સોર્સિંગ કરી રહી છે જેના કારણે દેશમાં આઇટીઇએસ, બીપીઓ અને કેપીઓ કંપનીઓએ હરણફાળ ભરી છે. આજે ભારતનું સર્વિસ સેક્ટર 30 ટકા ભારતીય વર્કફોર્સને રોજગાર આપી રહ્યું છે. 1960ના દાયકામાં સર્વિસ સેક્ટરમાં ફક્ત 4.5 ટકા લોકો કામ કરતા હતા. ભારતના જીડીપીમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 50 ટકા કરતાં વધુ છે.

શિક્ષણ – 12.2 ટકાનો સાક્ષરતા દર 2011માં 74.04 ટકા પર પહોંચ્યો

આઝાદી સમયે દેશમાં નિરક્ષરતા વ્યાપક હતી પરંતુ હવે આઝાદીના 75 વર્ષ બાદ ભારતની શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક ધોરણો સાથે સ્પર્ધા કરી રહી છે. આઝાદી પછી દેશમાં શાળાની સંખ્યામાં મોટો વધારો થયો છે. 1947માં ભારતમાં સાક્ષરતાનો દર 12.2 ટકા હતો જે 2011ની વસતી ગણતરી અનુસાર એટલે કે 64 વર્ષમાં 74.04 ટકા પર પહોંચી ગયો હતો. ભારત સાક્ષરતાનો દર 100 ટકા કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ માટે દેશના દરેક બાળકને કાયદા દ્વારા શિક્ષણનો અધિકાર અપાયો છે.

સરેરાશ આયુષ્ય 1951માં 37 વર્ષથી વધીને 2022માં 70.19 વર્ષ થયું

આરોગ્ય સેક્ટરમાં ભારતે મોતનો દર ઘટાડીને સૌથી મોટી સિદ્ધી હાંસલ કરી છએ. 1951માં દેશમાં સરેરાશ આયુષ્ય 37 વર્ષ હતું જે 2022માં વધીને 70.19 વર્ષ થયું છે. પ્રસૂતાના મૃત્યુદરમાં ઘટાડો કરવામાં પણ ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. 2014માં ભારતને સત્તાવાર રીતે પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો. સ્વચ્છ ભારત જેવા અભિયાનના કારણે દેશમાં ખુલ્લામાં હાજતનું દુષણ દૂર કરી શકાયું છે.પાંચ વર્ષથી નાના બાળકોમાં મૃત્યુનો દર 65 ટકા જેટલો ઘટાડી શકાયો છે. ભારતે 2025 સુધીમાં દેશમાંથી ટીબીને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મોદી સરકારે દેશની 40 ટકા વસતીને આરોગ્ય વીમાના કવચમાં આવરી લીધી છે. કોરોના મહામારીમાં ભારતે 200 કરોડ કરતા વધુ રસીના ડોઝ આપીને મહામારીને અટકાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે.

એચએએલ, પરમાણુ વિભાગ અને ડીઆરડીઓએ ભારતને સંરક્ષણમાં અગ્રીમ હરોળમાં લાવી દીધો

આઝાદી મળ્યા બાદના 75 વર્ષમાં  સંરક્ષણ ક્ષેત્રે ભારતનું કદ અત્યંત શક્તિશાળી બની ગયું છે. 1971 સુધીમાં ચાર ચાર યુદ્ધો લડીને 3માં ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો. 1998માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી તો 2020-21માં ગાલવાન ઘાટીથી માંડીને લદ્દાખ સુધી ચીની સેનાને ભારતીય સેનાની શક્તિનો પરચો આપ્યો. 1974માં પ્રથમ અને 1998માં બીજીવાર પરમાણુ પરીક્ષણ કરીને ભારતે વિશ્વની ન્યુક્લિયર ક્લબમાં સ્થાન હાંસલ કર્યું છે. આજે પરમાણુ શક્તિ હોવાના કારણે કોઇ દેશ ભારતની સામે આંખ ઊંચી કરતા 10 વાર વિચાર કરે છે. 1964માં સ્થપાયેલ હિન્દુસ્તાન એરોનોટિક્સ અને ડીઆરડીઓ યુદ્ધવિમાનો, ટેન્ક અને મિસાઇલનું ઉત્પાદન કરી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની રાહ પર આગળ અને આગળ વધારી રહ્યાં છે. મિસાઇલ સેક્ટરમાં ભારતે આંતરખંડીય મિસાઇલ સુધીના મિસાઇલો વિકસાવી લીધાં છે. આજે જાસૂસી ઉપગ્રહોથી માંડીને નાના શસ્ત્રોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કાઠુ કાઢી રહ્યો છે.

આઝાદીના 75 વર્ષના સીમાસ્થંભો

-     15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા મળી

-     26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણનો સ્વીકાર કરાયો

-     26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને પ્રજાસત્તાક દેશ ઘોષિત કરાયો

-     1951થી ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ કરાયો

-     1951-52માં ભારતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઇ

-     1953માં નવ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરી એર ઇન્ડિયાની રચના કરાઇ

-     1955માં ભારતીય સ્ટેટ બેન્કનો પ્રારંભ કરાયો

-     1956માં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)નો પ્રારંભ કરાયો

-     1957માં ભારતીય કરન્સીમાં પૈસાનો અમલ શરૂ કરાયો

-     1960માં દેશમાં હરિત ક્રાંતિનો પ્રારંભ કરાયો

-     1961માં ભારતે ગોવાને પોર્ટુગલના કબજામાંથી આઝાદ કરાવ્યું

-     1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયું

-     1963માં ભારતે અંતરિક્ષમાં સૌપ્રથમ રોકેટ લોન્ચ કર્યું

-     1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડાયું

-     1966માં ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં

-     1968માં થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલાનો અમલ શરૂ કરાયો

-     1969માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો)ની સ્થાપના કરાઇ

-     1970માં દેશમાં શ્વેત ક્રાંતિનો પ્રારંભ કરાયો

-     1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડાયું

-     1974માં ભારતે સૌથી પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું

-     1975માં ભારતે સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ લોન્ચ કર્યો

-     1975માં તત્કાલિન પીએમ ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી

-     1977માં પહેલીવાર કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકારની રચના થઇ

-     1982માં ભારતમાં રંગીન ટેલિવિઝન પ્રસારણનો પ્રારંભ થયો

-     1983માં ભારતે ક્રિકેટનો સૌપ્રથમ વિશ્વકપ જીત્યો

-     1988માં માર્કેટ રેગ્યુલેટર સેબીની રચના કરાઇ

-     1989માં ભીરતે અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

-     1991માં ભારતમાં મુક્ત બજાર અને આર્થિક સુધારાનો પ્રારંભ કરાયો

-     1994માં ભારતીય સેનામાં પૃથ્વી મિસાઇલ સામેલ કરાયું

-     1995માં દુલ્હીમાં મેટ્રો રેલ કોર્પોરેશને કામગીરી શરૂ કરી

-     1998માં ભારતે પોખરણ ખાતે બીજીવાર પરમાણુ પરીક્ષણ કર્યું

-     1999માં ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી

-     2007માં પ્રતિભા પાટિલ ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં

-     2008માં ભારતે ચંદ્રયાન વન લોન્ચ કર્યું

-     2009માં એનઆઇએની રચના કરાઇ

-     2010માં ભારતના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર અપાયો

-     2011માં ભારતે બીજીવાર આઇસીસી વર્લ્ડકપમાં વિજય પ્રાપ્ત કર્યો

-     2015માં આયોજનપંચનું વિસર્જન કરી નીતિ આયોગની સ્થાપના કરાઇ

-     2016માં ભારતે પહેલીવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી

-     2017માં ભારતમાં જીએસટીનો પ્રારંભ કરાયો

-     2019માં પુલવામા એટેક બાદ ભારતે પાક.ના બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી

-     2022માં ભારતને સૌપ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મળ્યાં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter