વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘કેમ છો, પ્રાઇમ મિનિસ્ટર...’ કહીને અમેરિકામાં આવકારનાર પ્રમુખ ઓબામાએ ભારતપ્રવાસ દરમિયાન ‘નમસ્તે, મેરા પ્યારભરા નમસ્કાર...’ કહીને ભારતીયોના દિલ જીતી લીધા હતા. જોકે સહુ કોઇની નજરનું કેન્દ્ર બની હતી બન્ને દેશના વડાઓ વચ્ચેની કેમિસ્ટ્રી. એકદમ હળવાશભર્યા માહોલમાં મળેલા બન્ને નેતાઓએ એકબીજાના કાર્યકૌશલ્યની ભરપૂર પ્રશંસા કરીને એકબીજાને બિરદાવ્યા હતા.
પ્રમુખ ઓબામાની ભારત મુલાકાતના પ્રારંભ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દોસ્તી સ્પષ્ટ વર્તાવા લાગી હતી. રવિવારે સવારે ઓબામાને આવકારવા નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા ત્યારથી બંને વચ્ચેના અંગત સંબંધો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા.
ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકી પ્રમુખ પ્રજાસત્તાક પર્વની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ સંપૂર્ણ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સશસ્ત્ર દળોની સલામી ઝીલી હતી. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ છ અમેરિકી પ્રમુખ ભારતની મૂલાકાત લઈ ચૂક્યા છે, જેમાં એકમાત્ર બરાક ઓબામા એવા પ્રમુખ છે જેઓ બીજી વાર ભારતની મુલાકાતે આવ્યા છે. અગાઉ નવેમ્બર ૨૦૧૦માં ઓબામા ભારત પ્રવાસે આવ્યા હતા. નોંધનીય છે કે વડા પ્રધાન મોદીના આમંત્રણને માન આપીને ઓબામા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવા ભારત આવ્યા હતા.
હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં બંનેએ એકબીજાની ભરપૂર પ્રશંસા કરી હતી. તો સંયુક્ત નિવેદન દરમિયાન બંનેએ એકબીજાને ફર્સ્ટ નેમથી સંબોધન કરી ઉષ્મા વ્યક્ત કરી હતી. મોદીએ ઓબામાને બરાક કહીને સંબોધ્યા હતા તો ઓબામાએ મોદીને મોદી તરીકે સંબોધિત કરીને ટૂંક સમયમાં ગાઢ બનેલી દોસ્તીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ પણ જણાવ્યું હતું કે પર્સનલ કેમેસ્ટ્રી સંબંધો વિક્સાવવામાં મહત્ત્વની બની રહે છે.
‘નમસ્તે, મેરા પ્યારભરા નમસ્કાર’
પોતાની દોસ્તીનો સંકેત આપતાં ઓબામાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધનની શરૂઆત હિન્દીમાં કરી. પ્રમુખ ઓબામાએ જણાવ્યું હતું, ‘નમસ્તે મેરા પ્યારભરા નમસ્કાર...’ પોતાનાં સંબોધનના અંતે ઓબામાએ જણાવ્યું હતું કે ચલેં સાથ સાથ... મોદીની પ્રશંસા કરતાં ઓબામાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકામાં મેડિસન સ્કવેર ખાતે મોદીનું સ્વાગત એક બોલિવૂડ સ્ટારની જેમ થયું, મોદી એક બોલિવૂડ સ્ટારથી કમ નથી.
મોદી સાથે વારંવાર થતી મુલાકાતો અંગેના સવાલનો જવાબ આપતાં ઓબામાએ જણાવ્યું હતું કે અમે બંને ભેગા થઈએ છીએ ત્યારે એવી વાતો કરીએ છીએ કે તમને સૂવા માટે કેટલો સમય મળે છે? મને તો એમ લાગે છે કે મોદીને સૂવા માટે મારા કરતાં ઓછો સમય મળે છે. ઓબામાના જવાબથી મોદી હસી પડ્યા હતા.
યૂક્રેન અંગેના સવાલના જવાબમાં ઓબામાએ જણાવ્યું હતું કે અમે રશિયાને નબળું પાડવા અથવા તો તેના અર્થતંત્રને તોડી પાડવા ઇચ્છતા નથી, પરંતુ કોઈ મોટો દેશ નાના દેશને ધમકાવે પણ નહીં. રશિયા સાથે યુદ્ધનો ઇરાદો નથી. અફઘાનિસ્તાનના લોકો માટે પણ અમે મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર બનવાના છીએ.
અમેરિકા ભારતનો સૌથી સારો દોસ્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારતનો સૌથી સારો દોસ્ત છે. છેલ્લા કેટલાક મહિનામાં બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ વોશિંગ્ટન અને નવી દિલ્હી પણ અત્યંત નિકટ આવી ગયા છે.
મોદીએ જણાવ્યું હતું કે અમે વારંવાર મળીએ છીએ તેની સામે સવાલ ઉઠે છે, પરંતુ બે નેતાઓના સંબંધો કાગળ પરના પૂર્ણવિરામ અને અલ્પવિરામ પર નિર્ભર રહેતા નથી. બંને વચ્ચેની કેમેસ્ટ્રી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે અમે એકલા હોઈએ છીએ ત્યારે એકબીજાને સારી રીતે ઓળખી શકીએ છીએ.
બંને નેતાઓની ગુપ્ત મુલાકાતોમાં કેવા પ્રકારની વાતો થાય છે તેવા સવાલના જવાબમાં મોદીએ હસતા હસતા કહ્યું હતું કે જ્યાં સુધી આ પ્રકારની વાતોનો સવાલ છે તેને પડદા પાછળ જ રહેવા દો. બરાક અને મારી વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ છે. અમારી નિખાલસતાને કારણે અમે અંદરોઅંદર વાત કરી લઈએ છીએ અને ગપ્પાં પણ મારી લઈએ છીએ. અમે મજાક પણ કરી લઈએ છીએ. ઘણી વાર ફોન પર પણ વાત કરીએ છીએ.
સાથે મળી ઇતિહાસનું નિર્માણ
પ્રમુખ ઓબામાના માનમાં રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા ભવ્ય ડિનર પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે આપની હાજરી ભારત અને યુએસના સંબંધોને વધુ મજબૂત બનાવશે કે જે આ બંને દેશની લોકશાહીને જોડી રાખશે, આપણે સાથે મળી સારા ભવિષ્ય માટે એક ઇતિહાસ રચવા જઇ રહ્યા છીએ. ઓબામા તમારી ગત મુલાકાત દરમિયાન પણ આવા જ ભોજન સમારંભમાં તમને મળ્યો હતો, હું આજે બમણો ખુશ છું કેમ કે આજે હું તમારા માટે ભોજન હોસ્ટ કરી રહ્યો છું. અમેરિકાના પ્રમુખ ઓબામા માટે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યાર સુધીમાં કોઇ પણ રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલું સૌથી મોટું ડિનર હતું. આ ડિનરમાં ૨૫૦થી વધુ મહેમાનોએ ભાગ લીધો હતો. સામાન્ય સંજોગોમાં આવા સમારંભમાં મહેમાનોની સંખ્યા ૧૦૦ સુધી સીમિત રખાય છે.
નેતાઓની ‘મન કી બાત’
પ્રમુખ બરાક ઓબામાનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ભલે સમાપ્ત થઇ ગયો હોય, પરંતુ ભારતની જનતા સાથેનો તેમનો સંવાદ જારી છે. અગાઉથી નક્કી કાર્યક્રમ હેઠળ પ્રમુખ ઓબામા અને વડા પ્રધાન મોદીના ‘મન કી બાત’નું પ્રસારણ મંગળવારે સાંજે આઠ વાગ્યે થયું હતું. સંબોધનની શરૂઆત મોદીએ કરી. જેમાં તેમણે સૌથી પહેલા અમેરિકન રાષ્ટ્રપતિના નામનો અર્થ જણાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે શરૂ કરી હતી.
ઓબામાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે પ્રજાસત્તાક દિન પર આમંત્રિત પહેલા અમેરિકન પ્રમુખ તરીકે ગૌરવ અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા રાષ્ટ્રીય સહભાગી છે, કારણ કે આપણામાં ઘણું બધું સમાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે હું વડા પ્રધાન મોદીની વ્યક્તિગત પ્રતિબદ્ધતાને બિરદાવું
બાદમાં શ્રોતાઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ બન્ને નેતાઓએ આપ્યા હતા. ઓબામાને પૂછાયેલા પ્રશ્નોમાં તેમની દીકરીને ભારત અંગે વાકેફ કરવાથી માંડીને તેઓ અને મિશેલ ભારતમાં બિલ-મેલિંડા ગેટ્સની જેમ કોઇ પ્રોજેક્ટ પર કામ કરવા માગે છે કેમ જેવા પ્રશ્નથી માંડીને આજે અને તમે મોદી જે સ્થાન પર છો ત્યાં સુધી પહોંચાવા ક્યારેય વિચાર્યું હતું ખરું? તેવા પ્રશ્નનો સમાવેશ થતો હતો.
જ્યારે નરેન્દ્ર મોદીને તમે કોઇ અમેરિકન નેતાથી પ્રભાવિત છો?, બેટી બચાવો અભિયાન માટે ઓબામાની કોઇ મદદ માગી છે? શું તમે વડા પ્રધાન પદ અંગે ક્યારેય વિચાર્યું હતું? તેવા પ્રશ્નો પૂછાયા હતા.
નોંધનીય છે કે મોદીએ ૨૨ જાન્યુઆરીએ જ તેમના ટ્વીટર હેન્ડલ પર લોકો પાસેથી પ્રશ્નો મંગાવ્યા હતા અને જણાવ્યું હતું કે મન કી બાતની આગામી કડીમાં ખાસ મહેમાન તરીકે પ્રમુખ બરાક ઓબામા પણ હશે. આ સંયુક્ત સંબોધનનું પ્રસારણ ૬૦ કરતાં વધુ ભાષામાં થયું હતું અને આશરે બે અબજથી વધુ લોકોએ તે સાંભળ્યો હોવાનું મનાય છે. અમેરિકાથી માંડીને ન્યૂઝિલેન્ડ સુધી આ કાર્યક્રમનાં પ્રસારણ માટે કરારો કરાયા હતા.
મોદી સરકાર ઝૂકી ગઈ?ઃ કોંગ્રેસ
ભારત–અમેરિકા વચ્ચે પરમાણુ કરારની ઘોષણા બાદ મોદી સરકારે દેશનાં હિતો સાથે સમજૂતી કરી હોવાના આક્ષેપો પણ થયા છે. કોંગ્રેસે મોદી સરકારને અમેરિકા સાથે કરાયેલા પરમાણુ અને ક્લાઈમેટ ચેન્જ સોદા પર સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે મોદી સરકારને સવાલ કર્યો છે કે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેણે દેશના હિતો સાથે સમજૂતી તો નથી કરીને?
વિદેશ સચિવ સુજાતા સિંહે જાહેરાત કરી કે બંને દેશો વચ્ચે પરમાણુ કરાર સમજૂતી થઈ છે અને કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં ચાર ભારતીય વીમા કંપનીઓ ૭૫૦ કરોડ આપશે જ્યારે બાકી રૂ. ૭૫૦ કરોડ રૂપિયા ભારત સરકાર આપશે. આ પછી એવો આક્ષેપ થયો હતો કે ભારત સરકાર અમેરિકી માગણી સામે ઝૂકી જઈ સિવિલ લાયેબિલિટી ન્યુક્લિયર ડેમેજ એક્ટમાં પોતાની તરફથી ૭૫૦ કરોડ રૂપિયાની સરકારી ગેરંટી જોડી દીધી છે. નોંધનીય છે કે સિવિલ લાયેબિલિટી ન્યુક્લિયર ડેમેજ (સીએલએનડી) એક્ટ ૨૦૧૦ અનુસાર કોઈ પણ પરમાણુ દુર્ઘટનાની સ્થિતિમાં પીડિત પક્ષોને વળતર આપવા ૧૫૦૦ કરોડ રૂપિયા રૂપિયા અલગ રાખવાની જોગવાઈ છે, જેમાં પહેલાં જવાબદારી સપ્લાયરો પર નાખવાના મુદ્દે બંને દેશો વચ્ચે ગતિરોધ સર્જાયો હતો.
વડા પ્રધાનનું લંચ, રાષ્ટ્રપતિનું ડિનર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અતિથિ ઓબામા દંપતીના સત્કારમાં ૨૫ જાન્યુઆરીએ ભવ્ય લંચનું આયોજન કર્યું હતું તો રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમના સમોવડિયા માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ શાહી ભોજનમાં બરાક ઓબામા અને મિશેલ ઓબામા અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ભોજનમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના મોટા ગજાના નેતાઓ જોડાયા હતા. ડિનર પહેલા પ્રમુખ ઓબામા અને મિશેલની ઔપચારિક મુલાકાત જાણીતા ઉદ્યોગપતિઓ રતન ટાટા, સાયરસ મિસ્ત્રી, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી ઉપરાંત વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સાથે કરાવવામાં આવી હતી.
મીડિયામાં છવાયો ભારત પ્રવાસ
પ્રમુખ ઓબામાની ભારત મુલાકાતને અમેરિકા અને પાકિસ્તાનનાં મીડિયામાં વ્યાપક સ્થાન મળ્યું છે. જ્યારે ચીન શંકાની નજરે જોઇ રહ્યું છે. અમેરિકાનાં અગ્રણી અખબારો ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ અને ‘વોશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારોએ ઓબામાની ભારત મુલાકાતને નવો અધ્યાય ગણાવી છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’એ બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી વચ્ચેના અંગત સંબંધોને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો માટે મહત્ત્વના ગણાવ્યા છે, તો ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ ઓબામાની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવો આશાવાદ સેવ્યો છે.
બીજી તરફ ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી મનાતા પાકિસ્તાનનાં અખબારોએ ઓબામાની ભારત મુલાકાતને એક મોટો ઘટનાક્રમ ગણાવ્યો હતો. જોકે એશિયાની સૌથી મોટી આર્થિક શક્તિ ગણાતું ચીન ઓબામાની ભારત મુલાકાતને શંકાની નજરે જોઇ રહ્યું છે. ચીનની સત્તાવાર થિન્ક ટેન્કનું માનવું છે કે ચીન પર લગામ કસવા માટે ઓબામાની ભારત મુલાકાતનું આયોજન કરાયું છે.