વોશિંગ્ટનઃ છ દિવસમાં પાંચ દેશોના પવનવેગી પ્રવાસે નીકળેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ ચરણમાં મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. અફઘાનિસ્તાન, કતાર અને સ્વિત્ઝર્લેન્ડમાં મહત્ત્વના દ્વિપક્ષીય કરારો થકી રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરીને વોશિંગ્ટન પહોંચેલા વડા પ્રધાન મોદીએ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતને સ્થાન માટે અમેરિકાનું સમર્થન મેળવીને મહત્ત્વની સફળતા હાંસલ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ઓબામા વચ્ચે ઓવલ હાઉસમાં એક કલાક મંત્રણા યોજાઇ હતી. આ બેઠક બાદ મોદીએ કહ્યું હતું કે, અમે પ્રાદેશિક સુરક્ષા, સાયબર સુરક્ષા, નાગરિક પરમાણુ ક્ષેત્રે સહકાર સહિતના મુદ્દે ચર્ચા કરી છે.
એનએસજીમાં ભારતના સભ્યપદને સમર્થનની સાથોસાથ જ અમેરિકાએ મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)માં ભારતને સ્થાન મળવું જોઇએ તે વાતે પણ ટેકો જાહેર કર્યો છે. જ્યારે વેસ્ટીંગહાઉસ કંપનીએ ભારતમાં છ પરમાણુ મથકો સ્થાપવાની જાહેરાત કરી હતી.
મંગળવારે વોશિંગ્ટન ડીસી ખાતે વ્હાઈટ હાઉસમાં વડા પ્રધાન મોદી અને પ્રમુખ બરાક ઓબામા વચ્ચે ઉષ્માસભર માહોલમાં મંત્રણા યોજાઇ હતી. બરાક ઓબામાએ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી બન્ને નેતાઓ એકબીજાને ભેટ્યા હતા. વ્હાઈટ હાઉસના ઓવલ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ ત્યારે તેમની વચ્ચે એક અલગ પ્રકારની કેમેસ્ટ્રી જોવા મળી હતી.
બંને નેતાઓ વચ્ચે બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે બેઠકની સૌથી મોટી ફળશ્રુતિ એ બાબત ગણી શકાય કે અમેરિકાએ ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન આપવાના દાવાને સમર્થન જાહેર કર્યું છે. બંને દેશોએ આ મંત્રણાને ખૂબ ફળદાયી ગણાવી હતી. અને આગામી મુલાકાત જી-૨૦માં થશે તેમ જણાવ્યું હતું. ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ઘનિષ્ટ બનાવવાના મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ગહન ચર્ચા થઈ હતી.
આ મુલાકાતમાં મોદીએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે વર્ણવ્યું હતું. મોદીએ ઉમેર્યું હતું કે ભારત અમેરિકા પરમાણુ સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દા પર સાથે મળીને કામ કરશે.
ટેકનિકલ સપોર્ટ, સાયબર સિક્યુરિટી અને ક્લીન એનર્જી જેવા મુદ્દે પણ ચર્ચા કરી હોવાનું મોદીએ જણાવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે માનવકલ્યાણ માટે ભારતના યુવાનોનું યોગદાન વિશેષ બની રહેશે. બન્ને દેશો અનેક મુદ્દે સાથે કામ કરશે. ભારતનો વૈશ્વિક તખતે પ્રભાવ વધી રહ્યો છે તે સંદર્ભે મોદીની અમેરિકા મુલાકાતને નિષ્ણાતો બહુ મહત્ત્વની ગણાવે છે.