વોશિંગ્ટન: અમેરિકાનાં બે દિવસનાં પ્રવાસે ગયેલા ભારતનાં વડાપ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણામાં ફિફ્થ જનરેશન ફાઈટર જેટ ભારતને વેચવા, બંને દેશો વચ્ચે 2030 સુધીમાં વેપાર 500 બિલિયન ડોલર સુધી પહોંચાડવો, સંરક્ષણ સહયોગ મજબૂત બનાવવા અને ટેક્નોલોજી સહયોગ ગાઢ બનાવવા ભાર મૂકાયો હતો. બંને રાષ્ટ્ર નેતાઓએ ગ્રીન ઊર્જા પર વાતચીત કરી હતી. મિટિંગમાં COMPACT ઈનિશિયેટિવ એટલે કે કેટેલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મિલિટરી પાર્ટનરશિપ, એસલરેટેડ કોમર્સ એન્ડ ટેક્નોલોજી ફોર ધ ટવેન્ટિફર્સ્ટ સેન્ચુરીની જાહેરાત કરી હતી.
ડિફેન્સ, વિવિધ ક્ષેત્રે રોકાણ વધારવા તેમજ ટ્રેડ, એનર્જી, ઇનોવેશન અને મલ્ટિલેટરલ પાર્ટનરશિપ વધારવા સંમતિ સાધવામાં આવી હતી. સંરક્ષણ ક્ષેત્રે જુદા જુદા શસ્ત્રો ભારતને વેચવા માટે અને કેટલાક શસ્ત્રો માટે ટેક્નોલોજી વિકસાવવા બંને નેતાઓએ સંમતિ દર્શાવી હતી. ભારતને પાંચમી પેઢીનાં ફાઈટર જેટ F-૩૫ વેચવા તેમજ ટેન્કો વેચવા અમેરિકા સંમત થયું હતું. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીમાં ભારતનાં સભ્ય પદ માટે અમેરિકા ટેકો આપશે. અણુ ઊર્જાના રિએક્ટરની ડિઝાઈન આપશે. ક્વોડ સંગઠનની કામગીરીનો વ્યાપ વિસ્તારવા બંને નેતાઓએ સંમતિ સાધી હતી. ભારતનાં મુંબઈમાં આતંકી હુમલાનાં કાવતરાખોરો સામે કામ ચલાવવા પાકિસ્તાનને ટ્રમ્પે તાકીદ કરી હતી. મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને ભારતને સોંપવા ટ્રમ્પે મંજૂરી આપી હતી. બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ સંબંધો વધારાશે અને શિક્ષણ સહિત અનેક મામલે સહયોગ વધારાશે. એઆઈ, હાઈટેક સેમિ કન્ડક્ટર ક્ષેત્રે ફોકસ કરાશે અને અમેરીકા સાથે અનેક ક્ષેત્રે ટેકનિકલ સહયોગ વદારવા સંમતિ સધાઈ હતી.
બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે કેટલાક મહત્ત્વના કરાર કરાયા હતા. જેમાં બંને દેશોએ 10 વર્ષનું એક ફ્રેમવર્ક રચવા સંમતિ સાધી હતી. જે હેઠળ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને વધારે મજબૂત કરાશે. ભારત દ્વારા અમેરિકા પાસેથી જેવલિન એન્ટિ ટેન્ક મિસાઇલ્સ, સ્ટ્રાઈકર આર્મ્ડ લડાયક વાહનો તેમજ P 81 નૌસૈનિકો માટે સર્વેલન્સ વિમાનો ખરીદવામાં આવશે. ઇન્ટરનેશનલ ટ્રાફિક ઈન આર્મ્સ રેગ્યુલેશનની સમીક્ષા કરાશે. ટેક્નોલોજી ટ્રાન્સફર તેમજ સંરક્ષણ ઉપકરણોની સપ્લાય શક્ય બનશે. બંને દેશો રેસિપ્રોકલ ડિફેન્સ માટે સાધનો ખરીદવા સંમત થયા હતા. બંને દેશો એકબીજા પાસેથી મહત્ત્વના સંરક્ષણ સાધનોની ખરીદી અને વેચાણ કરવા સંમત થયા હતા. અંતરિક્ષ, હવાઈ સુરક્ષા, મિસાઈલ્સ, મેરિટાઈમ સુરક્ષા અને દરિયાઈ યુદ્ધ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા કરાર કરાયા હતા. અમેરિકાએ ભારતને પાંચમી પેઢીના ફાઈટર જેટ F-35 વિમાન વેચવા તેની નીતિની સમીક્ષા કરવા તૈયારી દર્શાવી હતી. લોકહીડ માર્ટિને કહ્યું હતું કે અમે બંને દેશોની સાથે મળીને કામ કરીશું. ભારતને F-35 જેવા વિમાનો તેમજ જેવલિન અને હેલિકોપ્ટર્સ વેચવામાં આવશે જેથી ભારતના લશ્કરને સશક્ત બનાવી શકાય.
દોસ્તી ખરી પણ ‘ધંધા’માં નહીં
બીજી વાર પ્રમુખ બન્યા પછી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની આ પહેલી મુલાકાત હતી. મોદીના સ્વાગતમાં બે હાથ લંબાવીને ટ્રમ્પ ઉષ્માભેર તેમને ભેટી પડ્યા હતા અને મોદીને ખૂબ ઉમદા મિત્ર ગણાવ્યા હતા. જોકે અમેરિકાની આર્થિક નીતિઓ બાબતે મિત્રતાના આ સંબંધની સહેજ પણ શેહ શરમ નહીં રાખવાનું એલાન કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, પરસ્પર ટેરિફ લાદવાની અમેરિકાની નીતિ યથાવત રહેશે અને અમેરિકા આ મામલે ભારતને કોઈ રાહત અપાશે નહીં.
મંત્રણા પૂરી થયા બાદ ટ્રમ્પે જણાવ્યુ હતું કે, ભારતે અમેરિકા પાસેથી વધારે ઓઈલ, ગેસ અને લશ્કરી સરંજામ ખરીદવાની તૈયારી દર્શાવી છે. તેનાથી અમેરિકાની વ્યાપાર ખાધ નીચી આવશે. વ્હાઈટ હાઉસ ખાતે આવેલી ટ્રમ્પની ઓવલ ઓફિસમાં ગુરુવારે (ભારતીય સમય પ્રમાણે શુક્રવારે) ટ્રમ્પે મોદી સાથે લાંબું હસ્તધૂનન કર્યુ હતું અને બંને હાથે તેમને ભેટી પડ્યા હતા. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પોતાના ખૂબ લાંબા સમયના ઉમદા મિત્ર અને જબરજસ્ત (ટેરિફિક) માણસ ગણાવ્યા હતા. મોદીના સ્વાગતમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે, તેમણે મોદીને ખૂબ મિસ કર્યા છે. ટ્રમ્પ દ્વારા ઉષ્માસભર સ્વાગતના પગલે ભારત-અમેરિકાના દ્વિપક્ષી સંબંધો સંદર્ભે ઘેરાયેલા શંકાના વાદળો તરત વિખેરાઈ ગયા હતા. ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા પછી જાન્યુઆરી મહિનાથી સંખ્યાબંધ હુકમો કર્યા છે અને વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક સ્તરે તેની ઊંડી અસર થઈ છે. અપવાદરૂપ બાબતમાં ટેરિફ બાબતે ભારતને રાહત નહીં આપવાનો ટ્રમ્પનો નિર્ણય ગણી શકાય.
ભારત 7,355 બિલિયન ડોલર રોકશે
બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 500 બિલિયન ડોલર સુધી લઈ જવાનું મિશન નક્કી કર્યું હતું. આ પૈકી કેટલાક દ્વિપક્ષીય કરાર 2025નાં અંત સુધીમાં કરાશે જેમાં દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ (BTA)નો સમાવેશ થાય છે. રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પણ ચર્ચાશે. અમેરિકામાં ભારત દ્વારા 7.355 બિલિયન ડોલરનાં રોકાણને મંજૂરી અપાશે. અમેરિકા 3000 હાઈ ક્વોલિટી જોબને સપોર્ટ કરશે.
ટેકનોલોજી માટે TRUST કન્સેપ્ટ
ટેક્નોલોજી માટે બંને નેતાઓએ ટ્રસ્ટ કન્સેપ્ટ જાહેર કર્યો હતો. જેમાં TRUST એટલે ટ્રાન્સફોર્મિગ ધ રિલેશનશિપ યુટિલાઈઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી ઈનિશિયેટિવને આવરી લેવાયા છે. બંને દેશની સરકારો, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રે સહયોગ વધારાશે. બંને દેશોએ AI રોડમેપ ઘડયો છે. INDUS ઇનોવેશન અને INDUS-X મોડેલ વિકસાવાશે. મહત્ત્વના ખનિજ અને દવાઓ માટે સંશોધન વધારાશે.
ઇમિગ્રન્ટસ પર ચર્ચા
બંને નેતાઓએ ઇમિગ્રન્ટસનો મુદ્દો ચર્ચો હતો. જેમાં સંયુક્ત ડિગ્રી, ઓફશોર કેમ્પસ અને સેન્ટર ઓફ એક્સેલન્સીસ પર ચર્ચા કરાઈ હતી. ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટસ તેમજ માનવ તસ્કરી રોકવા સંમતિ સધાઈ હતી. સંગઠિત અપરાધ રોકવા તેમજ ડ્રગ તસ્કરી અને આતંકવાદ ડામવા વાતચીત કરાઈ હતી
ઓઈલ-ગેસ સપ્લાય કરવામાં અમેરિકા નંબર વન બનશેઃ ટ્રમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટમાં આ બેઠકને ખૂબ ઉત્તમ ફળ આપનારી ગણાવી હતી. આ બેઠકથી ભારત-અમેરિકાની મિત્રતા વધુ મજબૂત બનવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. ટ્રમ્પે પોતાની ટિપ્પણીમાં કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સંમતિના કારણે ભારતને ઓઈલ અને ગેસ સપ્લાય કરવાના મામલે અમેરિકા નંબર વન દેશ બનશે. ભારત સાથે વ્યાપારમાં અમેરિકાની ખાધ 50 બિલિયન ડોલરની છે, જેને હળવી કરવામાં આ નિર્ણય મદદરૂપ સાબિત થશે. બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારીનો વ્યાપ વધારવા અને તેને વધુ મજબૂત કરવા સંમત થયા છે. આ વર્ષથી જ અમેરિકા દ્વારા અબજો ડોલરના લશ્કરી હથિયારો ભારતને વેચવામાં આવશે. વિશ્વમાં સૌથી વધુ ઘાતક અને અસરકારક ફાઈટર એરક્રાફ્ટ મનાતા F-35 ભારતને વેચવાનો માર્ગ મોકળો થયો હોવાનું જણાવતા ટ્રમ્પે ઉમેર્યુ હતું કે, સમગ્ર વિશ્વ માટે જોખમ બનેલા કટ્ટર ઈસ્લામી આતંકવાદનો સામનો કરવામાં ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રયાસો એક નવી ઊંચાઈએ પહોંચશે.