નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે મંગળવારે પાટનગરમાં હૈદરાબાદ હાઉસ ખાતે ત્રીજી ટુ પ્લસ ટુ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (BECA - ‘બેકા’) સહિત અનેક મહત્ત્વના મુદ્દે સમજૂતી સધાઇ હતી. ‘બેકા’ સમજૂતી અંતર્ગત બન્ને દેશો અત્યાધુનિક ડિફેન્સ ટેક્નોલોજી, શસ્ત્રસરંજામ અને સેટેલાઇટ મેપનો ઉપયોગ કરી શકશે. આ ડેટામાં કોઇ પણ વિસ્તારના ક્લિયર જ્યોગ્રાફિકલ લોકેશન આપવામાં આવેલાં હોય છે, જે ભારતને મિસાઈલ હુમલા માટે બહુ ઉપયોગી સાબિત થશે. આ બેઠકમાં ‘બેકા’ ઉપરાંત અણુ સહકાર, પોસ્ટલ સેવા, આયુર્વેદ અને કેન્સર સંશોધનમાં સહયોગ વગેરે ક્ષેત્રો પણ સમજૂતી કરાર થયા હતા.
બેઠક બાદ અમેરિકી સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ચીનના મામલે અમે ભારતની સાથે છીએ. દ્વિપક્ષીય બેઠકમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જ્યારે અમેરિકાનું પ્રતિનિધિત્વ વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે કર્યું હતું. આ ઉપરાંત બન્ને દેશોના ટોચના લશ્કરી અને સુરક્ષા અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે દર વર્ષે યોજાતી આ બેઠક ૨૦૧૮થી નિયમિત યોજાય છે, જેમાં દ્વિપક્ષીય હિતો કેન્દ્રસ્થાને હોય છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનને બાદ કરતાં અમેરિકા એકમાત્ર ભારત સાથે આ પ્રકારે ઉચ્ચ સ્તરીય વાર્ષિક બેઠક યોજે છે.
સંરક્ષણ પ્રધાન એસ્પરે કહ્યું હતું કે બન્ને દેશોની વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી અમારા સહિયારા મૂલ્યો અને હિતો આધારિત છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર સહુ કોઇ માટે ખુલુ તથા સ્વતંત્ર હોવું જોઇએ અને આ માટે અમે, ખાસ તો ચીનની વધતી આક્રમક્તા અને અસ્થિરતા વધારનારી ગતિવિધિઓ સામે, ખભેખભા મિલાવીને એકબીજાની સાથે ઉભા છીએ.
માર્ક એસ્પરે કહ્યું હતું કે બે દિવસની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રમાં પ્રાદેશિક સહયોગ મજબૂત કરવા, સંરક્ષણ ક્ષેત્રે વેપાર વધારવા અને પારસ્પરિક સહયોગ વધારવાના મુદ્દે પણ ચર્ચા થઇ હતી.
અમેરિકાના બન્ને વરિષ્ઠ પ્રધાનો બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા તો બાદમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલે પણ અમેરિકી વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મંગળવારે હૈદરાબાદ હાઉસ ખાતે મંત્રણા શરૂ થયા પૂર્વે, વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર દિલ્હીમાં વોર મેમોરિયલે જઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમેરિકન વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોમ્પિયો અને માર્ક એસ્પર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાર પછી રક્ષાપ્રધાન રાજનાથ સિંહે એસ્પર સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. જ્યારે વિદેશ પ્રધાન જયશંકરે વિદેશ પ્રધાન પોમ્પિયો સાથે ચર્ચા કરી હતી.
મિત્રતા સતત મજબૂત થઇ છેઃ રાજનાથ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ છે, ટુ પ્લસ ટુ બેઠકમાં પણ બંને દેશોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કોરોના કટોકટી પછીની પરિસ્થિતિ, વિશ્વની વર્તમાન સ્થિતિ, સુરક્ષાના મુદ્દાઓ પર ઘણા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બંને દેશોએ પરમાણુ સહયોગ વધારવા માટેનાં પગલાં લીધાં છે, અને સાથે સાથે ભારતીય ઉપખંડમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ રાજનાથ સિંહે કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને વ્યાપાર કક્ષાએ લઇ જવાના ઉદ્દેશ્યથી યોજાઇ છે. ટુ પ્લસ ટુ વાતચીત પહેલેથી જ નક્કી હતી, પરંતુ ભારત-ચીન અને અમેરિકા-ચીનની વચ્ચે પ્રવર્તતા તણાવભર્યા માહોલને ધ્યાનમાં રાખીને તેને ચીનની ઘેરાબંધી તરીકે જોવામાં આવી રહી છે. જયશંકરે કહ્યું કે બેઠકમાં બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાની વાત થઈ હતી.
ચર્ચામાં ચીનનો મામલો કેન્દ્રસ્થાને
બન્ને દેશના સંરક્ષણ પ્રધાનો અને વિદેશ પ્રધાનો વચ્ચે અલગ અલગ મુલાકાતો થઈ હતી. સંરક્ષણ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય કરાર ઉપરાંત સરહદે ચીનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઈ હતી. જયશંકર અને પોમ્પિયોની વિદેશ મંત્રાલય હેઠળની મુલાકાતમાં બન્ને દેશોના સમાન હિતોની અને અટકેલા પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકી વિદેશ પ્રધાન પોમ્પિયો પહેલેથી જ ચીનના આકરા ટીકાકાર રહ્યા છે. ભારત અને અમેરિકા માટે ચીન દુશ્મન જ છે. માટે બન્ને દેશો મળીને કામગીરી કરે તો ચીન સામેની લડત સરળ બની શકે. આ બેઠકમાં થયેલી મંત્રણા અંગે ચારેય પ્રધાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં મલબાર લશ્કરી કવાયતમાં ભારત-અમેરિકા-જાપાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાને સામેલ કરવાના નિર્ણયને પણ પોમ્પિયોએે આવકાર્યો હતો.