ભારત આકરા પાણીએઃ ખાલિસ્તાની આતંકીઓની પંજાબમાં સંપત્તિ જપ્ત, હવે ઓસીઆઇ કાર્ડ રદ કરવા હિલચાલ

Tuesday 26th September 2023 17:17 EDT
 
 

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના પીએમ બેકફૂટ પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો મુક્યા બાદ હજુ સુધી પુરાવા પણ આપ્યા નથી. આવી સ્થિતિમાં તેમના દાવાઓને ખોટા જાહેર કરવામાં આવી રહ્યા છે. દરમિયાનમાં, ભારત વધુ એક મોટી કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે. કેનેડિયનો માટે વિઝા સેવાઓ રદ કર્યા બાદ ભારત હવે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ એક્શનના મોડમાં આવી ગયું છે.
વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસ પર હુમલા બાદ ભારત વિરોધ કરનારાઓના પાસપોર્ટ રદ કરી શકે છે. તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ પણ રદ થઈ શકે છે. આ ઉપરાંત ભારતમાં તેમની મિલકતોને ટાંચમાં લેવાની પણ સરકારની યોજના છે. એવું પણ મનાય છે કે સરકારે વિદેશમાં રહેતા ભારતમાં વોન્ટેડ અન્ય આતંકીઓની મિલકતો ચકાસવા તપાસ સંસ્થાઓને આદેશ કર્યો છે.
વિદેશમાં ભારતીય દૂતાવાસો પર તાજેતરમાં ખાલિસ્તાનીઓના હુમલા બાદ ભારતે આ નક્કર પગલું ભર્યું છે. વિરોધીઓના ઓસીઆઇ કાર્ડ્સ રદ થઈ શકે છે.
હિંસા કરનારાઓ સામે ભારતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારતના તમામ એરપોર્ટ પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને દેખાવકારો વિશે માહિતી આપવામાં આવશે.
ભારતે ગયા મહિને કેનેડા, અમેરિકા અને બ્રિટનમાં ભારતીય સંસ્થાઓ અને દૂતાવાસો પર હુમલા કરનારા ખાલિસ્તાનીઓ વિશે પણ આ દેશોને માહિતી આપી છે. આટલું જ નહીં, આ પ્રદર્શનકારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
અમૃતસર-ચંડીગઢમાં સંપત્તિ જપ્ત
એનઆઇએ દ્વારા ખાલિસ્તાની આતંકી પન્નૂ પર ત્રાટકીને પંજાબમાં અમૃતસર તેમ જ ચંડીગઢમાં આવેલી તેની મિલકતો જપ્ત કરવામાં આવી છે. પન્નૂ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસનો વડો છે અને કેનેડા તેમજ અમેરિકામાં રહીને ભારતવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે કેનેડા અને ભારત વચ્ચેનાં વિવાદમાં કેનેડામાં રહેતા ભારતીયોને ધમકી આપી હતી અને ભારત પાછા ચાલ્યા જવા ફરમાન કર્યું હતું. સરકારે પન્નુને 2020માં આતંકી જાહેર કર્યો હતો. એનઆઈએ દ્વારા અમૃતસરમાં આવેલી પન્નુની ખાનકોટ ગામની પ્રોપર્ટી તેમજ મકાન જપ્ત કરાયા છે. ખાનકોટ એ પન્નુનું ચૈતૃક ગામ છે. ત્યાં તે ખેતીની જમીન ધરાવે છે જે જપ્ત કરાઈ છે. ચંડીગઢમાં સેક્ટર 15-સીમાં પત્તુનું મકાન આવેલું છે. ભારત સરકારે 2020માં આતંકી પ્રવૃત્તિ કરનાર પન્નુને UAPA હેઠળ આતંકી જાહેર કર્યો હતો અને તેનાં સંગઠન SFJ પર પ્રતિબંધ લગાવ્યો હતો. શીખો માટે રેફરેન્ડમની આડમાં પન્નૂ પંજાબમાં અલગતાવાદ તેમજ ઉગ્રવાદ ફેલાવતો હોવાનો આરોપ સરકારે લગાવ્યો હતો. સરકારે 2020માં એસએફજે સાથે સંલગ્ન 40થી વધુ વેબપેજ અને યૂ- ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ લગાવ્યો હતો.
સરેના ગુરુદ્વારામાંથી પોસ્ટરો હટાવાયા
કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને આશરો અપાઈ રહ્યો છે તેવા ભારતના દાવા પછી ટ્રુડો સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને તેણે આખરે ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ પગલાં લેવા પડ્યા છે. કેનેડામાં સરકારે સરેના એક ગુરુદ્વારામાં ભારતીય રાજદૂતોની હત્યાનું આહ્વાન કરતાં પોસ્ટરો હટાવવાનો આદેશ આપ્યો છે. વધુમાં ગુરુદ્વારાને કોઈપણ કટ્ટરપંથી જાહેરાત માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવા ચેતવણી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter