ભારત-ઇઝરાયલ સાતમા આસમાનેઃ વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર

Thursday 06th July 2017 05:03 EDT
 
 

જેરુસલેમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે બુધવારે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજાઈ હતી, જેમાં આતંકવાદ સામે સાથે રહીને લડવા સહિત અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની વાટાઘાટો પછી બંને દેશ વચ્ચે સાત મહત્ત્વના કરાર થયા હતા. જેમાં કૃષિ, વિજ્ઞાન-ટેક્નોલોજી, અંતરીક્ષ, જળસંચય તેમજ જળસંસાધન ક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારત અને ઇઝરાયલ ઔદ્યોગિક સંશોધન તેમજ વિકાસ અને નવીનીકરણ માટે ૪ કરોડ યુએસ ડોલરનું ફંડ રચવા સંમત થયા હતા. બંને દેશોએ આફ્રિકાના દેશોના વિકાસ માટે સાથે મળીને કામ કરવા સંકલ્પ કર્યો હતો.
સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું કે અમે પશ્ચિમ એશિયા અને વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભારતને આશા છે કે આ ક્ષેત્રમાં શાંતિ, મંત્રણા અને સંયમ કાયમ ટકી રહેશે. બીજી તરફ નેતન્યાહૂએ કહ્યું હતું કે આપણી દોસ્તી સ્વર્ગમાં બની છે. આતંકવાદ આપણી સામે ગંભીર પડકારો સર્જી રહ્યો છે, જેને નાથવા અમે સંમતિ સાધી છે. ભારત અને ઇઝરાયલ બંને હિંસા અને આતંકના ભોગ બની રહ્યા છે, આથી હિતોનાં રક્ષણ માટે બંને દેશ સંમત થયા છે.
મોદીએ નેતન્યાહૂ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો નેતન્યાહૂએ તરત જ સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોદીના આતિથ્ય સત્કાર માટે યોજાયેલા ડિનર સમારોહમાં વડા પ્રધાન નેતન્યાહૂના પત્નીએ ત્રણ કલાક યજમાની કરી હતી.

ઇઝરાયલ સાચો મિત્ર દેશ

ઇઝરાયલ આવીને હું ગૌરવ અનુભવી રહ્યો છું એમ કહીને વડા પ્રધાન મોદીએ ઇઝરાયલને ભારતનો સાચો મિત્ર દેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ભારત અને ઇઝરાયલના સંબંધો નવી ઊંચાઈ સર કરશે. ઇઝરાયલને સંશોધનનો ગઢ ગણાવતા મોદીએ ઉમેર્યું હતું કે કૃષિ અને જળ ક્ષેત્રે ઇઝરાયલની ટેકનિક વધુ ઉતમ અને સારી છે. ઇઝરાયલનાં લોકો નવી શોધ-સંશોધન, પાણી અને કૃષિમાં આગળ છે. ભારતમાં મારી આ પ્રાયોરિટી છે. મોદીએ તેમના સંબોધનમાં ભારતના ૪૪ જવાનોની શહાદતને પણ યાદ કરી હતી.

દોસ્તી સ્વર્ગમાં બની છે

વડા પ્રધાન નેતન્યાહૂએ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો અંગે કહ્યું હતું કે ભારત-ઇઝરાયલયની દોસ્તી સ્વર્ગમાં બની છે. આ ભાગીદારી સારા માટે અને સારી બાબતોને હાંસલ કરવા માટે છે. બંને દેશો સાથે મળીને ઇતિહાસ રચી રહ્યા છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આપણે સાથે મળીને દુનિયા બદલી શકીએ છીએ.

તાડાસન વખતે જમણે ભારત દેખાય છે

ઈઝરાયલનાં વડા પ્રધાને મોદીનાં યોગ અને જોશથી બહુ પ્રભાવિત છે. તેમણે યોગના માધ્યમથી ભારતનું મહત્ત્વ બતાવતા કહ્યું કે તાડાસનની મુદ્રામાં જ્યારે હું જમણી તરફ જોઉ છું ત્યારે મને દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત દેખાય છે. અને જ્યારે મોદી વરિષ્ઠાસન કરે છે ત્યારે ડાબી તરફ જુએ છે ત્યારે તેમને ડાબી બાજુ ઈઝરાયલ પહેલી લોકશાહી રૂપે દેખાય છે.

સાત દ્વિપક્ષીય કરાર

• ભારત અને ઇઝરાયલ ઔદ્યોગિક સંશોધન તેમજ ટેકનોલોજીની શોધ માટે ૪ કરોડ ડોલરનું ફંડ રચશે • ભારતમાં જળસંરક્ષણ અને જળ સંશાધન માટે કરાર • ભારતના રાજ્યોમાં પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા કરાર • ભારત-ઇઝરાયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૃષિવિકાસ માટે ૩ વર્ષનો કાર્યક્રમ, ૨૦૧૮થી ૨૦૨૦ સુધી કૃષિ વિકાસ માટે સાથે મળી કામ કરશે • ભારતના ‘ઇસરો’ અને ઇઝરાયલ વચ્ચે પરમાણુ ક્લોક માટે સહયોગ સધાયો • જીઇઓ એલઇઓ ઓપ્ટિકલ લિંક માટે કરાર • નાના ઉપગ્રહો માટે વીજળી અંગે કરાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter