તહેરાનઃ ભારત અને ઈરાને આતંકવાદને નાથવા સહિતના કુલ ૧૨ ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરીને મિત્રતાના નવા અધ્યાયનો આરંભ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન તેની ધરતી પર ચીનની મદદથી ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. આ જ રીતે ચાબહાર બંદર વિકસાવવા માટે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમજૂતી થઈ છે. વિદેશ નીતિના દૃષ્ટિકોણથી આગવું મહત્ત્વ ધરાવતા આ કરારથી સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું છે.
આ બંદર દ્વારા નવી દિલ્હી પાકિસ્તાનને બાયપાસ કરી વૈશ્વિક બજારોના સીધા સંપર્કમાં આવી જશે, તે ઉપરાંત અરબી સમુદ્રમાં પાકિસ્તાનની મહેરબાનીથી ચીનના વધી રહેલા પ્રભાવને ઘટાડી શકાશે. આ કરાર સાથે જ ભારતે ઈરાનના દક્ષિણ કાંઠે આવેલા ચાબહાર બંદરને વિકસાવવા ૫૦ કરોડ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. આ બંદર ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે જ નહીં, કોમનવેલ્થના સ્વતંત્ર રાષ્ટ્રો અને પૂર્વ યુરોપ વચ્ચે પણ કનેક્ટિવિટીનું કામ કરશે.
વડા પ્રધાન મોદીને સોમવારના રોજ ઇરાનની રાજધાની તેહરાનમાં સત્તાવાર સ્વાગત થયું હતું. ગાર્ડ ઓફ ઓનર આપીને ઇરાને ભારતીય વડા પ્રધાનનું સ્વાગત કર્યું. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની પણ આ સેરેમોનિયલ રિસેપ્શન દરમિયાન હાજર રહ્યાં હતાં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક ટ્વિટમાં કહ્યું કે મોદી અને રુહાનીએ એકાંતમાં મુલાકાત કરી અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી બે દિવસની ઓફિશિયલ વિઝિટ પર રવિવારના રોજ ઈરાનની રાજધાની પહોંચ્યા હતા. ન્યુક્લિઅર પ્રોગ્રામના લીધે વિવાદોમાં રહેલા ઇરાન પરથી ચાર મહિના પહેલાં જ પ્રતિબંધ ઉઠાવાયો છે.
વડા પ્રધાન મોદીના ઇરાન પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે રેલવે, ગેસ, ફર્ટિલાઈઝર, ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રે પણ કરાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત-ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે ટ્રાઈલેટરલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્ઝિટ કોરિડોરના પણ મહત્ત્વના કરાર થયા હતા.
ભારત-ઇરાન સંબંધોનું પ્રતીક
સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથેની દ્વિપક્ષીય મંત્રણા બાદ પત્રકારો સમક્ષ સંયુક્ત નિવેદન આપતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમે વિશ્વ સાથે જોડાવા ઇચ્છીએ છીએ. આ કરાર ભારતીય ઉપખંડનો ઇતિહાસ બદલી નાખશે. ઈરાનના રાષ્ટ્રપતિ રુહાનીએ જણાવ્યું હતું કે, ચાબહાર પોર્ટ ભારત અને ઇરાન વચ્ચેના સંબંધોનું પ્રતીક બની રહેશે, તે ઉપરાંત ભારત અને અફઘાનિસ્તાન માટે આ બંદર અન્ય દેશો સાથેની કનેક્ટિવિટી વધારશે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ચાબહાર બંદરનાં નિર્માણ માટે ભારત ૫૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે. ચાબહાર ફ્રી ટ્રેડ ઝોનમાં ભારત એલ્યુમિનિયમ સ્મેલ્ટરથી માંડીને યુરિયા પ્લાન્ટ સુધીના ઉદ્યોગોની સ્થાપના કરશે.
ભૂકંપગ્રસ્ત ગુજરાતને મદદમાં કરવામાં ઇરાન પહેલું
આ કરારો મુદ્દે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત અને ઈરાને આતંકવાદ, કટ્ટરતાવાદ, ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઈમ સામે લડવા માટે એકબીજાને મદદ કરવાની સહમતી દર્શાવી છે. આ ઉપરાંત સ્થાનિક તેમજ દરિયાઈ સુરક્ષા અને તેના સંરક્ષણને લગતા મુદ્દે પણ એકબીજા સાથે સંવાદ વધારવા અમે કરાર કર્યા છે. વર્ષ ૨૦૦૧માં હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે કચ્છમાં ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એ વખતે મદદ કરવા સૌથી પહેલાં ઈરાન આગળ આવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અમારા એજન્ડામાં ટૂરિઝમને ટોચની પ્રાથમિકતા છે. સદીઓથી ભારત ઈરાનના સમાજ સંપર્કમાં છે. સદીઓથી પરંપરા, વેપાર-સંસ્કૃતિનું આદાનપ્રદાન થતું આવ્યું છે.
આ મુલાકાત દરમિયાન મોદીએ ઉર્દૂ કવિ મિરઝા ગાલિબને પણ યાદ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ગાલિબ કહેતા કે આપણે એક વાર મનથી તૈયાર થઈ જઈશું તો કાશી અને કાશન વચ્ચેનું અંતર એક જ ડગલા જેટલું દૂર થઈ જશે.
અટલ બિહારી વાજપેયી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈરાનની મુલાકાત લેનારા પહેલા વડા પ્રધાન છે. આ મુલાકાત વખતે વડા પ્રધાન મોદીએ ઈરાનના પ્રમુખ રુહાનીની હાજરીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
આ દરમિયાન રુહાનીએ આતંકવાદ તમામ દેશોમાં માથું ઊંચકી રહ્યો હોવાનું કહીને ગુપ્તચર તંત્રથી લઈને સંરક્ષણ સુધીના તમામ ક્ષેત્રે ભારત સાથે કરાર કર્યાની માહિતી આપી હતી.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં કંડલા અને ઈરાનનાં ચાબહાર વચ્ચેનું અંતર દિલ્હી અને મુંબઈ કરતાં પણ ઓછું છે. આ બંદર તૈયાર થયે ભારત અફઘાનિસ્તાન, રશિયા અને યુરોપ સાથે સરળતાથી વેપાર કરી શકશે.
ચીન અને રશિયાની નજર પણ ઈરાન પર છે
ઈરાન પરથી પ્રતિબંધ હટાવ્યા બાદ કેટલાય મોટા દેશો ઇરાનમાં સૌથી પહેલાં તક પ્રાપ્ત કરવાની હોડમાં છે. ઉલ્લેખનીય છે કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ જાન્યુઆરીમાં ઇરાન ગયા હતા. એક્સપર્ટસનું માનીએ તો ચીન ઈરાન અને અમેરિકા વચ્ચેના અંતરનો ફાયદો લેવા માંગે છે. વડા પ્રધાન મોદીના ઇરાન પ્રવાસથી ભારતને ફાયદો થશે. સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ ભારત અને ઇરાન ઘણા નજીક છે.
વિદેશનીતિમાં ભારત માટે ચાબહાર યોજનાનું મહત્ત્વ
ચાબહાર દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું બંદર શહેર છે. આ યોજનાનો હેતુ દરિયાઈ માર્ગે પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન પહોંચવાનો છે. જો ઈરાન પહોંચી જવાય તો અફઘાનિસ્તાન પણ નજીક છે. અફઘાનિસ્તાનની એક પણ સરહદ દરિયા સાથે જોડાયેલી નથી. આ કારણસર ભારત ઘણા લાંબા સમયથી આ રસ્તો ખૂલી જાય તેમ ઈચ્છતું હતું.
ભારતે ઈરાન સાથે ઘણા બધા કરાર કર્યાં છે, પરંતુ સૌથી મહત્ત્વનો ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલો ચાબહાર બંદર કરાર છે. ઈરાન અને અફઘાનિસ્તાન એ બંને દેશ સાથે ભારત આર્થિક અને સુરક્ષાના હિત ધરાવે છે. આ બંને ભારતના વર્ષો જૂના મિત્ર રાષ્ટ્રો છે. આ રસ્તેથી ત્રણેય દેશ વચ્ચેનો વેપાર અત્યંત સરળ થઈ જશે અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ખાસ્સો ઘટી જશે કારણ કે કંડલા અને ચાબહાર બંદર વચ્ચેનું અંતર મુંબઈ અને દિલ્હી વચ્ચેના અંતરથી પણ ઓછું છે.
મોદીનો ઇરાન પ્રવાસઃ અલપઝલપ
• છેલ્લાં ૧૫ વર્ષમાં ઈરાનની મુલાકાતે જનાર ભારતના પહેલાં વડા પ્રધાન • તેહરાન પહોંચ્યા બાદ મોદીએ ઇરાનના સુપ્રીમ નેતા આયોતોલ્લાહ અલી ખોમૈની અને પ્રેસિડન્ટ રોહનીને મળ્યા • વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના પ્રેસિડન્ટ ડો. હસન રુહાનીના આમંત્રણ પર વડા પ્રધાન મોદીએ ઇરાનની ઓફિશિયલ વિઝિટ કરી હતી. • પ્રતિબંધ હટાવ્યા બાદ ઇરાનની સાથે ચીનથી લઇને રશિયા સુધીના દેશો પોતાના સંબંધો વધારવા માટે ઇચ્છુક છે • ભારતની કેટલીય મોટી કંપનીઓ ઇરાનમાં આઈટી અને અન્ય સેકટરમાં કામ કરવા માંગે છે. આ વિઝિટથી આ કંપનીઓને ફાયદો થશે.
ભારત-ઈરાન વચ્ચે ૧૨ કરાર
૧. સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રોગ્રામ
૨. બંને સરકારો થિંકટેન્કો વચ્ચે નીતિચર્ચા
૩. રાજદ્વારીઓની તાલીમ અને જાણીતા વક્તાઓની આપ-લે
૪. સાયન્સ અને ટેક્નોલોજીમાં સહકાર
૫. સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક સહકાર
૬. ચાબહાર પોર્ટ કરાર
૭. ચાબહારની હાલની શરતો પર એમઓયુ
૮. ચાબહારનાં નિર્માણ માટે સ્ટીલ-રેલવેની આયાત માટે રૂપિયા ૩,૦૦૦ કરોડની ક્રેડિટ
૯. વિદેશી રોકાણ અને વિદેશી વેપારને પ્રોત્સાહનનું માળખું
૧૦. એલ્યુમિનિયમ ઉત્પાદનમાં સહકાર
૧૧. ચાબહાર-ઝાહેદાન રેલેવનાં નિર્માણમાં સહકાર
૧૨. માહિતીનાં આદાન-પ્રદાન માટે કરાર