નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે આર્થિક મોરચા પર અનેક મોટી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, જેને પગલે ઓસ્ટ્રેલિયા ટેક્સટાઈલ, ચર્મ, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિત ભારતના 6,000થી વધુ સેક્ટર્સને કરમુક્ત બજાર પૂરું પાડશે. આ કરારથી બંને દેશમાં પારસ્પરિક વેપારની ગતિ વધશે.
આ સમજૂતી કરાર મુજબ બંને દેશોએ અનેક વસ્તુઓ પરનો ટેક્સ ખતમ કરવાની જાહેરાત કરી છે. આ કરારનો અમલ ચાર મહિનામાં થવાની શક્યતા છે. વડા પ્રધાન મોદીએ આ કરારને ઐતિહાસિક ગણાવ્યા છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન ટેહને એક ઓનલાઈન સમારંભમાં ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન પણ હાજર રહ્યા હતા. પીયુષ ગોયલે જણાવ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા નેચરલ પાર્ટનર છે, જે લોકતંત્ર, કાયદાના શાસન અને પારદર્શિતાના મૂલ્યો શેર કરે છે. આગામી 4-5 વર્ષોમાં ભારતમાં 10 લાખ નોકરીઓ પેદા થવાની આશા છે. આગામી સમયમાં ભારતીય શેફ અને યોગ ઈન્સ્ટ્રક્ટરો માટે નવી તકો ખૂલશે.
પાંચ વર્ષમાં ૫૦ બિલિયન ડોલરનો વેપાર
ભારત માટે ઓસ્ટ્રેલિયા ૧૭મો સૌથી મોટો કારોબારી ભાગીદાર છે અને ઓસ્ટ્રેલિયા માટે ભારત 9મો સૌથી મોટો ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 2021માં માલ અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપાર 27.5 બિલિયન ડોલર થયો હતો, જે આગામી પાંચ વધીને 45-50 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.
વર્ષ 2021માં ભારતમાંથી 6.9 બિલિયન ડોલરની વસ્તુઓની ઓસ્ટ્રેલિયામાં નિકાસ થઈ હતી અને આયાત 15.1 બિલિયન ડોલર હતી. ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં નિકાસ થનારી વસ્તુઓમાં મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદન, ટેક્સટાઈલ અને ગારમેન્ટ, એન્જિનિયરિંગ સામાન, રસાયણ, રત્ન અને આભૂષણનો સમાવેશ થાય છે. જ્યારે ભારત કાચો માલ, કોલસો, ખનીજ જેવા સામાનની આયાત કરે છે.