દોહાઃ યુએઇ પ્રવાસના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારની મુલાકાતે પહોંચ્યા હતા. રાજધાની દોહામાં વિદેશપ્રધાન સુલ્તાન બિન સાદ અલ-ગુરેખીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી તેમના માનમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ યોજેલા ડિનરમાં પહોંચ્યા હતા. બંને વચ્ચે બેઠક પણ થઈ હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કતારના વડાપ્રધાન સાથેની બેઠક શાનદાર રહી, જેમાં ભારત-કતાર વચ્ચે વ્યાપાર અને રોકાણ, ઊર્જા તેમજ નાણાં સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. મોદીની કતારની આ બીજી મુલાકાત છે. તેઓ આ અગાઉ જૂન 2014માં કતારના પ્રવાસે ગયા હતા.
વડાપ્રધાન મોદીની કતાર મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની હતી કે તાજેતરમાં કતારે ઇન્ડિયન નેવીના 8 પૂર્વ અધિકારીઓની મૃત્યુદંડની સજા માફ કરી છે, અને આ જવાનો ભારત પરત પણ પહોંચી ગયા છે. જાસૂસીના આરોપનો સામનો કરી રહેલા આ પૂર્વ અધિકારીઓની મુક્તિમાં મોદીના વ્યક્તિગત સંબંધોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન મોદીએ દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન મોહમ્મદ અલ થાની સાથે દ્વિપક્ષી બેઠકમાં આ મુદ્દે આભાર માન્યો હતો. મોદીએ દોહામાં સ્વાગતની કેટલીક તસવીરો શેર કરીને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, દોહામાં અસાધારણ સ્વાગત. અહીંના ભારતીય સમુદાયનો આભારી છું. વડાપ્રધાન મોદીની હોટલની બહાર પણ ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા.