નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાએ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોને ખરાબે ચઢાવી દીધા છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયેલી ખાલિસ્તાની નેતાની હત્યામાં ભારત સરકારનો હાથ હોઇ શકે છે તેવા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપથી શરૂ થયેલો વિખવાદ બન્ને દેશો દ્વારા એકમેકના રાજદ્વારીની હકાલપટ્ટી સુધી પહોંચ્યો છે. કેનેડાના આક્ષેપોને ભારત સરકારે ભારપૂર્વક નકારી કાઢ્યા છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં આપેલા નિવેદન અને વિદેશ મંત્રી મેલાની જોલીનાં નિવેદનો બાદ ભારત સરકારે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કેનેડાએ ભારતીય રાજદ્વારી પવનકુમાર રાયને તેમના દેશમાંથી કાઢી મૂક્યા તેની પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકારે પણ કેનેડાના રાજદ્વારી અધિકારીને પાંચ દિવસમાં દેશ છોડી જવા આદેશ કર્યો છે.
કેનેડા સરકારે મૂકેલા આરોપોને કડક શબ્દોમાં નકારી કાઢતું એક નિવેદન પણ ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે, ‘અમે કેનેડિયન વડા પ્રધાને તેમની સંસદમાં આપેલા નિવેદન અને તેમનાં વિદેશ મંત્રીના નિવેદનો જોયાં છે અને અમે તેને નકારીએ છીએ. કેનેડામાં થયેલાં કોઈ પણ હિંસક કૃત્યમાં ભારત સરકારની સામેલગીરીના આરોપો વાહિયાત અને અભિપ્રેરિત છે. આ પ્રકારના આરોપો કેનેડિયન વડા પ્રધાન દ્વારા અમારા વડા પ્રધાન સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.’ (વિશેષ અહેવાલ - પાન 17)