નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં પરિણમ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપથી ભારતને તો ફરક પડ્યાનું જણાતું નથી, પણ કેનેડાની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. ભારતે કેનેડિયનો માટે વિઝા સર્વીસ બંધ કરી છે, કેનેડાને ભારતસ્થિત ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટાડવા કહ્યું છે, અલગતાવાદીઓ સામે પગલાં લેવા દબાણ વધારીને ટ્રુડોનું નાક દબાવ્યું છે તો બીજી તરફ, ખાલિસ્તાની આતંકીઓ પર ભીંસ વધારી છે. વોન્ટેડ ખાલિસ્તાની આતંકીઓની યાદી જાહેર કરીને ભારતમાં તેમની સંપત્તિ સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
જોકે આ તો વાત થઇ ભારત-કેનેડાના વણસેલા સંબંધોની, પણ બન્ને દેશોના સંબંધોમાં ફાચર મારી કોણે?! પ્રતિષ્ઠિત અખબાર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’નો અહેવાલ કહે છે કે અમેરિકાએ જ કેનેડાને ભારતવિરોધી માહિતી આપી છે. કેનેડાસ્થિત અમેરિકી રાજદૂત ડેવિડ કોહેને કહ્યું હતું કે નિજ્જરની હત્યા સંબંધિત ગુપ્ત માહિતી ફાઇવ આઇઝ ઈન્ટેલિજન્સ એલાયન્સે આપી હતી. આ જોડાણમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બ્રિટન અને ખુદ કેનેડા છે. આ પાંચેય દેશ અરસપરસ ગુપ્ત માહિતી શેર કરે છે, અને આ ગુપ્ત માહિતીના આધારે જ ટ્રુડોએ ભારત સામે ગંભીર આરોપ કર્યા છે. એટલું જ નહીં, ભારત-કેનેડા વિવાદમાં અમેરિકાએ ઉલટું એમ કહ્યું કે, મામલાની ગંભીરતાને જોતાં કેનેડાને સહયોગ કરવા અમે ભારતને વિનંતી કરી છે. અર્થાત્ અમેરિકા ભારતતરફી નહીં, પરંતુ કેનેડાનો પક્ષ લઈ રહ્યું છે.
હવે સવાલ એ છે કે ભારતની ભરપૂર પ્રશંસા કરતું બાઇડેન તંત્ર ભારત વિરુદ્ધ કેમ રમત રમે છે? નિષ્ણાતોના મતે, ભારત-કેનેડાના સંબંધ ખૂબ જૂના અને મજબૂત છે, પણ ખાલિસ્તાન સમર્થકોના લીધે બંને દેશો વચ્ચેના સંબંધો કમજોર પડ્યા છે. બન્ને દેશો વચ્ચેના તણાવથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને ફાયદો થઈ શકે છે. ત્રણેય દેશો ફાઇવ આઈઝના સભ્ય છે, જેમણે કેનેડાને નિજ્જર સંબંધિત માહિતી આપી હતી. નિષ્ણાતોના મતે ભારત સાથેના વિવાદથી સૌથી વધુ નુક્સાન કેનેડાને થવાનું છે કેમ કે જે ભારતીય વિદ્યાર્થી હમણાં સુધી અભ્યાસ માટે કેનેડા જવા ઇચ્છતા હતા, એ હવે વિકલ્પ તરીકે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી શકે છે. આમ જો બંને દેશો વચ્ચે તણાવ ઓછો નહીં થાય તો સીધો ફાયદો અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાને થઇ શકે છે, એમાંય સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી અમેરિકાનો વિકલ્પ અપનાવશે. (વિશેષ અહેવાલ વાંચો પાન - 16 અને 22)