નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સરહદી વિવાદનો અંત આવી ગયો હોવાની જાહેરાત ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા કરાઈ છે. ભારતનાં વિદેશ મંત્રાલયે સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજદ્વારી ચેનલો દ્વારા હાથ ધરાયેલી દ્વિપક્ષીય મંત્રણાઓ બાદ ભારત અને ચીન ડોકલામ ખાતેથી પોતાની સેનાઓ પાછી ખેંચવા સંમત થયા છે.
જોકે, ભારત સરકારનાં નિવેદનના એક કલાક બાદ તરત જ ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ડોકલામમાંથી ભારતીય સેના પાછી ખેંચાઈ છે. અમને ખુશી છે કે, ભારતે ડોકલામમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લીધાં છે. ડોકલામમાં સ્વાયત્તતાનાં પ્રતીક તરીકે ચીની સેના સરહદ પારના ચીની પ્રદેશમાં પેટ્રોલિંગ જારી રાખશે.
ઉલ્લેખનીય છે કે ૧૬ જૂન ૨૦૧૭ના રોજ ચીને સિક્કિમ સરહદ સાથે જોડાયેલા ડોકલામ વિસ્તારમાં વાહનો પસાર થઈ શકે તેવી સડકનું નિર્માણકાર્ય શરૂ કર્યું હતું. ડોકલામ વિસ્તાર પર ચીન અને ભૂતાન બંને દાવો કરી રહ્યા છે. ચીનનાં આ નિર્માણકાર્ય સામે ભારતે વાંધો ઉઠાવતાં બંને દેશોની સેના સામસામે આવી ગઈ હતી.
વિવાદ ઉકેલાયો છેઃ ભારત
તાજેતરનાં સપ્તાહમાં ભારત અને ચીન વચ્ચે ડોકલામ મુદ્દે રાજદ્વારી સંદેશવ્યવહાર જારી રહ્યો હતો. તેમાં ભારત સરકારે વિવાદ મુદ્દે પોતાનાં મંતવ્યો, ચિંતા અને હિત અંગે ચીનને જાણકારી આપી હતી. તેના આધારે ડોકલામ ખાતે તહેનાત કરાયેલાં સૈનિકો પાછાં ખેંચી લેવા બંને દેશ સંમત થયા છે. ભારત અને ચીન ધીમે ધીમે આ વિસ્તારમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે સેના પાછી ખેંચવાની આ પ્રક્રિયાને ડોકલામ ડિસએન્ગેજમેન્ટ અંડરસ્ટેન્ડિંગ નામ આપ્યું છે.
ભારતે સેના પાછી ખેંચીઃ ચીન
ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે, ભારતે ડોકલામમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી હોવાને ચીની સરકારે સમર્થન આપી દીધું છે. ચીનની સામ્યવાદી પાર્ટીનાં મુખપત્ર ગણાતાં પીપલ્સ ડેઈલીએ પણ જણાવ્યું હતું કે, ભારત અને ચીન બે મહિનાથી ચાલી રહેલા ડોકલામ સરહદી વિવાદનો અંત લાવવા સંમત થયા છે. ભારતે તેની સેના પાછી ખેંચી લીધી છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે, ચીની સેનાએ ચકાસણી કરી લીધી છે કે, સોમવારે સવારે ભારતીય સેના તેમનાં સાધનો સાથે ડોકલામમાંથી પીછેહઠ કરી ગઈ છે. મને એ કહેતાં ખુશી થાય છે કે, સરહદમાં ઘૂસી આવેલાં ભારતીય સૈનિકો સરહદને પેલે પાર તેમના પ્રદેશમાં પાછા ખેંચી લેવાયાં છે. ચીન તેનાં સૈનિકોને પાછાં ખેંચી રહ્યું નથી તે આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે.
સડકનિર્માણ મુદ્દે બન્ને દેશ મૌન
ભારત-ચીન દ્વારા જેને કારણે વિવાદ સર્જાયો છે તે સડકનાં નિર્માણ પર નિવેદનમાં એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ચીન સડકનું નિર્માણ જારી રાખશે કે અટકાવશે તે અંગે પણ બંને દેશની સરકાર દ્વારા કશું કહેવાયું નથી.
ચીનને કેમ નમતું જોખવું પડ્યું?
• ચીને સતત ભારતને ધમકાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભારતે ઝૂકવાનો ઇનકાર કરતા અંતે તેને સેના હટાવવાની ફરજ પડી. આની પાછળનું મુખ્ય કારણ યુદ્ધની સ્થિતિમાં તેના વેપારને થનારું નુકસાન છે. ભારતમાં ચીનની વસ્તુઓની મોટા પ્રમાણમાં આયાત થાય છે.
• બે દેશ વચ્ચે પડેલી મડાગાંઠમાં વિશ્વના અન્ય દેશોના વલણને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. બે મહિનાથી વધુ સમય સુધી ચાલેલા ડોકલામ વિવાદમાં વિશ્વના મોટા ભાગના દેશો ભારતની પડખે ઉભા હતાં.
• ચીનનું મીડિયા વારંવાર ભારતને ૧૯૬૨ના યુદ્ધનું પરિણામ યાદ રાખવા કહેતું હતું. જોકે ચીન જાણતું હતું કે યુદ્ધ થશે તો તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડશે કારણ કે ભારત હવે ૧૯૬૨ જેવું રહ્યું નથી.
• ફક્ત ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વ ચીનની વિસ્તારવાદી નીતિનો વિરોધ કરી રહ્યું છે. • સાઉથ ચાઇના સી અંગે પણ ચીનનો પાડોશી દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ સમુદ્ર પર મલેશિયા, તાઇવાન, વિયેતનામ અને બ્રુનેઈ જેવા દેશો પણ પોતાનો દાવો કરી રહ્યાં છે. આ વિવાદમાં ફસાયેલું ચીન નવો વિવાદ ઉભો કરવા માગતો ન હતું.