નવી દિલ્હીઃ ભારત-ચીનના સંબંધો પર છેલ્લા ચાર વર્ષથી જામેલો સરહદ વિવાદનો બરફ ઓગળી રહ્યાના સંકેત છે. પૂર્વ લદાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સર્જાયેલી લશ્કરી મડાગાંઠ દૂર કરવા માટે બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો બાદ સમજૂતી સધાઇ છે. દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત દેપસાંગ અને ડેમચોક જેવા વિવાદિત પોઇન્ટ પર હવે ડિસએન્ગેજમેન્ટ થશે એટલે કે બન્ને દેશની સેના એપ્રિલ 2020 પૂર્વેની જૂની પોઝિશન પર પાછી જશે. આ બન્ને વિવાદિત પોઈન્ટ પર બન્ને દેશની સેના દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘બ્રિક્સ’ દેશોના વડાની બેઠકમાં હાજરી આપવા રશિયા પહોંચ્યા તેની પૂર્વ સંધ્યાએ જ સીમા વિવાદનો અંત લાવતી સંમતિને આખરી ઓપ અપાયો છે. (વિશેષ અહેવાલ પાન-29)
ભારતનાં વિદેશ સચિવ વિક્રમ મિસરી દ્વારા સોમવારે આ જાહેરાત કરાઈ હતી. મસરીએ મીડિયાને સંબોધતા કહ્યું કે બન્ને દેશનાં અધિકારીઓ લાંબા સમયથી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. વિવાદિત સ્થળેથી સેના પાછી ખેંચી લેવા અને એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ બહાલ કરવા બન્ને દેશો સંમત થયા છે. હવે આ દિશામાં પગલાં લેવાશે તેમ મિસરીએ કહ્યું હતું.
સરહદે શાંતિ-સ્થિરતા સ્થપાશેઃ જયશંકર
વિદેશ પ્રધાન જયશંકરે આને પોઝિટિવ પગલું ગણાવ્યું હતું. આને કારણે સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થપાશે. ભારતની સેના ફરી આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકશે. મસરીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ‘બ્રિક્સ’ સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે તે પહેલા આ સંમતિ સધાઈ છે તે મહત્ત્વનું છે.
મોદી-જિનપિંગ મુલાકાતની સંભાવના
પાંચ દેશો બ્રાઝિલ - રશિયા - ઇંડિયા - ચાઇના અને સાઉથ આફ્રિકાના બનેલા ‘બ્રિકસ’ સંગઠનની શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદી તેમજ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાવાની છે. આ મંત્રણા પછી આ અંગે વધુ વિગતવાર પ્લાન ઘડાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત-ચીન સરહદી બાબતો સંદર્ભે કાર્યરત ડબ્લ્યુએમસીસી (વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સ્લટેશન એન્ડ કો-ઓર્ડિનેશન)ની ગયા મહિને યોજાયેલી મિટિંગ પછી બંને દેશો વચ્ચે ફરી લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાતચીત હાથ ધરાઈ હતી.
ક્યાં કયાં બફર ઝોન છે?
બે વર્ષ પહેલા પેંગોંગ લેક અને ફિંગર એરિયામાં તેમજ ગાલવાન પીપી-14થી સેના પાછી ખેંચી લેવામાં આવી હતી. આ પછી ગોગરા પીપી-17માંથી સૈનિકો હટાવવામાં આવ્યા હતા. તે પછી હોટ સ્પ્રિંગ એરિયામાં પીપી-15માંથી સૈનિકો હટાવાયા હતા. આ તમામ જગ્યાએ હાલ બફર ઝોન બનાવાયા છે, જ્યાં ભારતનાં કે ચીનનાં સૈનિકો પેટ્રોલિંગ કરતા નથી. હવે આ વિવાદિત પોઈન્ટ પર ફરી બન્ને દેશો દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવાની વાત છે.
શું છે વિવાદિત પોઈન્ટ દેપસાંગ અને ડેમચોક?
દેપસાંગ અને ડેમચોક એ બંને વિવાદિત પોઇન્ટ છે જ્યાં એક સમયે ભારતનાં સૈનિકો પેટ્રોલિંગ માટે જતા હતા. આમાંથી કેટલાક સ્થળો પર ચીનના સૈનિકોએ કબજો જમાવ્યો છે અને ભારતનાં સૈનિકોનું પેટ્રોલિંગ બંધ કરાવ્યું છે. આની સામે ભારતે તેની સેના ખડકીને કેટલાક પોઇન્ટ પર ચીનનાં સૈનિકોનું પેટ્રોલિંગ બંધ કરાવ્યું છે. ડેમચોકમાં ચીને કેટલાક સ્થળે પોતાના ટેન્ટ લગાવ્યા છે, જ્યાં પહેલા તેનાં કોઈ ટેન્ટ ન હતા.
ચીન દાવો કરે છે કે આ તેના ભરવાડો માટેનાં ટેન્ટ છે જ્યારે ભારતનો દાવો છે કે આ બધા ખરેખર તો ચીનના સૈનિકો છે જે સિવિલ ડ્રેસમાં ત્યાં વસવાટ કરે છે. એપ્રિલ 2020 પહેલાં જે એરિયામાં ટેન્ટ ન હતા ત્યાં હવે ટેન્ટ લગાવાયા છે. આના જવાબમાં ભારતીય સેનાએ પણ ત્યાં પોતાના ટેન્ટ લગાવ્યા છે.
42 મહિના બાદ વિવાદ ઉકેલાયો. છેલ્લા ચાર વર્ષમાં 31 રાજદ્વારી બેઠકો, 21 વખત બંને આર્મીની બેઠકો અને છેલ્લે બંને દેશના વિદેશપ્રધાનો વચ્ચે વાટાઘાટો યોજાયા બાદ આ વિવાદ ઉકેલાયો છે.
આ જ બાબત દર્શાવે છે કે આ સરહદી વિવાદ કેટલો ગંભીર અને સંવેદનશીલ હતો. સૂત્રોએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સીમા વિવાદ ઉકેલવા અને લશ્કરી મડાગાંઠનો અંત લાવવા માટે સંમતિ સધાઈ હતી પણ તેનો અમલ કેવી રીતે કરવો તે અંગે વાતચીત ચાલી રહી છે. બ્રિકસ સમિટ વખતે આની જાહેરાત પછી લશ્કરી સ્તરે વાતચીતમાં તેને આખરી ઓપ અપાશે. જેમાં વિવાદિત પોઇન્ટ પરથી સેના પાછી હટાવવા અને ફરી પેટ્રોલિંગ શરૂ કરવાની પદ્ધતિ નક્કી કરવામાં આવશે.