નવી દિલ્હીઃ ભારત અને જર્મનીએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની દિશામાં ઐતિહાસિક ડગલું માંડતા ૧૮ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ચાર દિવસના ભારત પ્રવાસે પહોંચેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા યોજી હતી. બન્ને નેતાઓએ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરીને ભારત-જર્મની સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠકના અંતે મર્કેલે ગ્રીન એનર્જી કોરિડોર તેમ જ સોલર પ્રોજેક્ટ્સ માટે ભારતને એક બિલિયન યુરોનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી.
ચાન્સેલર મર્કેલ રવિવારે મોડી રાત્રે વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓના પ્રતિનિધિ મંડળ સાથે ભારત પહોંચ્યા હતા. સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. બન્ને દેશના નેતાઓ વચ્ચે શિખર સ્તરની આંતર-સરકારી સલાહકાર સ્તરની વાતચીતમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં સંરક્ષણ ઉત્પાદન, રેલવે, સિવિલ એવિએશન, વેપાર-ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ઉચ્ચ શિક્ષણ, સ્કીલ ડેવપમેન્ટ, ગુપ્તચર તંત્ર, ત્રાસવાદનો પ્રતિકાર અને સંસ્કૃતિ સહિતના મુદ્દા છવાયા હતા. મર્કેલે વેપાર અને મૂડીરોકાણ વિષય પરની દ્વિપક્ષીય ચર્ચામાં ખાસ હાજરી આપી હતી. બાદમાં મોદી અને મર્કેલે ભારતમાં જર્મન કંપનીઓ માટે ફાસ્ટ-ટ્રેક સિસ્ટમ ઊભી કરવાની પણ ઘોષણા કરી હતી. જે અંતર્ગત બન્ને દેશો વેપાર સંબંધિત વહીવટી પ્રક્રિયાને ઝડપથી મંજૂરી આપશે.
મંત્રણાને ખૂબ સારી ગણાવતા મર્કેલ અને મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તેમની ચર્ચા ભારત-જર્મની માટે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વધુ મજબૂત ભાગીદારીનો માર્ગ મોકળો કરશે. મોદીએ કહ્યું હતું, ‘અમારું ધ્યાન આર્થિક સંબંધો પર કેન્દ્રિત રહેશે, પરંતુ મારું માનવું છે કે પડકારો અને તકોથી ભરેલી દુનિયામાં ભારત અને જર્મની દુનિયાને વધુ માનવીય, શાંતિપૂર્ણ બનાવવામાં પણ મજબૂત સાથી બની શકે છે.’
ભારત-જર્મની વચ્ચેની વિવિધ સમજૂતીઓમાં ભારતમાં જર્મન ભાષાને જ્યારે જર્મનીમાં આધુનિક ભારતીય ભાષાને ફોરેન લેંગ્વેજ તરીકે પ્રોત્સાહન આપવા સંદર્ભે ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ફેડરલ ફોરેન ઓફિસ ઓફ જર્મની વચ્ચે જોઇન્ટ ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ પણ સામેલ છે. ભારતના કેન્દ્રીય વિદ્યાલયોમાં થર્ડ લેંગ્વેજ તરીકે જર્મન ભાષાના સ્થાને સંસ્કૃતનો સમાવેશ થતાં વિવાદ સર્જાયો હતો.
આ વિવાદ ઉકેલવા બન્ને દેશો સક્રિય છે તેવા સમયે આ સમજૂતી થઇ છે. અભ્યાસક્રમમાંથી જર્મન ભાષાને રદ કરવાના ભારતના નિર્ણયની જર્મનીએ ટીકા કરી હતી અને ગયા નવેમ્બરમાં બ્રિસ્બેનમાં યોજાયેલી જી-૨૦ દેશોની શિખર મંત્રણાની સમાંતરે યોજાયેલી મોદી સાથેની મીટિંગમાં પણ મર્કેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
એક સંધિમાં મડાગાંઠ
જર્મની અને ભારત વચ્ચે અનેક ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર માટે સમજૂતી કરાર થયા છે, પરંતુ ગુનાખોરી મુદ્દે સહકારની સંધિમાં મૃત્યુદંડની જોગવાઈનો મુદ્દો આડખીલી રૂપ બન્યો છે. જર્મની મૃત્યુદંડની નાબૂદીનું સમર્થન કરે છે જ્યારે ભારત સરકાર, કાયદા પંચે ફાંસીની સજા નાબૂદ કરવાની ભલામણ કરી હોવા છતાં, ફાંસીની સજા યથાવત્ રાખવા માંગે છે. ગુનાખોરી મુદ્દે બે દેશો વચ્ચે થતી સંધિમાં બંને દેશોએ પરસ્પર કાનૂની કાયદાની જાળવણી માટે જરૂરી માહિતી એકબીજાને પૂરી પાડવાની હોય છે.
બંને દેશો એકબીજા પાસેથી ગુનાઈત કૃત્યોની તપાસ અને પુરાવાની આપ-લે પણ કરી શકે છે. આ પ્રકારની સંધિ માટે ભારત અને જર્મની વચ્ચે ૨૦૦૭થી વાટાઘાટો ચાલે છે, પણ ફાંસીની સજાની જોગવાઈના મુદ્દે બંને દેશો વચ્ચે મતભેદ હોવાથી સંધિ થઈ શકતી નથી. ભારતના ગૃહ રાજ્યપ્રધાન રીજીજુ અને જર્મનીના ગૃહ પ્રધાન કિંગ્સ વચ્ચે આ અંગે મંત્રણા થઈ હતી.
જર્મનીની ભારતને અમૂલ્ય ભેટ
કાશ્મીરના મંદિરમાંથી બે દસકા પૂર્વે ચોરાયેલી અને ત્રણ વર્ષ અગાઉ જર્મનીના સ્ટુટગાર્ટના મ્યુઝિયમમાં જોવા મળેલી મા દુર્ગાની ૧૦મી સદીની એક પ્રતિમા ચાન્સેલર મર્કેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રત કરી હતી. મોદીએ આ પ્રસંગે મર્કેલ અને જર્મનીની પ્રજાનો આભાર માનતાં કહ્યું હતું કે આ પ્રતિમા આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક છે.
મા દુર્ગાના મહિસાસુરમર્દિની અવતારની આ મૂર્તિ ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરના પુલવામાના એક મંદિરમાંથી ચોરાઇ હતી. વર્ષ ૨૦૧૨માં આ મૂર્તિ સ્ટુટગાર્ટના લિન્ડેન મ્યુઝિયમમાં હોવાની માહિતી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને મળી હતી. તેના પગલે ભારત સરકારે મૂર્તિ પાછી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ૨૦૧૧માં જર્મનીમાંથી જ ઝડપાયેલા ભારતના કુખ્યાત આર્ટ ડીલર સુભાષ કપૂરે જ દાણચોરી દ્વારા મૂર્તિ જર્મની પહોંચાડી હોવાનું મનાય છે.
ભારત-જર્મની સંબંધો પર એક નજર
• ભારત અને જર્મની ૨૦૦૧થી વ્યૂહાત્મક સાથીઓ છે. • યુરોપીય યુનિયન (ઇયુ)માંથી જર્મની ભારતનું સૌથી મોટું વ્યાપાર સાથી છે.
• ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણકાર દેશોમાં જર્મની સાતમા ક્રમે છે. • ગત વર્ષે બન્ને દેશો વચ્ચે કુલ ૧૫.૯૬ બિલિયન યુરોના માલસામાન-સેવાઓનું આદાનપ્રદાન થયું હતું. • ગત વર્ષે ભારતની જર્મનીમાં નિકાસ ૭.૦૩ બિલિયન યુરોની જ્યારે જર્મનીમાંથી આયાત ૮.૯૨ બિલિયન યુરોની સપાટીએ રહી હતી. • હાલમાં ૧૬૦૦થી પણ વધુ ઇન્ડો-જર્મન કોલાબ્રેશન તથા ૬૦૦ જેટલા ઇન્ડો-જર્મન જોઇન્ટ વેન્ચર્સ કાર્યરત છે.