ટોક્યોઃ જાપાને અપવાદરૂપ ઘટનાક્રમમાં ભારત સાથે ઐતિહાસિક પરમાણુ નાગરિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમ ભારત હવે જાપાન પાસેથી અણુ ઊર્જા પ્લાન્ટ માટે અણુ બળતણ, અણુ રિએક્ટર અને અણુ ટેક્નોલોજી મેળવી શકશે. બન્ને દેશના નેતાઓ વચ્ચે છ વર્ષની ઘનિષ્ઠ મંત્રણા પછી આ કરાર પર હસ્તાક્ષર થયા છે તે જ આ કરારનું મહત્ત્વ દર્શાવે છે. મહેમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યજમાન વડા પ્રધાન શિન્ઝો આબેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
ભારત એવો પહેલો દેશ છે જેણે ન્યૂક્લિયર નોનપ્રોલિફરેશન ટ્રીટી (અણુ અપ્રસાર સંધિ-એનપીટી) પર હસ્તાક્ષર ન કર્યા હોવા છતાં જાપાને તેની સાથે નાગરિક અણુ કરાર કર્યા છે. આથી ભારત માટે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં પ્રવેશની દાવેદારી મજબૂત બનશે. મોદી અને આબે વચ્ચે આ સિવાય પણ અનેક દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મોદી ત્રણ દિવસના જાપાન પ્રવાસમાં ૧૧ નવેમ્બરે વડા પ્રધાન શિન્ઝો આબેને મળ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બાદમાં બન્ને દેશોએ ૧૦ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વિદેશ સચિવ એસ. જયશંકરે કહ્યું હતું કે અમેરિકા અને અન્ય દેશો સાથે ભારતે પરમાણુ કરાર કર્યા છે તે જ પ્રકારના કરાર જાપાન સાથે કર્યા છે, જેમાં જાપાનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી સલામતી અને સુરક્ષાની પૂરતી જોગવાઇ છે. મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સહયોગથી સમાજમાં શાંતિ - સંતુલન આવશે.
દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે
રાજદ્વારી નિષ્ણાતો માને છે કે આ કરારથી ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય આર્થિક અને સુરક્ષા સંબંધિત સંબંધો પણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને ચીન અને જાપાન વચ્ચે સાઉથ ચાઈના સી મુદ્દે વિવાદ વધી રહ્યો છે તેવા સંજોગોમાં આ કરાર મહત્ત્વના છે. ભારત અને જાપાને સાથે મળીને આતંકવાદ સામે લડવાની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
મોદી જાપાનના સમ્રાટ અકિહિતોને મળ્યા હતા અને બન્ને દેશો વચ્ચેના મુદ્દાની ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ જાપાન-ભારતના ભવિષ્ય ઉપરાંત એશિયામાં બન્ને દેશોના પ્રદાન અંગે ચર્ચા કરી હતી. બાદમાં આ બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને ભારત અને જાપાન સાથે મળીને કામ કરશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મોદીએ જાપાનના પૂર્વ વડા પ્રધાન યોશિરો મોરીની સાથે પણ બેઠક યોજી હતી.
એનએસજી માટે જાપાનનો ટેકો
પત્રકારોને સંબોધતા આબેએ કહ્યું હતું કે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે આ કરાર પર હસ્તાક્ષર કરવાનો મને આનંદ છે. ભારત જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરશે તેવી એકમાત્ર શરત છે. અણુ શસ્ત્ર વગરના વિશ્વનું સર્જન કરવાની જાપાનની મહત્ત્વાકાંક્ષા સાથે આ કરાર સુસંગત છે, એમ તેમણે કહ્યું હતું. આ સાથે આબેએ એનએસજીમાં ભારતને પૂર્ણ સભ્યપદ માટે જાપાનનું સમર્થન પણ જાહેર કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે ‘પરમાણુ ઊર્જાના શાંતિપૂર્વક ઉપયોગમાં સહયોગ કરવા માટેના આ કરાર પર આજે હસ્તાક્ષર થઈ છે તે સ્વચ્છ ઊર્જાનું નિર્માણ કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે.’
ભારત-જાપાન નેચરલ પાર્ટનર
મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. ક્લાઇમેટ ચેન્જ માટે આ કરાર મહત્ત્વનો છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં જાપાન મહત્ત્વનો ભાગીદાર છે.
તેમણે કહ્યું હતું કે સરકાર ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ખુલ્લું અર્થતંત્ર બનાવવા માગે છે. પરિણામે ભારતમાં નીતિવિષયક આર્થિક સુધારા કરવામાં આવ્યા છે. મોદીએ જાપાનની કંપનીઓ અને ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતનો ઈરાદો વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો છે. જાપાનની કંપનીઓએ ભારતમાં રોકાણ માટે મુક્ત અને ખુલ્લું વાતાવરણ સર્જવાની માગણી કરી હતી. ખાસ કરીને જમીન-સંપાદનની જટિલ કામગીરીને સરળ બનાવવા અને બિડિંગપ્રોસેસ આસાન બનાવવા માગણી કરાઈ હતી. આ દિશામાં ઘણી કામગીરી થઇ છે.
જુગલબંદીઃ મેઇડ ઇન ઇન્ડિયા, મેઇડ બાય જાપાન
મોદીએ જણાવ્યું હતું કે મેઇડ ઇન ઇન્ડિયા અને મેઇડ બાય જાપાનની જુગલબંદીથી બન્ને દેશો ઉત્પાદનક્ષેત્રે સારી રીતે કામ કરી શકશે. પ્રવર્તમાન સમયમાં જાપાન ભારતમાં ચોથા ક્રમનો સૌથી વધુ મૂડીરોકાણ કરનારો દેશ છે. જાપાનની કંપનીઓ ભારતમાં અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે. ભારતની સારી નીતિઓને કારણે આ બધું શક્ય બન્યું છે.
ભારત-જાપાન ૧૦ સમજૂતી કરાર
• રેલવે, પરિવહન, બંદરો, માર્ગ, એરપોર્ટ્સ ક્ષેત્રે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ અને જાપાન ઓવરસીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ અર્બન ડેવલપમેન્ટ વચ્ચે કરાર.
• અંતરિક્ષ મામલે પણ ભારતના અર્થ સાઇન્સ અને જાપાનની મરીન અર્થ સાઇન્સ એજન્સી વચ્ચે સમજૂતી કરાર થયા. આથી બન્ને દેશમાં વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનને વેગ મળશે.
• અન્ય એક કરાર કૃષિ ક્ષેત્રે થયો છે. કૃષિ પેદાશોના વેચાણ માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાથી લઇને ફુડ ઇન્ડસ્ટ્રીને વેગ આપવામાં આવશે.
• બન્ને વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ સમજૂતી કરાર થયા, જે અંતર્ગત આગામી ૧૦ વર્ષમાં ૩૦ હજાર ભારતીય યુવાઓને જાપાનની ઉત્પાદન પદ્ધતિ અંગે કુશળ બનાવાશે. મેક ઇન ઇન્ડિયાને ફાયદો થવાનો દાવો
• ભારત અને જાપાન વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે પણ વ્યાપાર વધુ સરળ બનાવવા સમજૂતી કરાર થયા, જે અંતર્ગત ભારતની ટેક્સટાઇલ્સ ક્વોલિટીમાં સુધારો કરવામાં આવશે
• બે સમજૂતી કરાર બન્ને દેશની કળા અને સંસ્કૃતિ મુદ્દે થયા. ૨૦૨૦માં ટોક્યોમાં ઓલિમ્પિક યોજાવાની છે. જે પહેલા થયેલા આ કરારથી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ફાયદો થઇ શકે છે
• દસમો કરાર ગુજરાત રાજ્ય અને જાપાન હ્યોગો પ્રિફક્ચરલ સરકાર વચ્ચે થયો છે. જે અંતર્ગત શિક્ષણ, વ્યાપાર, સંસ્કૃતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પર્યાવરણના રક્ષણ માટે કામગીરી કરાશે.
ભારત-જાપાન અણુ કરારથી ભારતને શું લાભ?
• વિદેશી રિએકટર સપ્લાયર્સ માટે ભારતનું બજાર ખુલ્લુ મુકાશે.
• જાપાન હવે ભારતને અણુ ટેકનોલોજીની નિકાસ કરી શકશે.
• એનપીટીમાં સહી ન કરી હોવા છતાં એક અણુરાષ્ટ્ર તરીકે ક્યા અણુમથક કે અણુસામગ્રીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા હેઠળ મૂકવા તે ભારત નક્કી કરી શકશે.
• ભારતે ઘણા વર્ષો સુધી અણુ ટેકનોલોજી મેળવવા વિખૂટા પડ્યા પછી ૨૦૦૮માં અમેરિકા સાથે નાગરિક અણુ કરાર કર્યા હતા. હવે તે જાપાન પાસેથી પણ અણુ ટેકનોલોજી મેળવશે.
• ચીનનો સામનો કરવા બન્ને દેશો વચ્ચે આર્થિક અને સુરક્ષા સહયોગ વધારે મજબૂત બનશે.
• અણુ ઊર્જા બજારમાં જાપાન મોટો હિસ્સો ધરાવે છે. ભારત સાથે કરાર પછી જાપાનનું જેમાં મોટું રોકાણ છે તેવી અમેરિકાની અણુ પ્લાન્ટ બનાવતી બે કંપનીઓ વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક અને જીઈ એનર્જી પાસેથી ભારત અણુ પ્લાન્ટ મેળવી શકશે.
• ભારતે જીઈ-હિટાચીને અણુ પ્લાન્ટ માટે જમીન આપેલી છે તેની કામગીરી આગળ ધપશે.
• અણુ રિએકટરોની નિકાસ કરતાં પહેલાં અણુ હુમલાનો ભોગ બનેલો એકમાત્ર દેશ જાપાન અણુશસ્ત્રો ધરાવતા ભારત પાસેથી અણુઅપ્રસાર માટે વધુ ગેરંટી માગતો હતો. જોકે હવે અણુ રિએકટરો મેળવવાનો રસ્તો ખુલ્યો છે.
• ભારત સાથે નાગરિક અણુ કરાર કરનાર અન્ય દેશોમાં અમેરિકા, રશિયા, સાઉથ કોરિયા, મોગોલિયા, ફ્રાન્સ, નામિબિયા, આર્જેન્ટિના, કેનેડા, કઝાખસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.