ભારત-પાકિસ્તાનઃ રાજદ્વારી સંબંધોમાં વધતી કડવાશ

ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સૂચનાઃ પાકિસ્તાનની સ્થાનિક સ્કૂલમાં ભણતાં સંતાનોને ઉઠાડી લો

Wednesday 27th July 2016 09:49 EDT
 
 

નવી દિલ્હી, ઇસ્લામાબાદઃ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કડવાશ વધી રહી છે ત્યાં ભારત સરકારે એક આકરો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાન સ્થિત હાઇ કમિશનમાં ફરજ બજાવતા તમામ રાજદૂતો અને એલચી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓથી માંડીને કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ પોતાનાં સંતાનોને પાકિસ્તાનની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ કરવા ન મોકલે. એટલું જ નહીં, તેઓ સ્થાનિક સ્કૂલોમાંથી સંતાનોના એડમિશન રદ કરાવીને તેમના અભ્યાસની વ્યવસ્થા પાકિસ્તાન સિવાયના કોઇ સ્થળે કરે.
ભારત સરકારે રાજકીય મિશનોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમની સાથે જોડાયેલી નીતિઓની સમીક્ષા કર્યા બાદ આ જાહેરાત કરી છે. પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતા લોકોને જણાવાયું છે કે તેમના સંતાનો પાકિસ્તાનની જે કોઇ પણ સ્કૂલમાં ભણતા હોય ત્યાંથી તેમના નામ કમી કરી દેવાના રહેશે. આ નિર્ણય વર્તમાન એકેડેમિક સત્રથી જ લાગુ થઇ જશે.
ભારતે જણાવ્યું છે કે, સુરક્ષાનાં ધોરણે આ નિર્ણય કરાયો છે. રાજદૂતો અને અન્ય અધિકારીઓ ભારત પરત આવતા રહે અથવા તો પોતાનાં સંતાનોને ભારત મોકલી આપે. પાકિસ્તાનમાં ભારતીય નાગરિકો સાથે કોઈ દુર્ઘટના ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતોના સ્કૂલે જતા હોય તેવા સંતાનોની સંખ્યા ૫૦ જેટલી છે, મોટા ભાગના બાળકો ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ ભારતે પાકિસ્તાનને ઇસ્લામાબાદમાં ફરજ બજાવતા ભારતીય અધિકારીઓ અને તેના પરિવારોની સુરક્ષા માટે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

સુરક્ષાને પ્રાથમિક્તા દેશની ફરજ છેઃ વિકાસ સ્વરૂપ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સામે કોઈ સમસ્યા છે તેમ સીધી રીતે ન કહી શકાય. દરેક દેશ પોતાના અલગ અલગ દેશોમાં આવેલાં મિશનના સ્ટાફ અને તેના કર્મચારીઓના પરિવારજનો અંગે વિચાર કરતો હોય છે. હાલમાં પાકિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે તે જોતાં કર્મચારીઓની અને તેમના પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવી દરેક દેશની ફરજ છે. આથી હાઈ કમિશન ઓફ ઇન્ડિયાના કર્મીઓને આદેશ આપવામાં આવ્યો છે કે નવા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તેમણે તેમનાં સંતાનોના અભ્યાસની વ્યવસ્થા પાકિસ્તાનની બહાર કરવાની રહેશે.
ભારતના આ પગલાં અંગે તુરંત જ પ્રક્રિયા આપતા ઇસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકરિયાએ કહ્યું હતું, ‘આ એક અનૌપચારિક, આંતરિક, વહીવટી વ્યવસ્થા છે, જે અંગે અમને બે મહિના પૂર્વે જ જાણ કરી દેવામાં આવી હતી. આ સિવાય અમને કંઇ જણાવવામાં આવ્યું નથી.’

ભારત કોઇ જોખમ લેવા માગતું નથી

રાજદ્વારી બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે કે પ્રવર્તમાન સંજોગોમાં ભારત કોઈ જોખમ ઉઠાવવા માગતું ન હોય તેમ જણાય છે. હાલના સમયમાં પાકિસ્તાન આતંકવાદીઓની મદદથી કાશ્મીરમાં હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. દૂતાવાસના કર્મચારીઓ કે તેમના પરિવારજનોને બંધક બનાવવામાં આવે કે તેના જેવી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ ભારત સાવચેતીનાં તમામ પગલાં ભરવા માગે છે.
ભારત પહેલેથી જ પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત કરવા માગે છે જેથી ક્યાંય નમતું જોખવાનો વારો ન આવે.
જોકે એક વર્ગ એવો પણ છે કે જે આ પગલાંને એ વાતના સંકેતરૂપે નિહાળી રહ્યો છે કે ભારત સરકાર આકરાં પગલાં લેવા માટે સજ્જ થઈ રહી છે. ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના બને તો ભારત પગલાં લેવામાં ખચકાટ ન અનુભવે તે માટે આ તૈયારીઓ કરાઈ રહી હોવાની ચર્ચા છે.

કાશ્મીર મુદ્દે તનાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે છેલ્લા કેટલાક સમયથી તનાવ પ્રવર્તે છે. હાલમાં જ બન્ને દેશના નેતાઓએ કાશ્મીર મુદ્દે એકબીજા સામે આકરા નિવેદનો આપ્યા છે. ભારત સરકાર કાશ્મીરમાં આઠમી જુલાઇથી ચાલતી હિંસા અને તનાવની સ્થિતિ માટે પાકિસ્તાનની પ્રેરિત ઉશ્કેરણીને જવાબદાર ગણાવી રહી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ગયા સપ્તાહે એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો બને તે દિવસની હું આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. આના જવાબમાં ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે શનિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનનું આ ખતરનાક સ્વપ્ન કયામતના દિવસ સુધી સાકાર થવાનું નથી.
ભારતના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પણ બે દિવસના કાશ્મીર પ્રવાસ બાદ રવિવારે કહ્યું હતું કે ‘કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ના-પાક ઇરાદો ધરાવે છે. પાકિસ્તાને તેનો ઇરાદો બદલી નાખવો જોઇએ.’

પાકિસ્તાન કાશ્મીરમાં ઉશ્કેરણી બંધ કરેઃ રાજનાથ સિંહ

ભારત સરકારે કાશ્મીર હિંસા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લઇને વિવિધ વર્ગના લોકો સાથે ચર્ચા કરી હતી. રાજનાથે શ્રીનગરમાં પાકિસ્તાન પર સીધો હુમલો કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન સરકાર કાશ્મીરના યુવાનો હથિયારો ઉઠાવવા માટે ઉશ્કેરવાનું બંધ કરે. કાશ્મીર મુદ્દો ઉકેલવા અમને કોઈ 'ત્રીજો પક્ષ' મંજૂર જ નથી. પાકિસ્તાન પોતે પણ આતંકવાદનો ભોગ બન્યું છે. આ કારણસર પણ પાકિસ્તાને કાશ્મીરમાં હિંસાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. અમે કાશ્મીર સાથે જરૂરિયાતો પૂરતો નહીં, પણ લાગણીમય સંબંધ ઈચ્છીએ છીએ. અહીંની સ્થિતિ સામાન્ય થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ.
રાજનાથ સિંહ શ્રીનગરમાં સ્થાનિક લોકો તથા વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. નેહરુ ગેસ્ટ હાઉસમાં રાજનાથ સિંહ સાથે આખો દિવસ બેઠકનો દોર ચાલતો રહ્યો. જોકે, વેપારીઓના એક વર્ગ અને કોંગ્રેસે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. કેટલાક ઈમામ રાજનાથને મળવા માટે ગુપ્ત રીતે એમ્બ્યુલન્સમાં પહોંચ્યા તો કેમેરામાં કેદ થઈ ગયા. ફોટો જાહેર થતાં જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી - ‘ઠીક છે... તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા
કરો, પરંતુ રાજ્ય સરકાર આવા કામો માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે ત્યારે સમસ્યાઓ વધી જાય છે.’
રાજ્યના કેટલાક સ્થળો સિવાય અન્ય વિસ્તારોમાં વાતાવરણ જનજીવન થાળે પડી રહ્યું છે. કાશ્મીરના આઠ જિલ્લા અને શ્રીનગર શહેરમાં કર્ફ્યુ હટાવી લેવાયો છે, જોકે કલમ ૧૪૪ ચાલુ છે.

પાકિસ્તાને આતંકવાદ જ આપ્યોઃ સુષમા સ્વરાજ

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાન પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરને આતંકવાદ સિવાય કંઇ જ આપ્યું નથી. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે બે દિવસ પૂર્વે જ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓનો સાથ આપતું રહેશે. આ નિવેદનનો જવાબ આપતા સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરને હથિયારો અને આતંકવાદ સિવાય કંઇ જ નથી આપ્યું.

પાકિસ્તાન તેના નાણાનો ઉપયોગ કાશ્મીરમાં આતંક ફેલાવવા કરી રહ્યું છે, જેથી સમગ્ર વિસ્તારને અસ્થિર કરી શકાય. આ માટે પાકિસ્તાને સમગ્ર સરકારી તંત્રને કામ લગાવી દીધું છે.
પાકિસ્તાન કાશ્મીરમાં સૈન્ય દ્વારા ઠાર મરાયેલા બુરહાન વાનીને શહિદ ગણાવી રહ્યું છે. આના જવાબમાં સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે બુરહાન હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી હતો. પાકિસ્તાન કાશ્મીરીઓને ભડકાવવા માટે સહાય આપવાના નિવેદનો કરે છે.

પાકિસ્તાન POKમાંથી ખસી જાય

રાજનાથ સિંહે ૨૦ જુલાઇએ સંસદમાં ચર્ચા દરમિયાન કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને વડા પ્રધાન ખુદ આ મુદ્દે સતત ચિંતન કરી રહ્યા છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. પાકિસ્તાન કાશ્મીરીઓને ઉશ્કેરીને ભારતમાં હિંસા ફેલાવવાનું ના-પાક પ્રયાસ કરી રહ્યું છે. ભારત સરકાર કે રાજ્ય સરકારને કાશ્મીરીઓની દેશભક્તિ પર કોઈ શંકા નથી. તેઓ ખોટી દોરવણીમાં આવીને ઉશ્કેરાય છે. પાકિસ્તાન ભારત સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમ કહીને ગૃહ પ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાને ભારતમાં હસ્તક્ષેપ કરવાથી દૂર રહેવું જોઇએ. તેમજ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર પ્રદેશમાંથી ખસી જવું જોઇએ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને કાશ્મીર મેળવવાનાં સપનાં છોડી દેવાં જોઈએ. નવાઝ શરીફે તેમની પાસે જે કંઈ પણ દેશ જેવું વધ્યું છે તેની ચિંતા કરવી જોઈએ. કાશ્મીર વિશે વિચારવાનું તેમણે બંધ કરી દેવું જોઈએ

કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો બને તેની પ્રતીક્ષાઃ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો છે. તેમણે કાશ્મીરીઓની હત્યા થઈ રહ્યાનો આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બની જાય તે દિવસની પ્રતીક્ષા છે. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર પ્રદેશમાં એક રેલીને સંબોધતાં શરીફે આ હુંકાર કર્યો હતો. હૃદયની શસ્ત્રક્રિયા કરાવીને લંડનથી પાછા ફર્યા પછી શરીફની આ પહેલી રેલી હતી.
પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષનો વિજય થયેલો છે. તેમણે કહ્યું કે આઝાદી માટે લડાઈ લડી રહેલાં કાશ્મીરનાં લોકોને ભૂલવાં ના જોઇએ. આઝાદી માટેની તેમની લડાઈ રોકાય તેમ નથી અને એક દિવસ જરૂરથી સફળતા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter