ભારત બુદ્ધ અને ગાંધીનો દેશ, કોઇ પણ સમસ્યાનો ઉકેલ હિંસા હોઇ શકે નહીં

યૂક્રેન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીનું ઝેલેન્સ્કીને ભારત આવવા આમંત્રણ

Wednesday 28th August 2024 05:38 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે યુદ્ધગ્રસ્ત યૂક્રેનના પાટનગર કીવની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા હતા. રશિયામાંથી યૂક્રેન અલગ થયા પછીની કોઇ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત તો હતી જ, પરંતુ આ મુલાકાત યુદ્ધના માહોલ વચ્ચે યોજાઇ હતી. યૂક્રેન પ્રવાસ દરમિયાન મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે રશિયા-યૂક્રેન યુદ્ધના મામલે ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે એવું નથી, પરંતુ ભારત શાંતિનું સમર્થક છે. કોઇપણ સમસ્યાનો ઉકેલ હિંસા હોઇ શકે નહીં. ભારત બુદ્ધ અને ગાંધીનો દેશ છે, અને અમે બન્ને પક્ષકારો વચ્ચે ચર્ચાના સમર્થનમાં છીએ.
 બે વર્ષથી યૂક્રેન સાથે લોહિયાળ જંગ લડી રહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે ભારતીય વડાપ્રધાન મોદીના યૂક્રેન રોકાણ દરમિયાન રશિયા દ્વારા કોઇ પણ લશ્કરી કાર્યવાહી કરાશે નહીં. મોદીએ યૂક્રેનમાં યુવા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની સાથે ગહન ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન મોદીએ યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું સમાધાન કાઢવા એકબીજા સાથે ચર્ચા કરવા પર ભાર આપ્યો.
યૂક્રેન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભારત આવવા આમંત્રણ પણ આપ્યું હતું. મોદીના નિમંત્રણ પર ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમને ભારત આવીને ખુશી થશે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મેં ભારત જેવા મહાન દેશ અંગે ઘણું વાંચ્યું છે. અમને આપના દેશની ખૂબ જરૂર છે.’
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ‘આ મહત્ત્વપૂર્ણ છે કે આપણા પ્રધાનમંત્રીએ 1992 બાદ પ્રથમ વખત યુક્રેન પ્રવાસ કર્યો છે. આવા અવસર પર સ્વાભાવિક છે કે તેઓ દ્વારા નિમંત્રણ આપવામાં આવે. અમે આશા કરીએ છીએ કે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તેમની અનુકૂળતા મુજબ ભારત પ્રવાસે આવે.’
ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી બંધ કરેઃ ઝેલેન્સ્કી
યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના યુદ્ધગ્રસ્ત દેશની પહેલી મુલાકાતને ઐતિહાસિક ગણાવવા છતાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી તેની ‘વોર ઈકોનોમિક’ને મદદ કરવાનો ભારત પર આક્ષેપ મૂક્યો હતો. ભારતને રશિયાનો સાથ છોડી યૂક્રેનની તરફેણ કરવાની હાકલ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિનના મનમાં ભારત કે પીએમ મોદીની કોઈ ઈજ્જત નથી. યૂક્રેનના શાંતિના પ્રયાસોને સફળ બનાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઝેલેન્સ્કીએ ભારત જ નહીં દુનિયાભરના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા હાકલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પૂરી થયા પછી યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ભારતીય મીડિયાને સંબોધન કર્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ભારત સહિત દુનિયાના દેશો રશિયા પાસેથી ઓઈલની આયાત બંધ કરી દે તો પુતિન સામે બહુ મોટો પડકાર ઉભો થશે. ઓઈલ વેચીને પુતિનને જે અબજો ડોલર મળે છે તે નાણાં રશિયાની આર્મીને અપાય છે. તેનો ઉપયોગ શાંતિ માટે નહીં પણ યુદ્ધ માટે થાય છે, યૂક્રેનમાં લોકોની હત્યા કરવા થાય છે. આમ, પીએમ મોદીની યૂક્રેનની મુલાકાત ઐતિહાસિક હોવા છતાં તેનું કોઈ પરિણામ નહીં આવ્યું હોવાના ઝેલેન્સ્કીએ સંકેત આપ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યુદ્ધનો અંત અને શાંતિ જ અમારી પ્રાથમિક્તા છે, પરંતુ આ શાંતિ રશિયા નહીં યૂક્રેનની શરતો પર સ્થપાશે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિને અમારા માટે તો કશું જ સારું કર્યું જ નથી, અમારા માટે તો પુતિન હત્યારો જ છે પણ પુતિને તમારા માટે શું સારું કર્યું છે? ભારત માટે શું સારું કર્યું છે? ઝેલેન્સ્કીએ કટાક્ષ પણ કર્યો કે, અત્યારે સમસ્યા એ છે કે, શાંતિ પુતિન કરતાં મોદી વધારે ઈચ્છે છે. મોદી તો પુતિન સાથે વાત કરે છે. મને ખબર નથી કે પુતિન સાથે મોદી શું વાત કરતા હશે પણ મેં પીએમ મોદીને કહ્યું છે કે, પુતિન સાથે તો તમારે સોદાબાજી થયેલી છે તો હવે પછી પુતિન સાથે વાત કરો ત્યારે પૂછજો કે પુતિનને ક્યા પ્રકારની શાંતિ જોઈએ છે?
ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિન ભારત અથવા તેના નેતા નરેન્દ્ર મોદીનું સન્માન નથી કરતા. ગયા મહિને પીએમ નરેન્દ્ર મોદીની મોસ્કો યાત્રાની શરૂઆત પહેલાં જ પુતિને યૂક્રેનમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે પુતિન માટે ભારત અને તેના નેતાનું કોઈ મહત્વ નથી.
ભારતને શાંતિ શિખર મંત્રણા યોજવા અનુરોધ
ઝેલેન્સ્કીએ પીએમ મોદીને ભારતમાં શાંતિ શિખર મંત્રણા યોજવા અને તેમાં તેમના વિચારો રજૂ કરવા દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતે કેટલાક ગ્લોબલ સાઉથ દેશો સાથે ભારતમાં શાંતિ શિખર મંત્રણા યોજવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, અમે હાલમાં બીજી યૂક્રેન શાંતિ શિખર મંત્રણા યોજવા માટે વિવિધ દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ.
પહેલી યૂક્રેન શાંતિ શિખર મંત્રણા ગયા વર્ષે જૂનમાં સ્વીટ્ઝર્લેન્ડના લુસેર્નેમાં યોજાઈ હતી, જેમાં 90થી વધુ દેશો અને વૈશ્વિક સંસ્થાઓએ યૂક્રેનમાં શાંતિ લાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો, પરંતુ છેલ્લી શાંતિ સમિટમાં જોડાયું નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter