નવી દિલ્હી: જી-20 સમિટમાં ન્યૂ દિલ્હી ડેકલેરેશનની સર્વસંમત સ્વીકૃતી ઉપરાંત બીજી સૌથી મહત્ત્વની જાહેરાત ભારત-અમેરિકા સહિત આઠ દેશો સામેલ કરતા ઇકોનોમિક કોરિડોરને મંજૂરીની છે. શિખર સંમેલનમાં પ્રથમ દિવસે જ ઇકોનોમિક કોરિડોર અંગે નિર્ણય લેવાયો હતો.
આ કોરિડોરમાં ભારત, ફ્રાન્સ, અમેરિકા, સાઉદી આરબ, યુએઇ, ઇટાલી, જર્મની અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંકમાં જ લોંચ કરાશે. આ આઠ દેશોને સામેલ કરીને કનેક્ટિવિટી અને માળખા અંગે સહયોગ પર પહેલ થશે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને આ આર્થિક કોરિડોરનું એલાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે માનવ સભ્યતાના વિકાસ માટે મજબૂત કનેક્ટિવિટી અને માળખાગત ઢાંચો આધાર રહ્યો છે.
ભારત માટે ભાગીદારીના દ્વાર ખૂલ્યા
જી-20 સમિટથી દુનિયામાં ભારતની ભાગીદારીના કેટલાક દ્વાર ખુલી ગયા છે. અમેરિકા અને યુરોપથી સૌથી મોટા ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇસી) પ્રોજેક્ટમાં ભારત પણ સામેલ થતા કેટલીક મોટી રાહત થઇ છે.
ભારત, યુએઇ, સાઉદી અરેબિયા, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન (ઇયુ) સહિત કુલ આઠ દેશોના આ પ્રોજેક્ટનો ફાયદો ઇઝરાયેલ અને જોર્ડનને પણ મળશે. આ કોરિડોર બની ગયા બાદ ભારતથી યુરોપ સુધી ચીજવસ્તુઓ પહોંચવામાં આશરે 40 ટકા સુધીનો સમય બચશે. હાલમાં ભારતથી કોઇ પણ કાર્ગોને શિપિંગ મારફતે જર્મની પહોંચવામાં 36 દિવસ લાગે છે.
અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે આ ઇકોનોમિક કોરિડોરમાં યુરોપને રેલવેલાઇનથી મિડલ ઇસ્ટના દેશો સાથે જોડવામાં આવશે. જ્યારે ભારત દરિયાઇ માર્ગે મિડલ ઇસ્ટ સાથે જોડાશે.
અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જોન ફિનરે કહ્યું છે કે આ કોરિડોર મારફતે એશિયા, મિડલ-ઇસ્ટ અને યુરોપમાં વેપાર, ઊર્જા અને ડિજિટલ સંચારનું વિસ્તરણ થશે. તમામ સાથી દેશોની સમૃદ્ધિને વધારવામાં મદદ મળશે. મે મહિનામાં સાઉદી અરેબિયામાં ચાર દેશોના સુરક્ષા સલાહકારોની બેઠકમાં આને લઇને પ્રસ્તાવ આવ્યો હતો.
યુરોપિયન દેશોને રાહત
ચીન બેલ્ટ રોડ ઇનિશિએટિવ (બીઆરઆઇ) હેઠળ સેન્ટ્રલ એશિયાથી થઇને યુરોપ સુધી કોરિડોર બનાવવામાં વ્યસ્ત છે. અમેરિકા, ઇયુ નવા કોરિડોર બનાવવાની તૈયારીમાં છે. ભારત આ કોરિડોરમાં સામેલ થયા બાદ યુરોપિયન યુનિયનના દેશો સુધી પહોંચવા માટે નવો રૂટ મળી જશે.
યુરોપમાં ભારતનું પ્રભુત્વ વધશે
ભારત માટે ખાસ બાબત એ છે કે હવે યુરોપ સુધી પહોંચનાર બે મોટા કોરિડોરમાં ભારત સામેલ છે. ભારત પહેલેથી જ 7200 કિમીના રશિયા-ઇરાનના ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો હિસ્સો છે. રેલ-રોડ તેમજ દરિયાઇ રૂટવાળા આ કોરિડોરથી ભારત રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સુધી પહોંચી શકશે.
આઇએમઇસી કોરિડોરથી ચીન નારાજ
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, દિલ્હીમાં જી-20 સમિટમાં અમેરિકાએ ફરી પોતાની જૂની યોજનાને આગળ વધારી છે. આ પ્રથમ વખત નથી જ્યારે અમેરિકાએ આ યોજનાના વિસ્તારનું માળખુ રજૂ કર્યું છે. ચીનને દુનિયામાં અલગ પાડી દેવાના હેતુ સાથે આગળ વધતા અમેરિકાના આ પ્રોજેક્ટને પણ સારો પ્રતિસાદ મળ્યો નથી. મિડલ ઇસ્ટ અને અરબ દેશોએ રેલવે લાઇનનું વચન આપ્યું છે પરંતુ અમેરિકાની પાસે વાસ્તવિક ઇરાદા અને ક્ષમતા નથી. ચીને કહ્યું છે કે વાત વધારે કરાઇ છે, કામ ઓછું થયું છે.
ઇકોનોમિક કોરિડોરઃ ક્યાંથી ક્યાં પહોંચશે?
• મુંબઇ પોર્ટથી સાઉદી અરબ અમિરાતના દુબઇના જબેલ અલી પોર્ટ સુધી દરિયાઇ માર્ગ • દુબઇથી અલ ગેવેફત સુધી રેલવે અને માર્ગ છે. ત્યાંથી સાઉદી અરબના હરાધ, રિયાધ થઇને ઇઝરાયલના હેઇફા પોર્ટ સુધી રેલવે માર્ગ • ઇઝરાયલના હેઇફાથી ગ્રીસના પીરેયુસ પોર્ટ માટે દરિયાઇ માર્ગ રહેશે • ગ્રીસના પોર્ટથી યુરોપ પહોંચવા માટે રેલવેલાઇન અને હાઇવે નેટવર્કનો ઉપયોગ કરાશે. ઇટાલી, ફ્રાન્સ સહિતના દેશ પ્રોજેક્ટ સાથે જોડાશે.