સોચી (રશિયા)ઃ રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ‘બ્રિક્સ’ સંબંધિત મુદ્દા કેન્દ્રસ્થાને હતા. મોદીએ બંને દેશો વચ્ચેના વર્ષોજૂના સંબંધોની યાદ તાજી કરતા કહ્યું હતું કે બંને દેશો લાંબા સમયથી ઘનિષ્ઠ મિત્રો રહ્યા છે, અને આ મુલાકાત સંબંધો વધુ સુદૃઢ બનશે.
મોદીએ રશિયાની મુલાકાત માટે આમંત્રણ આપવા બદલ પ્રમુખ પુતિનનો આભાર પણ માન્યો હતો. વડા પ્રધાને આભાર વ્યક્ત કરતાં જ પ્રમુખ પુતિને કહ્યું કે તમારો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવી ચેતનાનો સંચાર કરશે.
મોદી-પુતિનની યોટમાં સફર
આ પૂર્વે રશિયાનાં સોચી શહેરમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. બંને નેતાઓ એકબીજાને ભારે ઉત્સાહ અને ઉમળકા સાથે ભેટયા હતા. મોદી અને પુતિને ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મોદી અને પુતિને સોચીમાં બ્લેક સીમાં યોટની સફર માણી હતી. મોદીએ રશિયામાં રોકાણ દરમિયાન કેટલાંક પ્રાચીન સ્મારકોની પણ મુલાકાત લીધી હતી.
મોદી રશિયાના સીરિયસ એજ્યુકેશનલ સેન્ટર પણ ગયા. અહીં, આર્ટ, સ્પોર્ટ્સ અને નેચરલ સાયન્સથી લઈને ટેકનિકલ ક્રિએટીવીટી પર વિશેષ કામ કરવામાં આવે છે. આ કામ કરવા માટે ૧૦૦ શિક્ષક અને કોચ કાર્યરત છે. દર મહિને અહીં ૬૦૦ બાળકો પહોંચે છે, જે ૧૦થી ૧૭ વર્ષની વયના હોય છે. રસના વિષયનું શિક્ષણ અપાય છે.
‘ફીફા’ વર્લ્ડ કપ ૨૦૧૮નું આયોજન કરવા બદલ મોદીએ પુતિનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
મોદીના પુતિનને અભિનંદન
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પુતિન ભારતના અને મારા વ્યક્તિગત મિત્ર છે. ભારે બહુમતીથી ચોથી વખત રશિયાના પ્રમુખપદે ચૂંટાવા બદલ મોદીએ તેમને ભારતવાસીઓ વતી તેમને અભિનંદન આપ્યા હતા. મોદીએ પુતિનને કહ્યું કે, મેં આપને ફોન પર તો અભિનંદન આપ્યાં જ હતાં, પણ આજે રૂબરૂ મળીને આપને અભિનંદન આપવાની તક મળી છે. ૧૨૫ કરોડ ભારતીયો વતી આપને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
મોદીએ કહ્યું વર્ષ ૨૦૦૧માં રશિયાનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે. પહેલી વખત રશિયાના પ્રમુખ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. પુતિનની ભારતમુલાકાતને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે તે વેળા તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. ભારતના લોકો આજે પણ તમને યાદ કરે છે. આપ ૧૮ વર્ષથી અમારી નિકટ છો. ભારત અને રશિયા ખૂબ જ જૂના મિત્ર છે. આપણો સંબંધ અતૂટ છે.
મોદીએ કહ્યું કે વાજપેયીજીએ બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપવાનો અને વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો ચણ્યો હતો. ભારત અને રશિયા વચ્ચેનો સહયોગ હવે વિશેષાધિકાર ધરાવતી વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચ્યો છે.
રશિયા-ભારતનો નવો કોરિડોર
એક તરફ ચીન તેનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા એશિયા, આફ્રિકા અને યુરોપમાં તેનો વેપાર વધારવા માગે છે ત્યારે આ પ્રોજેક્ટ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી ભારત તેનો વિરોધ કરી રહ્યો છે. ચીનના આ પડકારને જવાબ આપવા ભારત અને રશિયા તેમજ અન્ય દેશો સાથે મળીને ૭,૨૦૦ કિલોમીટર લાંબો ઇન્ટરનેશનલ નોર્થસાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવી રહ્યા છે. આ કોરિડોરમાં જહાજો, રેલવે અને રસ્તા માર્ગે મલ્ટિ-મોડ નેટવર્ક સ્થાપવામાં આવશે.
મોદીએ કહ્યું કે ભારત-રશિયા ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) અને ‘બ્રિક્સ’ પર એક સાથે મળીને કામ કરી રહ્યા છે. મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ અપાવવામાં ભારતની મહત્ત્વપૂર્ણ મદદ બદલ રશિયાનો આભાર વ્યક્ત કર્યો. આઠ રાષ્ટ્રોના આ સંગઠનનો આશય સભ્ય દેશોમાં સૈન્ય અને આર્થિક સહયોગ વધારવાનો છે. ભારત અને પાકિસ્તાનનો તેમાં ગત વર્ષે સમાવેશ કરાયો હતો.
અટવાયેલા શસ્ત્રસોદા વિશે ચર્ચા
અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો હાલ તણાવભર્યા છે. ખાસ તો બન્ને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢયા પછી સંબંધો વણસ્યા છે. આના પગલે અમેરિકાએ રશિયા પર કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. બીજી તરફ, અમેરિકાએ રશિયાની હથિયારો બનાવતી સરકારી કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે મોદીનો રશિયાપ્રવાસ સૂચક છે. આવા સંજોગોમાં ભારત અને રશિયા વચ્ચેનો રૂ. ૩૯,૮૨૨ કરોડના શસ્ત્રસોદા પણ અટવાય તેવી સંભાવના છે. મોદીએ આ મામલે પણ પુતિન સાથે ચર્ચા કર્યાનું મનાય છે.
ભારત માટે રશિયાનું આગવું મહત્ત્વ
ભારત માટે અમેરિકા, બ્રિટન તેમજ અન્ય દેશોની જેમ રશિયા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. બંને દેશો વચ્ચેના સંબંધો વર્ષોથી ગાઢ છે જ પણ સંરક્ષણ અને લશ્કરી ભાગીદારી, રશિયાનો પાકિસ્તાન તરફ વધતો ઝોક, આર્થિક સહયોગ અને પરમાણુ ઊર્જા તેમજ સ્પેસ એનર્જીના સંદર્ભમાં ભારત માટે રશિયા ઘણું મહત્ત્વનું સહયોગી છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર ૨૦૧૬માં ૭.૭૧ બિલિયન ડોલર હતો, જે ૨૦૨૫ સુધીમાં વધારીને ૩૦ બિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક છે.
વાટાઘાટોના માહોલ માટે...
હકીકતમાં, આ પ્રકારની અનૌપચારિક વાટાઘાટો કોઈ સંધિ કે સમજૂતીનો ભાગ નથી બનતી, પરંતુ આ પ્રકારની વાતચીતથી ભાવિ મંત્રણા માટેનો એક વ્યાપક આધાર તૈયાર થાય છે. હકીકતમાં લાંબા સમયથી ભારત અને રશિયા અગાઉ જેવા ગાઢ સંપર્કમાં નથી. મોદીએ સંતુલન જાળવવા માટે પ્રતિનિધિમંડળ સાથે જવાના બદલે અનૌપચારિક વાટાઘાટો કરવાનું વધુ યોગ્ય લાગ્યું છે. તેમાં મુદ્દા નિશ્ચિત હોતા નથી.
૧૮ વર્ષથી શિખર વાટાઘાટો
રશિયાનો સૌથી મોટો શસ્ત્ર ખરીદદાર દેશ ભારત છે. તે પોતાની જરૂરિયાતનાં ૬૮ ટકા હથિયાર રશિયા પાસેથી લે છે. આ જ કારણ છે કે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત રહી છે. બન્ને દેશો ૧૮ વર્ષથી શિખર વાટાઘાટો થતી રહી છે. તેની શરૂઆત ૨૦૦૦માં નવી દિલ્હીમાં રશિયાના પ્રમુખ પુતિનના પહેલા પ્રવાસથી થઈ હતી.
૨૪ દિવસમાં બીજી વખત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ રાષ્ટ્રાધ્યક્ષ સાથેની આ બીજી અનૌપચારિક વાટાઘાટો છે. ૨૪ દિવસ પહેલાં મોદી બે દિવસના ચીનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે પ્રમુખ શી જિનપિંગ સાથે પહેલી અનૌપચારિક વાટાઘાટો કરી હતી.