નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે પાટનગર દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંત્રણાઓ બાદ ભારત-રશિયાએ મિસાઇલ સોદા ઉપરાંત આર્થિક વિકાસ, અવકાશી મિશન, રેલવે, ન્યુક્લિયર, ટ્રાન્સપોર્ટ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખાતર ઉત્પાદન સહિતનાં ક્ષેત્રે સહકાર ક્ષેત્રે આઠ કરાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મિસાઇલ કરાર થશે તો ભારત સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભારત રશિયા પાસેથી જે એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ મેળવવાનું છે તે એસ-૩૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમની સુધારેલી આવૃત્તિ છે. રશિયાની આલ્માઝ-એન્ટે કંપની દ્વારા નિર્મિત આ મિસાઇલ સિસ્ટમ રશિયાની સેનામાં ૨૦૦૭થી કાર્યરત છે. આ સિસ્ટમ વિવિધ પ્રકારનાં સુપર સોનિક અને હાઇપર સોનિક મિસાઇલ ઉપરાંત ૧૦૦થી ૩૦૦ જેટલાં લક્ષ્યાંક એક સાથે ટ્રેક કરી શકે તેવી લોંગ રેન્જ રડાર સિસ્ટમ ધરાવે છે. આ સિસ્ટમ ૪૦૦ કિલોમીટર દૂર રહેલા દુશ્મનનાં મિસાઇલ અને યુદ્ધવિમાનને ભેદી નાખવાની ક્ષમતા ધરાવે છે.
દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક ૩૦ બિલિયન ડોલર: પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બાદમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમે ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૫ સુધીમાં ૩૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવા માગીએ છીએ. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બર ૨૦૧૯માં યોજાનારી બિઝનેસ સમિટમાં આવવાનું આમંત્રણ આપું છું.
રશિયા વ્યૂહાત્મક ભાગીદાર દેશ: વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રશિયા ભારતનો વિશેષાધિકાર ધરાવતો વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે. ભારત રશિયા સાથેના સંબંધોને હંમેશા ટોચની પ્રાથમિકતા આપે છે. રશિયા હંમેશાં ભારતની પડખે રહ્યો છે. બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ અને સુદૃઢ બનશે.
અમેરિકાની અકડાઇ ઢીલી પડી
ભારત અને રશિયા વચ્ચેના મિસાઇલ સોદા પછી અમેરિકાએ સાવચેતીભર્યું વલણ દાખવતાં જણાવ્યું હતું કે, અમે રશિયા પર પ્રતિબંધ લાદવા માગીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે તેને કારણે અમારા સાથીદેશોની લશ્કરી ક્ષમતાઓ પર અસર પડે.
ભારત ઈરાન પાસેથી ક્રૂડ પણ ખરીદશે
ભારતે મિસાઇલ કરાર ઉપરાંત જાહેર કર્યું છે કે અમેરિકાના પ્રતિબંધ અમલમાં આવે તે પછી પણ તે ઈરાન પાસેથી ક્રૂડની આયાત ચાલુ રાખશે. ભારતની ઓઇલ કંપનીઓએ ઇરાન પાસેથી ૧.૨૫ મિલિયન ટન ક્રૂડની આયાતનો કરાર કર્યો છે અને તેની ચુકવણી રૂપિયામાં કરવાની તૈયારી ચાલી રહી છે.