પણજીઃ દસકાઓ જૂના મિત્ર દેશો ભારત અને રશિયાએ વિવિધ ક્ષેત્રે સહયોગ સાધવા ૧૯ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનું કુલ મૂલ્ય ૬૦ હજાર કરોડ રૂપિયા છે. પાંચ દેશોના સમૂહ ‘બ્રિક્સ’ સમિટની સમાંતરે યોજાયેલી દ્વિ-પક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ઉપસ્થિતિમાં બન્ને દેશના ટોચના અધિકારીઓએ કરારો કર્યા હતા.
આ સમજૂતી કરારો બાદ જારી એક સંયુક્ત નિવેદનમાં વડા પ્રધાન મોદીએ રશિયાની પ્રશંસા કરતા કહ્યું હતું કે બે નવા મિત્રો કરતા એક જુનો મિત્ર વધુ સારો. આમ કહીને મોદીએ રશિયાને ભારતનો સૌથી જૂનો સાથી દેશ ગણાવ્યો હતો.
૧૫ ઓક્ટોબરે થયેલા આ દ્વિપક્ષીય કરારો અનુસાર, ભારત રશિયા પાસેથી ૪૦૦ કિલોમીટર વિસ્તારમાં દુશ્મનના હુમલાને રોકવામાં સક્ષમ મિસાઇલ સિસ્ટમ મેળવશે. જો દુશ્મન દેશ તરફથી કોઇ મિસાઇલ હુમલો થાય તો તેને ૪૦૦ કિમી અગાઉ જ તોડી પાડવામાં આ સિસ્ટમ સક્ષમ છે, જે એસ-૪૦૦ ટ્રાયમ્ફ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત હેલિકોપ્ટરના ઉત્પાદન માટે પણ રશિયા ભારતને સહાય કરશે. હરિયાણા અને આંધ્ર પ્રદેશમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પણ રશિયાએ મૂડીરોકાણ કરવામાં રસ દાખવ્યો છે.
રશિયા સાથે સૌથી વધુ સંરક્ષણ સોદા થતા ભારતની સૈન્ય તાકાત વધશે જેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. મોદીએ તેમના સંબોધનની શરૂઆત અને અંત રશિયન ભાષામાં કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે બન્ને દેશો સંરક્ષણ ક્ષેત્રે એકબીજાની સાથે મળીને કામ કરશે જ્યારે રશિયા ભારતને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટમાં મદદ કરશે. આતંકવાદ મુદ્દે પણ બન્ને દેશો સાથે ખભેખભો મીલાવીને કામ કરશે.
આ સમયે પુતિને કહ્યું કે બન્ને દેશોની કંપનીઓ સૈન્ય, ઔદ્યોગિક સહયોગ અને ટેક્નોલોજીને સુધારવાના ક્ષેત્રે સાથે મળીને કામ કરશે. આ પહેલા પુતિન જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓનું સ્વાગત મોદીએ ટ્વિટર પર કર્યું હતું.
વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશો
• બે નવા મિત્રો કરતા રશિયા જેવો જુનો મિત્ર વધુ સારો • સરહદી આતંકવાદ સમગ્ર પ્રાંત માટે ખતરાસમાન • કેએ૨૨૬ટી હેલિકોપ્ટર્સ અને ફાઇટર જેટ્સની ખરીદી ભારત માટે નવો અધ્યાય • રશિયા ભારતને મેક ઇન ઇન્ડિયામાં સાથ આપશે • આતંકના ખાત્મા માટે બન્ને દેશો ખભેખભો મિલાવીને કામ કરશે • ભારતની કંપનીઓએ રશિયન ઓઇલ-ગેસ કંપનીઓમાં ૫.૫ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે
• બન્ને દેશો વચ્ચે ગેસ પાઇપલાઇન માટે વિચારણા ચાલે છે • ભારત અને રશિયા વચ્ચે એનર્જી બ્રિજ સ્થપાશે
ભારત-રશિયા કરારોની મુખ્ય બાબતો
• બન્ને દેશો વચ્ચે ઇન્ટરનેટ સુરક્ષા મામલે એક કરાર થયો • રશિયા ભારતને અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ અને કેએ૨૨૬ટી હેલિકોપ્ટર સપ્લાય કરશે • કુડનકુલમ્ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ મામલે બન્ને દેશોએ હાથ મિલાવ્યા • સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રશિયા મૂડીરોકાણ કરશે • એસ્સાર ઓઇલ કંપનીના આશરે ૯૮ ટકા શેર રશિયન કંપની ખરીદશે • ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક સિસ્ટમ પર કામ કરાશે • ભારત-રશિયન રેલવે માટે એમઓયુ, ઇસરો માટે દ્વિપક્ષીય કરાર