ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓ દ્વારા વિદેશોમાં હિન્દુ ધાર્મિક સ્થાનો પર શરમજનક હુમલા

ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ મંદિરોને લક્ષ્યાંક બનાવવાની ઘટનાઓમાં તોતિંગ વધારો, ભારતમાં ખાલિસ્તાનની રચનાના હિમાયતીઓ વિદેશોમાં વસતા હિન્દુ સમુદાયને ધમકાવીને ભયનું વાતાવરણ સર્જી રહ્યાં છે

Tuesday 21st February 2023 12:54 EST
 
 

લંડન

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને અમેરિકામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાનીવાદીઓના હુમલાના સમાચારો આવી રહ્યાં છે. 2023ના પ્રારંભથી જ કેનેડામાં સંખ્યાબંધ હિન્દુ મંદિરોમાં તોડફોડ, સૂત્રો ચીતરવા, લૂટફાટની 6 થી વધુ ઘટના સામે આવી છે. જાન્યુઆરીના પ્રારંભથી ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની તત્વો દ્વારા ભારત અને હિન્દુ વિરોધી નારાઓ લખવામાં આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં શિવમંદિર, સ્વામીનારાયણ મંદિર અને ઇસ્કોન મંદિરને ખાલિસ્તાની તત્વો દ્વારા લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. મંદિરો ખાતે ખાલિસ્તાન તરફી નારાઓ ચીતરવાની સાથે એવી ધમકીઓ આપવામાં આવી હતી કે જો ખાલિસ્તાન તરફી નારા નહીં લગાવો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ માથું ઉંચક્યું છે. ભારતના પંજાબમાં કારી ન ફાવતાં હવે તેમણે કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકા સહિતના દેશોમાં ઉધામા મચાવવાનું શરૂ કર્યું છે. દુનિયાનું ધ્યાન પોતાની ખાલિસ્તાનની ચળવળ પ્રત્યે દોરવા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હવે વિદેશોમાં વસતા ભારતીયો અને વિશેષ કરીને હિન્દુઓને નિશાન બનાવી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયા હિન્દુ એસોસિએશને વિક્ટોરિયાના પોલીસ મિનિસ્ટરને પત્ર લખીને ખાલિસ્તાની તત્વો દ્વારા આચરાતા હિન્દુઓ પ્રત્યેના ધિક્કારના અપરાધોની તપાસ કરાવવાની માગ કરી છે. સંગઠને ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની તત્વો દ્વારા વધી રહેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને જણાવ્યું છે કે આ હુમલા ખાલિસ્તાન રેફરન્ડમના સંદર્ભમાં થઇ રહ્યાં છે. 12મી જાન્યુઆરીના રોજ મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો કરાયો. આવો જ હુમલો સપ્ટેમ્બર 2022માં કેનેડાના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર કરાયો હતો. 15મી જાન્યુઆરી 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના કેર્રુમ ડાઉન્સ ખાતે આવેલા શ્રી શિવ વિષ્ણુ મંદિર પર ખાલિસ્તાની તત્વો દ્વારા હુમલો કરાયો હતો. 23મી જાન્યુઆરી 2023ના રોજ આલ્બર્ટ પાર્ક ખાતેના ઇસ્કોન હિન્દુ મંદિરને ખાલિસ્તાની તત્વોએ નિશાન બનાવ્યું હતું.

ફેબ્રુઆરી મહિનામાં કેનેડાના મિસિસાગા શહેરમાં આવેલા રામમંદિરની દિવાલો પર ખાલિસ્તાની તત્વો દ્વારા ભારત વિરોધી નારા ચીતરાતા ભારતીય સમુદાયમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ટોરોન્ટો ખાતે આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, અમે મિસિસાગામાં આવેલા રામમંદિર પર ભારત વિરોધી નારાને વખોડી કાઢીએ છીએ. અમે આ મામલામાં તપાસ કરી અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા કેનેડાની સરકારને અપીલ કરીએ છીએ.

જાન્યુઆરીના પ્રારંભથી જ કેનેડામાં પણ હિન્દુ મંદિરો પર સતત હુમલા થઇ રહ્યાં છે. ગયા સપ્તાહમાં ફરી એકવાર મિસિસાગાના રામમંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. તેના એક દિવસ પહેલા બ્રેમ્પટનમાં આવેલા ભારત માતા મંદિરમાં ચોરી કરાઇ હતી અને ચોરો દાનપેટીઓ સાથે નાસી છૂટ્યા હતા. જાન્યુઆરીમાં બ્રેમ્પટન ખાતે આવેલા ગૌરી શંકર મંદિર ખાતે ભારત વિરોધી સૂત્રો ચીતરવામાં આવ્યાં હતાં. 15મી જાન્યુઆરીના રોજ બ્રેમ્પટનમાં આવેલા હનુમાન દિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્રા આર્યએ જણાવ્યું હતું કે, હિન્દુ વિરોધી અને ભારત વિરોધી જૂથો દ્વારા હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યા છે. પહેલા સોશિયલ મીડિયા પર હિન્દુ અને ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવવામાં આવતો હતો અને હવે હિન્દુ મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. હવે પછી શું થશે તે અમે જાણતા નથી.

આર્યએ કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે, કેનેડામાં હિન્દુઓ પ્રત્યેના ધિક્કારમાં થઇ રહેલા વધારાથી દુઃખ અનુભવી રહ્યો છું. સરકારે હિન્દુઓ વિરુદ્ધા હેટ ક્રાઇમને અટકાવવા જોઇએ.

બ્રેમ્પટનના ગૌરી શંકર મંદિરના સ્થાપક અને પૂજારીએ ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ એવા ભારતીયોના પાસપોર્ટ રદ કરી નાખવા જોઇએ. બ્રેમ્પટનમાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરતા ધીરેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીય હિન્દુ સમુદાયમાં ભયની લાગણી ફેલાવવામાં આવી રહી છે. હિન્દુ સમુદાય જાણતો નથી કે ખાલિસ્તાનવાદીઓનો નવો હુમલો કેવા પ્રકારનો હશે.

કેનેડા અને અમેરિકામાં હિન્દુ એક્ટિવિસ્ટોએ હવે હિન્દુઓ પ્રત્યેની આ ધિક્કારની લાગણી સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમના મત પ્રમાણે હિન્દુફોબિયા ઉગ્ર અને વ્યાપક બની રહ્યો છે. હિન્દુફોબિયા એક મોટી સમસ્યા બની રહ્યો છે અને તેની સામે લડવા માનવ અધિકારો દ્વારા હિન્દુઓને સંરક્ષણ અપાવું જોઇએ. જોકે ટીકાકારો એમ પણ કહે છે કે ભારતની હાલની સરકાર અને તેના હિન્દુ રાષ્ટ્રવાદના એજન્ડાની ટીકાથી ધ્યાન અન્યત્ર દોરવા માટે હિન્દુફોબિયાનો રાજકીય ઉપયોગ થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter