નવી દિલ્હીઃ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સોમવારે મહત્ત્વનાં આઠ કરાર પર સમજૂતી કરાઇ હતી, જેમાં 50 બિલિયન ડોલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપભેર કરવાનો પણ સમાવેશ થાય છે. વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનું નિર્માણ મહારાષ્ટ્રમાં થવાનું છે. બંને દેશોએ સહયોગ માટે ઊર્જા, સંરક્ષણ, સેમિકંડક્ટર અને અંતરિક્ષ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચેની સોમવારની વાટાઘાટમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની પહેલી બેઠકમાં બંને પક્ષ તેમના હાઇડ્રોકાર્બન્સના સંબંધોની વર્તમાન સ્થિતિને ‘વ્યાપક ઊર્જા ભાગીદારી’માં રૂપાંતરિત કરવા સંમત થયા હતા.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયના સેક્રેટરી (ભારતીય બાબતો) ઔસફ સઇદે જણાવ્યું હતું કે, ‘બંને દેશે વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટના વહેલા અમલ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. પ્રોજેક્ટ અરામ્કો, ADNOC અને ભારતીય કંપનીઓ વચ્ચેના ત્રિપક્ષીય સહયોગથી આકાર લઈ રહ્યો છે. બંને નેતાએ પરસ્પર સહયોગ માટે ઊર્જા, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થકેર, ટુરિઝમ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોને અલગ તારવ્યા છે. તેમણે સંભવિત સહયોગ માટે પાવર ગ્રિડ, ગેસ ગ્રિડ, ઓપ્ટિકલ ગ્રિડ અને ફાઇબર નેટવર્ક્સ મુદ્દે પણ ચર્ચા કરી છે.’ જી-20 સમિટની પૂર્ણાહૂતી પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન સલમાન ભારતની એક દિવસની સત્તાવાર મુલાકાતે છે. અગાઉ ઓક્ટોબર 2019માં વડાપ્રધાન મોદી અને બિન સલમાને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ’ની સંયુક્ત અધ્યક્ષતા કરી હતી.
ગિફ્ટ સિટીમાં સોવરેન વેલ્થ ફંડની ઓફિસ
સાઉદી અરેબિયા ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી (‘ગિફ્ટ’)માં તેનાં સોવરેન વેલ્થ ફંડની ઓફિસ સ્થાપવા વિચારી રહ્યું છે. સાઉદીના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ખાલિદ એ અલ ફાલિહે કહ્યું હતું કે આગામી સપ્તાહોમાં તેઓ તકો ચકાસવા માટે ગિફ્ટ સિટીમાં એક ટોચનું પ્રતિનિધિ મંડળ મોકલશે. તેમણે ઉમેર્યું હતું કે, ‘હું ખાતરી આપું છું કે અમે રોકાણ સરળ બનાવવા ભારતમાં ઓફિસ ખોલીશું.’ ગિફ્ટ સિટી ઉપરાંત મુંબઇ કે દિલ્હી જેવા અન્ય સ્થળો પર પણ પસંદગી ઉતારી શકાય છે.