નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સામેના જંગમાં ભારતે ઇતિહાસ સર્જ્યો છે. ૧૩૦ કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા દેશમાં માત્ર નવ મહિનામાં ૧૦૦ કરોડથી વધુને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે આ ૧૦૦ કરોડ ડોઝ તાળી અને થાળી પર સવાલ કરનારાને જવાબ છે.
ભારતે ૨૧ ઓક્ટોબરના રોજ આ સીમાચિહ્નરૂપ પડાવ પાર કર્યો હતો. આ દિવસે દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૦૦ કરોડ, ૫૯ લાખ, ૯૯ હજાર, ૨૮૬ ડોઝ થયો હતો. ગત ૧૬ જાન્યુઆરીના રોજ દેશમાં રસીકરણનો પ્રારંભ થયાના ૨૭૯ દિવસ બાદ ભારત ૧૦૦ કરોડના મુકામે પહોંચ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં રસીલાયક પુખ્તવયના ૭૫ ટકાને પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે ૩૧ ટકાને બન્ને ડોઝ મળી ચૂક્યાં છે.
ભારતે ૧૦૦ કરોડ રસીકરણની સિદ્ધિ મેળવ્યા બાદ દેશભરમાં ઉજવણી થઈ હતી. વડા પ્રધાને દિલ્હીસ્થિત રામમનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લઈને હેલ્થ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ ઉપલબ્ધિ ભારતીય વિજ્ઞાન અને ૧૩૦ કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત છે. આપણા ડોક્ટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદગાર દરેકનો આભાર.
વિશ્વના દેશોમાં વસતીના આંકડા મુજબ જોઈએ તો ૮૭.૨૬ ટકાને બન્ને ડોઝ આપીને યુએઈ મોખરે છે. બીજી તરફ, દેશમાં રિકવરી રેટ વધીને ૯૮.૧૫ ટકા થઈ ગયો છે, જે માર્ચ ૨૦૨૦ પછીનો સર્વોચ્ચ છે.
ગુજરાતનો હિસ્સો ૬.૮ ટકા
ગુજરાતના રસીકરણ અભિયાનમાં ૨૭૯ દિવસમાં ૧૮ વર્ષથી મોટા લોકોની ૯૦ ટકા વસતીને પહેલો ડોઝ અપાઇ ગયો છે જ્યારે ૪૮ ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. રાજ્યના ૩ કોર્પોરેશન, ૫ જિલ્લા, ૫૩ તાલુકા અને ૧૫,૬૪૭ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. કુલ ૧૮,૨૧૫ ગામોમાંથી ૧૫,૬૪૭ એટલે કે ૮૬ ટકા ગામોમાં ૧૦૦ ટકાને પહેલો ડોઝ અપાઇ ગયો છે. દેશના કુલ રસીકરણમાં ગુજરાતનો હિસ્સો ૬.૮ ટકા છે. જૂનાગઢ, સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં પહેલા ડોઝ માટે ૧૦૦ ટકા જ્યારે અમદાવાદ અને રાજકોટમાં ૯૯ ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે. ૧૦ જિલ્લાઓમાં ૯૦ ટકાથી વધુ રસીકરણ થયું છે.
ગુજરાતમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોની કુલ સંખ્યા સરકારી ચોપડે ૪,૯૩,૨૦,૯૦૩ કરોડ છે. જેમાંથી ૨૧ ઓક્ટોબરે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૪,૪૨,૩૦,૧૯૧ લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. મતલબ કે પહેલા ડોઝમાં હવે ૫૦,૯૦,૭૧૨ લોકો અર્થાત ૧૦.૩૨ ટકા લોકો બાકી રહે છે. જ્યારે ૨,૩૭,૭૦,૭૭૯ લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે, યાને ૨,૫૦૦,૫૦,૧૨૪ લોકો એટલે કે ૫૧.૮૦ ટકાને હવે બીજો ડોઝ બાકી રહે છે.
સિદ્ધિ ન્યૂ ઇન્ડિયાનું પ્રતીકઃ વડા પ્રધાન
ભારતમાં ૨૧ ઓક્ટોબરે કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝનું સિમાચિહ્ન હાંસલ થયાના એક દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, ૧૦૦ કરોડ ફક્ત આંકડો નથી. પરંતુ ભારતની ક્ષમતાનું પ્રતિબિંબ અને ન્યૂ ઇન્ડિયાનું પ્રતીક છે. ભારત માટે આ એક નવો અધ્યાય છે. આ સિદ્ધિએ ભારતના ટીકાકારોનાં મોં સીવી લીધાં છે. દરેક જણ સવાલ કરી રહ્યો હતો કે શું ભારત આ લક્ષ્યાંક પાર પાડી શકશે? કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝ ભારતની ક્ષમતા પર ઉઠાવાયેલા તમામ સવાલોનો જવાબ છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક એમ કહેતા હતા કે તાળી અને થાળી વાયરસને નાબૂદ કરવામાં કેવી રીતે મદદ કરશે? પરંતુ તાળી અને થાળી જનભાગીદારી અને ક્ષમતાનું પ્રતિબિંબ હતું. ભારતનો કોરોના રસીકરણ કાર્યક્રમ કેન્દ્રમાં છે. દેશનો એક જ મંત્ર હતો કે જો કોરોના મહામારી કોઈની સાથે ભેદભાવ કરતી નથી તો રસીકરણમાં ભેદભાવ થઈ શકે નહીં. આથી અમે રસીકરણમાંથી વીઆઈપી કલ્ચરની બાદબાકી કરી નાખી હતી.
દેશમાં આવી રહેલા તહેવારોના દિવસોના સંદર્ભમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે સંપૂર્ણ સાવધાની સાથે તહેવારોની ઉજવણી કરજો. માસ્ક પહેરીને જ ગમે ત્યાં જાવ. જેમ આપણને જૂતાં પહેર્યા વિના બહાર જવાની આદત નથી તેવી જ રીતે માસ્ક પહેરવાની આદત પાડો.
અર્થતંત્રમાં ચેતનાનો સંચાર
વડા પ્રધાને જણાવ્યું હતું કે, કોરોના રસીના કવચ સાથે દેશનું અર્થતંત્ર વેગવંતુ થઇ રહ્યું છે. વિશ્વભરના નિષ્ણાતો ભારતના અર્થતંત્ર માટે હકારાત્મક છે. દેશની કંપનીઓમાં વિક્રમજનક મૂડીરોકાણ આવી રહ્યું છે. યુવાઓ અને રોજગારીની નવી તકો સર્જાઈ રહી છે. દેશના દરેક સેક્ટરમાં હકારાત્મક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે. દેશના કૃષિ ક્ષેત્રએ અર્થતંત્રને વેગવંતું રાખ્યું છે. દેશમાં અનાજનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે. ઊપજના નાણાં સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા થઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની રહ્યાં છે. હાઉસિંગ સેક્ટરમાં પણ નવી ઊર્જા આવી છે. તાજેતરમાં કરાયેલા આર્થિક સુધારા અર્થતંત્રમાં તેજી લાવશે.
મેડ ઈન ઇન્ડિયા અપનાવો
વડા પ્રધાને જણાવ્યું હતું કે, દરેક નાગરિક અનુભવી રહ્યો છે કે મેડ ઇન ઇન્ડિયામાં ઘણી શક્તિ છે. હું ફરી એક વખત કહેવા માગું છું કે ભારતીયનો પરસેવો વહ્યો હોય તેવી નાનામાં નાની ચીજની ખરીદી કરવી જોઈએ. દિવાળીના તહેવારોમાં હું મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ કરું છું. આપણે વોકલ ફોર લોકલને વ્યવહારમાં મૂકવું જ પડશે. મને વિશ્વાસ છે કે સહિયારા પ્રયાસથી આપણે સફળ થઈશું. ગઈ દિવાળીમાં દરેક નાગરિક તણાવમાં હતો પરંતુ આ વખતે વોક્સિનના કારણે આત્મવિશ્વાસ આવી ગયો છે. દિવાળીમાં સૌથી વધુ ખરીદી થાય છે. આ દિવાળી આપણા ફેરિયા ભાઈઓ માટે આશાનું નવું કિરણ લઈને આવી છે.