મુંબઇઃ દિગ્ગજ ઉદ્યોગપતિ, દરિયાદિલ દાતા, માનવતાના મશાલચી અને આ બધાથી પણ વિશેષ એવા ઉમદા ઇન્સાન રતન ટાટાની ચિરવિદાયથી ભારત રાંક બન્યું છે. ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ અને મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ ધરાવતા 86 વર્ષના રતન ટાટાને વય સંબંધિત તકલીફોને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટસ તરીકેનું સન્માન પામેલા રતન નવલ ટાટાના નિધનથી દેશે દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ જ નહીં પરંતુ પ્રખર સખાવતી શ્રેષ્ઠી પણ ગુમાવ્યા છે.
પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણના ખિતાબથી સન્માનિત રતન ટાટાના નેતૃત્વમાં માત્ર ટાટા ગ્રૂપે જ નહીં, સમગ્ર દેશે ઓટોમોબાઈલથી માંડીને એવિએશન, હોસ્પિટાલિટીથી માંડીને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને સ્ટીલથી માંડીને સોફ્ટવેર સહિતનાં ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી હતી. હવે ટાટા ગ્રૂપનું સંચાલન કરતા ટાટા ટ્રસ્ટના ચેરમેનપદે રતન ટાટાના ઓરમાન ભાઇ નોએલ ટાટાની નિમણૂક કરાઇ છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સનાં 66 ટકા શેરનો હિસ્સો છે. જે ટાટા બ્રાન્ડની જુદી જુદી કંપનીઓની હોલ્ડિંગ કંપની છે અને 150 વર્ષ જૂની કંપની છે.
આમ ટાટા ટ્રસ્ટમાં નોએલ ટાટાની નિમણૂક મહત્ત્વની છે. દેશનાં સૌથી સન્માનિત કોર્પોરેટ માધાંતાઓમાં રતન ટાટાનું નામ ટોચ પર હતું. આ ગ્રૂપની કંપનીઓ અનેક જુદા જુદા ઉદ્યોગોનું સંચાલન કરે છે. ટાટા ગ્રૂપની સ્થાપનાનાં કેટલાક વર્ષો પછી 1892માં - રતન ટાટા અને નોએલ ટાટાનાં પરદાદા - જમશેદજી ટાટાએ ટાટા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટાટા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને આવાસ ક્ષેત્રે સક્રિય કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરી સતત વિસ્તરી રહી છે.
રતન ટાટાના સંભવિત ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટા શરૂથી જ સૌથી મજબૂત દાવેદાર હતા. નવલ ટાટાનાં બીજાં પત્ની સિમોનના પુત્ર નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. આ પારિવારિક બંધન નોએલ ટાટાને ટાટાનો વારસો મેળવવાની બાબતમાં પ્રથમ ક્રમે મૂકતું હતું. નોએલ ટાટાનાં ત્રણ સંતાનોમાં માયા, નેવિલ અને લિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંતાનો પણ ગ્રૂપની કંપનીઓમાં મહત્ત્વની જવાબદારી સંભાળી છે.