નવી દિલ્હી
ભારતીયો રાષ્ટ્રગીતનું ગાન કરે તે તો સામાન્ય બાબત છે પરંતુ કોઇ વિદેશી દ્વારા રાષ્ટ્રગીતનું ગાયન થાય ત્યારે એક અનોખી અનુભૂતિ થતી હોય છે. આઝાદી કા અમત મહોત્સવની ઉજવણી અંતર્ગત દિલ્હીમાં યોજાનારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં જાણીતી અમેરિકન સિંગર મેરી મિલબેન નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે યોજાનારા સમારોહમાં હાજર રહી રાષ્ટ્રગીતનું ગાયન કરશે. મેરી મિલબેનને ભારતમાં પોતાના આગવા અંદાજમાં ઓમ જય જગદીશ હરે અને જન ગણ મન ગાવા માટે લોકો ઓળખે છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશને જણાવ્યું છે કે મેરી મિલબેનને સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે. ભારતના સ્વતંત્રતા સમારોહમાં સામેલ થનારી મેરી મિલબેન પહેલી અમેરિકન આર્ટિસ્ટ હશે. મેરી મિલબેન આ સમારોહમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારી સત્તાવાર મહેમાન રહેશે અને પ્રથમવાર ભારતમાં પરફોર્મ કરશે. સમારોહનો પ્રારંભ મિલબેન દ્વારા ભારતના રાષ્ટ્રગીતના ગાયન સાથે થશે.
ભારત આવતાં પહેલાં મેરી મિલબેને જણાવ્યું છે કે 1959માં ડો. માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરને ભારતના સ્વતંત્રતા સમારોહમાં આમંત્રણ અપાયું હતું. મને ભારતના 75મા સ્વતંત્રતા સમારોહમાં અમેરિકાના સાંસ્કૃતિક રાજદૂત તરીકે હાજર રહેવાની તક મળી છે જેના માટે હું ગર્વ અનુભવી રહી છું. હું આ કિંમતી માતૃભૂમિનો અનુભવ કરવા, દુનિયાભરમાં ભારત અને ભારતીય સમુદાયોની સાથેના સાર્થક સંબંધોની ઉજવણી કરવા અને ભારતની આઝાદીના આ મહત્વના સમારોહમં અમેરિકા અને ભારત વચ્ચેના મહત્વના લોકતાંત્રિક ગઠબંધનને વધુ મજબૂત બનાવવા રોમાંચ અનુભવી રહી છુ. હું એક તીર્થયાત્રી તરીકે ભારત જઇ રહી છું.