નવી દિલ્હી: ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા. દેશના આધુનિક અર્થતંત્રના ઘડવૈયા મનમોહન સિંહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સાર્વજનિક સ્મશાનગૃહ નિગમબોધ ઘાટ ખાતે પરિવારના સભ્યો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિતોએ અશ્રુભિની આંખે અંતિમ વિદાય આપી હતી. પુત્રી ઉપિન્દરે મનમોહન સિંહની ચિતાને મુખાગ્નિ આપ્યો હતો. આ પહેલાં તેમને 21 તોપોની સલામી અપાઈ હતી.
ભારતમાં 1990ના દાયકામાં આર્થિક પતન સમયે સુધારાનો પાયો નાંખનારા અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અંતિમ વિદાય અપાઇ તે પૂર્વે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિવિધ પક્ષના નેતાઓએ પક્ષના રાજકારણથી ઊપર ઉઠીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને મોરેશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલ સહિત વિદેશી પ્રતિષ્ઠિતોએ પણ નિગમબોધ ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર પછી અંતિમ અરદાસ પઢવામાં આવી હતી અને શીખ પરંપરા મુજબ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ માટે અંતિમ અરદાસ અને કિર્તન ગુરુદ્વારા રકબ ગંજ ખાતે 3 જાન્યુઆરીએ થશે.
પ્રથમ શીખ અને સતત બે ટર્મ વડાપ્રધાન
આર્થિક સુધારાના આગેવાન મનમોહન સિંહને 26 ડિસેમ્બરે રાત્રે દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષના ડો. સિંહ લાંબા સમયથી અસ્વસ્થ હતા. તેઓ 2004માં દેશના 13મા વડા પ્રધાન બન્યા અને મે, 2014 સુધી આ હોદ્દા પર બે ટર્મ સુધી રહ્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબો સમય સુધી રહેલા વડા પ્રધાન હતા. પૂર્વ પીએમના નિધનની જાહેરાત થતાં કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932એ પંજાબ (અત્યારે પાકિસ્તાન)ના ચકવાલ જિલ્લાના ગૃહ ગામમાં થયો હતો. વિભાજન સમયે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેમના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રી છે.
સંસદમાં 33 વર્ષ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ
33 વર્ષ સુધી સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરનારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવદેહને શનિવારે સવારે કોંગ્રેસ મુખ્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સૌથી પહેલાં સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત પક્ષના કાર્યકરો અને જનતાએ મનમોહન સિંહના અંતિમ દર્શન કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વર્ષ 1991માં આસામથી રાજ્યસભામાં પ્રવેશનારા મનમોહન સિંહે છેક એપ્રિલ 2024 સુધી સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની છેલ્લી ઈનિંગમાં તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી શનિવારે સવારે કોંગ્રેસ મુખ્યાલયથી સ્મશાનગૃહ નિગમબોધ ઘાટ ખાતે લઈ જવાયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ડો. મનમોહન સિંહને કાંધ આપી હતી. આ સમયે કોંગ્રેસ કાર્યકરો અને જનતાએ ‘મનમોહન સિંહ અમર રહે’, ‘મનમોહન સિંહને ભારતરત્ન આપો’નો સૂત્રોચ્ચાર કર્યો હતો.