નવી દિલ્હીઃ લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ પી. સી. ઘોષના નામને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિએ લોકપાલની નિમણૂંક કરવાની સાથે સાથે જ તેમની સહાયક સમિતિ માટે જસ્ટિસ દિલીપ બી. ભોસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષાકુમારી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીની નિમણૂંક કરી છે. ન્યાયિક સમિતિની સાથે સાથે ચાર અન્ય સભ્યોની પણ એક સમિતિ બનાવાઈ છે. જેમાં દિનેશકુમાર જૈન, અછંના રામસુંદરમ્, મહેન્દ્ર સિંહ અને આઇ. પી. ગૌતમનો સમાવેશ થાય છે.
લોકપાલ સર્ચ કમિટી દ્વારા અગાઉ સંભવિત ઉમેદવારોની તૈયાર કરાયેલી યાદીમાં જસ્ટિસ પી.સી. ઘોષનું નામ અગ્રીમ હતું. લોકપાલને કાયદા અંતર્ગત વ્યાપક સત્તાઓ મળી છે. તેઓ વર્તમાન અને પૂર્વ વડા પ્રધાનો, કેન્દ્રીય નેતાઓ, સંસદસભ્યો, સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓ તથા વાર્ષિક રૂ. ૧૦ લાખ કરતાં વધુ વિદેશી યોગદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓના મહત્ત્વના હોદ્દેદારો સામે થયેલી ફરિયાદોની તપાસ કરવાની સત્તા ધરાવે છે.
ઉચ્ચ સ્તરીય સર્ચ કમિટી
લોકપાલની પસંદગી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવે છે. વડા પ્રધાન પદના અધ્યક્ષ પદ હેઠળની સમિતિમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, લોકસભાના સ્પીકર અને એક નામાંકિત વ્યક્તિની બનેલી સિલેક્શન કમિટી લોકપાલના નામને મંજૂરી આપતી હોય છે.
કોંગ્રેસની નારાજગી
લોકપાલની નિયુક્તિમાં વિરોધ પક્ષની કોઈ ભૂમિકા નહીં હોવાની દલીલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતાં વિવાદ શરૂ થયો છે. લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને લોકપાલ સિલેક્શન કમિટીમાં વિશેષ આમંત્રણ અપાયું હતું, પરંતુ તેમણે બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. ખડગેએ જણાવ્યું હતું કે, લોકપાલની પસંદગી જેવા મહત્ત્વના મામલામાં વિપક્ષનો અવાજ સાંભળવામાં આવતો નથી. એક કરતાં વધુ વખત આમંત્રણ આપવા છતાં તેમણે બેઠકમાં હાજરી ન આપતાં આખરે ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિએ ઘોષના નામને બહાલી આપી દીધી હતી.
જસ્ટિસ પી. સી. ઘોષનો પરિચય
જસ્ટિસ ઘોષ ચાર વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવ્યા બાદ મેમાં નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના કેસમાં સૂચક ચુકાદા પણ આપ્યા છે. હાલ તેઓ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી)ના સભ્ય છે. સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા જનપ્રતિનિધિઓના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવા માટે લોકપાલ એક્ટ ઘડી કઢાયાના પાંચ વર્ષ પછી હવે લોકપાલ નિયુક્ત થવા જઈ રહ્યા છે.
ઘોષના સીમાચિહનરૂપ ચુકાદા
જયલલિતા સામેના આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તેમણે જયલલિતા, શશિકલા અને તેમના સાથીઓને દોષિત જાહેર કરવાના નીચલી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો હતો. તેમણે ચુકાદો આપ્યો ત્યારે જયલલિતાનું નિધન થઈ ગયું હતું.
જસ્ટિસ રાધાકૃષ્ણન સાથેની બેંચમાં તેમણે જલ્લિકટ્ટુ અને બળદની રેસ જેવી પારંપરિક રમતોને પશુઓ વિરુદ્ધની હિંસા ગણાવીને પ્રતિબંધ મૂક્યો હતો.
અયોધ્યામાં વિવાદિત મસ્જિદ તોડી પાડવાના કેસમાં તેમણે જસ્ટિસ રોહિંગ્ટન નરીમાન સાથે બેંચમાં ફરજ બજાવી હતી. તેમણે નીચલી અદાલતને ભાજપના નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને અન્ય નેતાઓ સામે અપરાધિક કાવતરાની કલમ ઉમેરવાનો આદેશ આપ્યો હતો.