ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ બનતા વેન્કૈયા નાયડુ

Wednesday 09th August 2017 07:07 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએના ઉમેદવાર વેન્કૈયા નાયડુએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષના સંયુક્ત ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને ૨૭૨ મતની જંગી સરસાઈથી પરાજય આપ્યો છે. શનિવાર - પાંચમી ઓગસ્ટે થયેલા મતદાનમાં નાયડુને ૫૧૬ અને ગોપાલકૃષ્ણ ગાંધીને ૨૪૪ મત મળ્યા હતા. નાયડુ શુક્રવાર - ૧૧ ઓગસ્ટે દેશના ૧૫મા ઉપરાષ્ટ્રપતિપદ તરીકે શપથ લેશે. તેઓ સતત બે ટર્મથી ઉપરાષ્ટ્રપતિ રહેલા હામિદ અન્સારીના અનુગામી બનશે. અન્સારીનો કાર્યકાળ ૧૦મી ઓગસ્ટે સમાપ્ત થઇ રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં શનિવારે સંસદ ભવન ખાતે યોજાયેલા મતદાનમાં લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૮૫ સાંસદમાંથી ૭૭૧ સાંસદોએ ભાગ લેતાં કુલ ૯૮.૨૧ ટકા મતદાન નોંધાયું હતું. ૧૪ સાંસદો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિધાનસભ્યો મતદાન કરતા નથી.

ભાજપનો દબદબો

નાયડુના વિજય સાથે જ દેશના ચાર સર્વોચ્ચ બંધારણીય હોદ્દાઓ પર ભાજપનો દબદબો થઇ ગયો છે. રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ), ઉપરાષ્ટ્રપતિ (વેન્કૈયા નાયડુ), વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન પર એક સાથે ભાજપના નેતાઓ બિરાજમાન થયા છે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હોય છે. આ સાથે રાયસિના હિલ્સથી સંસદ સુધી ટોચના હોદ્દાઓ પર કેસરિયો લહેરાયો છે.

ઉપરાષ્ટ્રપતિ બનવું ગર્વસમાન: વેન્કૈયા

ચૂંટાયા પછી નાયડુએ વડા પ્રધાન અને તેમને સહયોગ તથા મત આપનાર તમામ પક્ષનાં નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિપદનો ઉપયોગ હું રાષ્ટ્રપતિનાં હાથ મજબૂત કરવા માટે તેમજ ઉપલા ગૃહ (રાજ્યસભા)ની ગરિમા જાળવવા માટે કરીશ. જે સાંસદોએ પક્ષની વિચારધારાને કોરાણે મુકીને મને મત આપ્યો છે તે તમામનો હું આભાર વ્યક્ત કરું છું. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી દેશનાં ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું તે મારા માટે ગૌરવપ્રદ છે. આ આપણી લોકશાહીની ગરિમા અને મજબૂતીનું પ્રતીક છે.

લોકશાહી મૂલ્યો જાળવવા લડયો: ગોપાલકૃષ્ણ

વિપક્ષનાં સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને પરાજય વહોરનાર ગોપાલકૃષ્ણ ગાંધીએ નાયડુને શુભેચ્છાઓ પાઠવી હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ તથા મહાત્મા ગાંધીના પૌત્રે કહ્યું હતું કે જે લોકપ્રતિનિધિઓએ મને મત આપ્યા છે તે સૌનો અત્યંત આભારી છું. વિપક્ષી એકતા જોઈને મને સૌથી વધુ સંતોષ થયો છે. તેમણે કહ્યું હતું કે કોઈ પક્ષ કે વ્યક્તિ સામે લડવા નહીં પણ લોકશાહી મૂલ્યો જાળવવા તેમજ વિચારધારાનાં જતન માટે આ ચૂંટણી લડયા હતા.

વિપક્ષનું સમર્થન છતાં...

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રામનાથ કોવિંદને સમર્થન આપનારા વિપક્ષોએ ગાંધીને સમર્થન આપ્યું હતું. જનતા દળ (યુ)એ ગાંધીને સમર્થનની જાહેરાત પહેલેથી કરી દીધી હતી. આ ઉપરાંત બીજુ જનતા દળ (બીજેડી) અને આમ આદમી પાર્ટીએ પણ ગાંધીને સમર્થન જાહેર કર્યું હતું. ગાંધીને કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઇ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, ડીએમકે અને રાજદ સહિતની ૧૮ વિપક્ષે સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. જોકે આમ છતાં વિપક્ષ નાયડુને જંગી સરસાઇ સાથે વિજયી થતાં અટકાવી શક્યો નહોતો.

મતદાનમાં મોદી પહેલા

શનિવારે સવારે ૧૦ કલાકે મતદાન શરૂ થાય તે પહેલાં જ વડા પ્રધાન મોદી મતદાન માટેની લાઇનમાં જોવા મળ્યા હતા. સૌથી પહેલાં મતદાન કરનારામાં વડા પ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને સાંસદ યોગી આદિત્યનાથ અને નાયડુનો સમાવેશ થતો હતો. અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના ભાજપના દિગ્ગજોએ પ્રારંભે જ મતદાન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ મતદાન માટે પહોંચ્યા હતા. રાજ્યસભામાં ગેરહાજરી માટે વગોવાયેલા સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાએ પણ મતદાન કર્યું હતું.

બે વખત ઉપરાષ્ટ્રપતિ

ભારતમાં ઉપરાષ્ટ્રપતિપદ દેશનું બીજું સર્વોચ્ચ પદ છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે જનપ્રતિનિધિઓનાં કામકાજમાં ભાગ લે છે. દેશમાં અત્યાર સુધીમાં ફક્ત બે જ ઉપરાષ્ટ્રપતિ છે જેઓ સતત બે ટર્મ માટે આ પદ પર રહ્યા હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન્ બે વખત ઉપરાષ્ટ્રપતિપદે રહેનારા દેશના પહેલા નેતા હતા, જ્યારે હાલના ઉપરાષ્ટ્રપતિ ડો. હામિદ અન્સારી બીજી વ્યક્તિ છે જેઓ સતત બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા છે.

ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળ

• ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ૧૩ મે ૧૯૫૨ - ૧૨ મે ૧૯૬૨
• ડો. ઝાકીર હુસેન ૧૩ મે ૧૯૬૨ - ૧૨ મે ૧૯૬૭
• વરાહગીરી વેંકટગીરી ૧૩ મે ૧૯૬૭ - ૩ મે ૧૯૬૯
• ગોપાલસ્વરૂપ પાઠક ૩૧ ઓગસ્ટ ૧૯૬૯ - ૩૦ ઓગસ્ટ ૧૯૭૪
• બી. ડી. જત્તી ૩૧ ઓગસ્ટ ૧૯૭૪ - ૩૦ ઓગસ્ટ ૧૯૭૯
• ન્યાયમૂર્તિ મોહમ્મદ હિદાયતુલ્લાહ ૩૧ ઓગ. ૧૯૭૯ - ૩૦ ઓગસ્ટ ૧૯૮૪
• આર. વેન્કટરમન્ ૩૧ ઓગસ્ટ ૧૯૮૪ - ૨૪ જુલાઈ, ૧૯૮૭
• ડો. શંકરદયાળ શર્મા ૩ સપ્ટેમ્બર ૧૯૮૭ - ૨૪ જુલાઈ, ૧૯૯૨
• કે. આર. નારાયણન્ ૨૧ ઓગસ્ટ ૧૯૯૨ - ૨૪ જુલાઈ ૧૯૯૭
• કૃષ્ણકાંત ૨૧ ઓગસ્ટ ૧૯૯૭ - ૨૭ જુલાઈ ૨૦૦૨
• ભૈંરોસિંહ શેખાવત ૧૯ ઓગસ્ટ ૨૦૦૨ - ૨૧ જુલાઈ ૨૦૦૭
• મોહમ્મદ હામિદ અન્સારી ૧૧ ઓગસ્ટ ૨૦૦૭થી ૧૦ ઓગસ્ટ ૨૦૧૭


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter