નવી દિલ્હીઃ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ વડા પ્રધાન મોદીએ ગુરુવારે પ્રધાનમંત્રી સંગ્રહાલયને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં દેશનાં 14 પૂર્વ વડા પ્રધાનો દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓની તસવીરો અને તેમનાં જીવનની ઝાંખીનું નિદર્શન કરાયું છે.
મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં જેટલો ભૂતકાળ ધરબાયેલો છે તેટલું ભવિષ્ય પણ છે. ભારતનાં નિર્માણ અને તેને સમગ્ર વિશ્વમાં ઊંચાઈઓ સુધી લઈ જવામાં અગાઉની તમામ સરકારોએ મહત્તવની ભૂમિકા નિભાવી છે. આ સંગ્રહાલય ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્મામ કરવા ભાવિ પેઢીને પ્રેરણા આપશે. અગાઉનાં વડા પ્રધાનોને દેશને નવી ઊંચાઈએ પર લઈ જવા કેવી કેવી મુશ્કેલીઓ અને સંઘર્ષ વેઠ્યો છે તેનું નિરૂપણ આ સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે. તેમણે યુવાનોને આ સંગ્રહાલયની મુલાકાત લેવા અપીલ કરી હતી.
સંગ્રહાલયને નિહાળવા મોદીએ તેની સૌપ્રથમ ટિકિટ ખરીદી હતી. મોદીએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરનાં પંચતીર્થને વિકસિત કરવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. જે સામાજિક ન્યાયનું પ્રેરણા કેન્દ્ર છે.
તમામ વડા પ્રધાન સામાન્ય પરિવારમાંથી
આપણા તમામ વડા પ્રધાનો સામાન્ય અને ગરીબ પરિવારમાંથી કે કિસાન પરિવારમાંથી આવ્યા હતા. આમ છતાં તેમના વિચારો અને કૂનેહને કારણે દેશનો વિકાસ શક્ય બન્યો છે. તેમણે લોકશાહીને મજબૂત બનાવવાની પરંપરા જાળવી હતી. આપણો દેશ લોકતંત્રને મજબૂત કરવાની પરંપરા ભારત ધરાવે છે. દરેક યુગમાં અને દરેક પેઢીમાં દેશને મજબૂત કરવાનાં પ્રયાસો સતત થઈ રહ્યા છે.
વડા પ્રધાને કહ્યું હતું કે આ સંગ્રહાલય નવી યુવા પેઢીને નેતૃત્વ, વિઝન અને લક્ષ્યાંક સિદ્ધિ માટે પ્રેરણા આપશે. આપણી લોકશાહી આપણને નવા નવા વિચારો અને આઇડિયાનો અમલ કરવા પ્રેરણા આપે છે. દરેકનું વિઝન દેશ કા વિકાસ સાથે વણાયેલું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય ન્યૂ ઇન્ડિયાની ઊર્જા અને શક્તિને પ્રતિબિંબિત કરશે.
પ્રધાનમંત્રી સંગ્રહાલયે નવી પેઢી માટે જ્ઞાન, આઇડિયા અને અનુભવનાં દરવાજા ખોલ્યા છે એમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે ભારત એ લોકશાહીની જનેતા છે જેને ડગલે ને પગલે મજબૂત કરવામાં આવી રહી છે.
ગાંધી પરિવારની ગેરહાજરી
15600 વર્ગ મીટરમાં પથરાયેલું આ મ્યુઝિયમ અગાઉ જવાહરલાલ નેહરુ મેમોરિયલ તરીકે જાણીતું હતું. અહીં સમાચાર અને અન્ય વિવિધ માધ્યમો પાસેથી એકત્ર કરાયેલા દેશના તમામ વડા પ્રધાનોની માહિતી તેમજ તેમના પ્રદાનની વિગતો રજૂ કરાઇ છે. અહીં પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ‘દહેજ’માં મળેલી ચરખો, ચૌધરી ચરણ સિંહની ડાયરીઓ, પી. વી. નરસિંહ રાવના ચશ્મા જેવી ચીજવસ્તુઓ પણ જોવા મળશે.
આ પ્રસંગે લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઇ, ચૌધરી ચરણ સિંહ, નરસિંહ રાવ, એચ.ડી. દેવે ગોવડા, અટલ બિહારી વાજપેયી સહિતના તત્કાલીન વડા પ્રધાનોના પરિવારજનો - સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે દેશને ત્રણ વડા પ્રધાન આપનાર નેહરુ-ગાંધી પરિવારના સભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.
સંગ્રહાલયની વિશેષતાઓ
• રૂ. 271 કરોડનો ખર્ચ, બે બ્લોક, 43 ગેલેરી, 15,600 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.
• અગાઉ સંગ્રહાલયનું નામ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ હતું જે બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય રખાયું.
• દેશનાં 14 પૂર્વ વડા પ્રધાનોની જીવન ઝરમરની તસવીરોમાં ઝાંખી.
• તમામ પૂર્વ પ્રધાનોનાં ફોટા અને તેમનાં દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓની તસવીરો.
• ભારતનાં સ્વતંત્રતા સંગ્રામની ઝાંખી અને બંધારણના નિર્માણની ગાથા.
• સંગ્રહાલયના મકાનની ડિઝાઈન ઊભરતા ભારતનું પ્રતિક.
• સંગ્રહાલય બનાવતી વખતે એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી.
• ઇમારતનો લોગો રાષ્ટ્ર અને લોકતંત્રનું પ્રતીક ચક્ર ધારણ કરનાર ભારતનાં લોકોનાં હાથનું પ્રતિનિધિત્વ કરે છે.