નવી દિલ્હીઃ ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા, રશિયા અને ચીન આ પ્રકારની ક્ષમતા ધરાવતા હતા, હવે યાદીમાં ભારતનું નામ ઉમેરાયું છે. આ પરીક્ષણને મિશન શક્તિ નામ અપાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ સિદ્ધિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ૨૭ માર્ચ - બુધવારના રોજ ભારતે અંતરિક્ષમાં એક લો અર્થ ઓર્બિટ સેટેલાઇટને તોડી પાડીને એન્ટિ-સેટેલાઇટ વેપનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ એક અગાઉથી નક્કી કરાયેલું લક્ષ્યાંક હતું. એન્ટિ-સેટેલાઇટ વેપનના સફળ પરીક્ષણ સાથે ભારત હવે અવકાશી ક્ષેત્રે સુપર પાવર બની ગયો છે.
આ પૂર્વે બુધવારે વડા પ્રધાન મોદીએ ટ્વિટ પર જણાવ્યું હતું કે, હું આજે સવારે ૧૧.૪૫થી ૧૨.૦૦ની વચ્ચે એક મોટી જાહેરાત કરવાનો છું. જેના પગલે વિશ્વભરના ભારતીયોમાં ઉત્સુકતાનું મોજું ફરી વળ્યું હતું. આ પછી વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં જાહેરાત કરી હતી કે ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલની મદદથી એક એલઇઓ (લો અર્થ ઓરબિટ) સેટેલાઇટને તોડી પાડયો છે. આ પરીક્ષણને મિશન શક્તિ નામ અપાયું હતું. ભારતીય વૈજ્ઞાનિકોએ ફક્ત ૩ મિનિટમાં પરીક્ષણ સફળતાથી પાર પાડયું હતું. આ સાથે જ ભારત અંતરિક્ષમાં સુપર પાવર ગણાતા દેશોની ક્લબમાં સામેલ થઇ ગયો છે. એ-સેટ (A-SAT) નામથી ઓળખાવાયેલા એન્ટિ સેટેલાઇટ વેપને લો અર્થ ઓર્બિટમાં તરતા એક લાઇવ સેટેલાઇટને સફળતાપૂર્વક નિશાન બનાવાયો હતો.
‘મિશન શક્તિ’ ભારતની સુરક્ષા, આર્થિક વિકાસ અને ટેક્નોલોજિકલ વિકાસની દિશામાં મહત્ત્વનું પગલું છે. આમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે એ-સેટ મિસાઇલ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી શક્તિ આપશે. હું વિશ્વ સમુદાયને વિશ્વાસ અપાવવા માગું છું કે, અમે અમારી ક્ષમતાનો ઉપયોગ અન્ય સામે કરીશું નહીં. ભારતે તેની પોતાની સુરક્ષા માટે આ સંરક્ષણ ક્ષમતા વિકસાવી છે. અમે અંતરિક્ષમાં શસ્ત્રસ્પર્ધાના વિરોધી છીએ. આ પરીક્ષણના કારણે કોઇ આંતરરાષ્ટ્રીય કાયદા અથવા તો સંધિનું ઉલ્લંઘન થતું નથી. ‘મિશન શક્તિ’ ડીઆરડીઓ (ડેવલપમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ના વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપૂર્વક પાર પડાયું છે. હું ‘મિશન શક્તિ’ની સફળતા માટે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છું.
શું છે ‘મિશન શક્તિ’ ટેસ્ટ?
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇલેન્ડ ઉપરથી હાથ ધરાયેલું આ એક ટેક્નોલોજિકલ મિશન હતું, જે ડીઆરડીઓ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સેટેલાઈટને મિસાઈલ દ્વારા તોડી પડાયો હતો. આ ટેસ્ટ દ્વારા ભારતે અવકાશમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. આ સાથે જ ભારત હવે અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં આવી ગયો છે. આ ટેસ્ટ હાથ ધરવા પાછળ સૌથી મોટી બાબત એ હતી કે, ભારત પોતાના તમામ સેટેલાઇટનું રક્ષણ કરવા સક્ષમ છે, એ વિશ્વને બતાવી દીધું છે.
યુદ્ધમાં સૌથી મોટું શસ્ત્ર
નિષ્ણાતોના મતે જે દેશ પાસે એન્ટિ-સેટેલાઇટ મિસાઈલ ટેક્નોલોજી હોય છે તેઓ યુદ્ધમાં વધારાનો લાભ લઈ શકે છે. તેઓ આ ટેક્નોલોજીના ઉપયોગથી દુશ્મન દેશના કોઈ પણ સેટેલાઇટને જામ કરી શકે છે અથવા તો નષ્ટ કરી શકે છે. પરિણામે સૌથી મોટો ફાયદો એ થશે કે દુશ્મન દેશની મોટા ભાગની ગતિવિધિઓ અટકી જશે. તેઓ પોતાની મિસાઇલ મૂવમેન્ટ, એરક્રાફ્ટ મૂવમેન્ટ, પરમાણુ મિસાઇલ્સ મૂવમેન્ટ કે પછી યુદ્ધ જહાજોની મૂવમેન્ટ કરી શકશે નહીં. ભારત આ ટેક્નોલોજી દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને દાબમાં રાખી શકશે. આ બંને દેશો સામે ભારતનો હાથ ઊંચો રહેશે. ચીન પાસે આ ક્ષમતા છે, પણ ભારત પણ હવે આ મુદ્દે સક્ષમ થઈ ગયો છે તેથી ચીન આડોડાઈ નહીં કરી શકે. પાકિસ્તાન પાસે તો શરણે થયા વગર વિકલ્પ જ નહીં વધે.
આ ટેસ્ટ શા માટે કરાયો?
ભારત અંતરિક્ષમાં અત્યંત પ્રભાવ ધરાવતો દેશ છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં અનેક દેશો અને ખાનગી કંપનીઓના સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. ભારત દ્વારા મંગળયાન મિશન સુપેરે પાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતે હવે ‘ગગનયાન’ મિશન પણ હાથ ધર્યું છે. ભારત દુનિયાને સાબિતિ આપવા માગતો હતો કે, દેશ માત્ર સેટેલાઇટ છોડવામાં જ નહીં તોડવામાં પણ એટલી જ સચોટ શક્તિ અને ક્ષમતા ધરાવે છે.
અત્યારે જ ટેસ્ટ કેમ?
૨૦૧૪થી ભારતના અંતરિક્ષના વિવિધ મિશનમાં અત્યંત વધારો થયો છે. ત્યારથી જ ભારત સરકારે પોતાના સેટેલાઇટના સંરક્ષણ માટે પણ કવાયત હાથ ધરી હતી. તાજેતરમાં જ સરકારને ડીઆરડીઓ દ્વારા ખાતરી આપવામાં આવી કે આ પરીક્ષણ પૂર્ણ થઈ શકે તેમ છે અને તેમાં કોઈ નુકસાન કે જોખમ નથી.