ભારતની મક્કમતા, ચીનની પીછેહઠ

Wednesday 08th July 2020 05:59 EDT
 
 

નવી દિલ્હી: છેલ્લા બે મહિનાથી લેહ-લદ્દાખ સરહદે પ્રવર્તતો ગંભીર તણાવ દૂર કરવા ભારત અને ચીન સંમત થયા છે. સમજૂતી અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) સાથે જોડાયેલી ગલવાન વેલીમાંથી પોતાના સૈનિકો, વાહનો અને ટેન્ટ હટાવવાનું શરૂ કરી દીધું છે.
બન્ને દેશો વચ્ચે સોમવારે થયેલી આ સમજૂતી ભારતનો મોટો કૂટનીતિક વિજય મનાય છે તો ચીન માટે પીછેહઠ સમાન મનાય છે. આ મડાગાંઠ ઉકેલવામાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમણે રવિવારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બે કલાક ચર્ચા કરી હતી.
ભારત અને ચીન એલએસી પર સંપૂર્ણ શાંતિ અને પારદર્શકતા સ્થાપિત કરવા માટે સરહદી પ્રદેશમાંથી સેના પાછી ખેંચવા અને સમગ્ર વાસ્તવિક અંકુશરેખા પર ગોઠવાયેલાં તમામ લશ્કરી દળો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા સહમત થયા છે. સોમવારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, એલએસી ખાતેથી સરહદી દળો સંપૂર્ણ પાછા ખેંચી લેવા, કોઇ પણ એકતરફી પગલું નહીં લેવા અને વિવાદિત સરહદ પર યથાસ્થિતિ જાળવવા ભારત અને ચીન સહમત થયા છે.
મે મહિનામાં ભારત-ચીનની સેનાઓ એલએસી પર આમનેસામને આવી ગયા પછી બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. આ પહેલાં બંને દેશ વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટરી ચેનલો દ્વારા મંત્રણાઓ હાથ ધરાઇ હતી.
લદ્દાખ સેક્ટરમાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોએથી બંને દેશે પોતાની સેનાઓ મર્યાદિત પ્રમાણમાં પાછી ખેંચી હોવાના અહેવાલોના સંદર્ભે વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન જારી કરાયું હતું. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષ સહમત થયા છે કે એલએસી પરથી ઝડપથી બંને દેશની સેનાઓ સંપૂર્ણ પાછી ખેંચાય તે જરૂરી છે. બંને પક્ષે ઝડપથી સેના પાછી ખેંચવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ. બંને દેશે ચુસ્ત રીતે એલએસીનું પાલન કરવું જોઇએ અને યથાસ્થિતિ બદલવા માટે કોઇ પણ એકતરફી પગલું લેવું જોઇએ નહીં.

બંને નેતાઓ દ્વારા ભારત-ચીનના સરહદી વિસ્તારોના પશ્ચિમ સેક્ટરમાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઇ હતી. બંને દેશ સરહદે શાંતિ જાળવવા માટે નેતાઓ વચ્ચે થયેલા કરારોમાંથી માર્ગદર્શન લેવા સહમત થયા હતા. આ ઉપરાંત દોવલ અને વાંગ યી બંને દેશ વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટરી સ્તરની મંત્રણા જારી રાખવા પણ સહમત થયા હતા. યી અને દોવલ પણ આ દિશામાં પ્રયાસો જારી રાખશે.

ગલવાનમાં બફર ઝોન નક્કી થયો

ચીને પૂર્વ લદ્દાખમાં ગલવાન રિવર વેલીમાંથી એકથી દોઢ કિલોમીટર સુધી તેની સેના પાછી ખેંચી છે. તેના પગલે ભારતીય જવાનોને પણ નિશ્ચિત અંતર સુધી પાછા ખેંચવામાં આવ્યા છે. બંને દેશની સેનાઓ વચ્ચે ગલવાન વેલીમાં એક બફર ઝોન નક્કી કરાયો છે અને ગલવાન વેલીમાં પેટ્રોલિંગ પોઇન્ટ (પીપી) - ૧૪ ખાતે ચીની સૈનિકો દ્વારા ઊભા કરાયેલાં ગેરકાયદે સ્ટ્રક્ચર ખસેડવામાં આવી રહ્યાં છે. ગલવાનમાં ચીની સેના તંબુ અને સ્ટ્રક્ચર દૂર કરતાં જોવા મળી હતી. ચીની સેનાના વાહનો પણ પાછા ખેંચી લેવામાં આવ્યાં છે. હોટ સ્પ્રિંગ અને ગોગરાના પીપી-૧૫ અને પીપી-૧૭ ખાતેથી પણ ચીની સેના પાછી ખસી રહી હોવાના અહેવાલો મળ્યા છે. પેંગોંગ ત્સો વિસ્તારના ફિંગર ફોર ખાતે ચીની સેના દ્વારા કેટલાક ટેન્ટ હટાવવામાં આવ્યા છે.

૬૦ દિવસ પછી સેના પાછી ખેંચવા ચીન સહમત

લદ્દાખમાં ભારત અને ચીનની પેટ્રોલિંગ ટુકડીઓ વચ્ચે હિંસક ટકરાવ બાદ સંઘર્ષની શરૂઆત થઇ હતી. લગભગ ૬૦ દિવસના હાકલા પડકારા બાદ બંને દેશ હવે સેનાઓ પાછી ખેંચવા સહમત થયા છે. આ પહેલાં ૨૦૧૭માં ડોકલામમાં સર્જાયેલા વિવાદનો અંત ૭૩ દિવસ પછી આવ્યો હતો.

પ્રાદેશિક સ્વાયત્તતાનું રક્ષણ કરશું: ચીન

ચીને સોમવારે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હાલ જટિલ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. બંને દેશે વ્યૂહાત્મક ચુકાદાને આધીન રહીને એકબીજા માટે ધમકીરૂપ બનવું જોઇએ નહીં. ભારત સાથેની એલએસી પર ગલવાન વેલીમાં તણાવ ઘટાડવા અને સેના પાછી ખેંચવા ફ્રન્ટ લાઇન દળો અસરકારક પગલાં લઇ તે દિશામાં પ્રગતિ કરી રહ્યાં છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, ૩૦મી જૂને મંત્રણાઓમાં સધાયેલી સહમતીના અમલ પર કામ કરવાનું બંને દેશે ચાલુ રાખ્યું છે. આશા રાખીએ છીએ કે ભારત નક્કર પગલાં દ્વારા સહમતીનો અમલ કરશે. આજે સધાયેલી સહમતી સરળ નહોતી.

હરખાવાની જરૂર નથીઃ ભારતીય સેના

ચીન સાથેના ઘટનાક્રમથી વાકેફ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ચીન એલએસી પરથી સેના પાછી ખેંચવા સહમત થયાના અહેવાલોથી હરખાઇ જવાની જરૂર નથી. આ પ્રારંભિક પગલાં છે. ચીની સેના ૧.૫ કિમી પાછી હટી છે અને ભારતીય દળો પણ થોડા પાછા હટયાં છે. તેઓ પાછા પણ આવી શકે છે તેથી અમે તેમના પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ અથડામણ પછી બંને દેશની સેના વચ્ચે વિશ્વાસનું સ્તર તળિયે પહોંચ્યું છે.

ચીન પછી નેપાળ પણ ઢીલોઢફ

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ધારચૂલામાં ભારત સાથેના સરહદે શરૂ કરેલી છ નવી બોર્ડર આઉટપોસ્ટ સંભાળી રહેલ નેપાળ આર્મ્ડ પોલીસે બે આઉટપોસ્ટ દૂર કરી છે. ભારતવિરોધી વલણ અખત્યાર કરવા બદલ પોતાની જ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નિશાન પર રહેલા વડા પ્રધાન કે. પી. ઓલીની ટિપ્પણી બાદ નેપાળે આ પગલું ભર્યું છે. ભારતે પિથોરાગઢ જિલ્લામાં લિપુલેખ પાસને ધારચુલા શહેર સાથે જોડનાર મહત્ત્વના રોડનું ઉદ્ઘાટન કર્યું હતું જે પછી નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો ખટાશ આવી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે બે ચોકીને દૂર કરાઇ છે તે ઈન્ડો-નેપાળ સરહદ નજીક હતી. ૩ ચોકી હવે દૂર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter