નવી દિલ્હીઃ ભારત લદ્દાખ સરહદે ચીનનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મિત્ર રાષ્ટ્રોએ ભારતીય સેનાને તાકીદે શસ્ત્રસરંજામ અને યુદ્ધવિમાનો પૂરા પાડવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ફ્રાન્સે આવતા મહિને વધારાના રાફેલ જેટ વિમાનો ડિલિવર કરવાનું વચન આપ્યું છે. તો ઇન સર્વિસ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ ટૂંક સમયમાં મળવાની શક્યતા છે. જ્યારે અમેરિકા દ્વારા પ્રિસિઝન આર્ટિલરી રાઉન્ડસ મોકલવામાં આવશે અને રશિયા એક અબજ ડોલરની કિંમતના શસ્ત્રો અને દારૂગોળાની વહેલી ડિલિવરી કરશે.
નવી દિલ્હી ખાતે મહત્ત્વની બેઠકો અને ટોચના સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ ખાતરી મેળવવામા આવી છે. ઉચ્ચ સ્તરીય બેઠકોમા એવું પણ નક્કી કરાયું છે કે પૂર્વીય લદ્દાખમાં લાંબા ગાળા માટેની અથડામણો માટે તૈયાર રહેવા માટે સશસ્ત્ર દળોને ઇમર્જન્સી નાણાકીય સત્તા આપવામાં આવશે.
ફ્રાન્સ રાફેલ વહેલા પહોંચાડશે
વિશ્વની સારામાં સારી લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઇલથી સજ્જ રાફેલ ફાઇટર જેટનો પ્રથમ કાફલો ૨૭ જુલાઇ સુધીમાં ભારતમાં પહોંચે તેવી અપેક્ષા છે. પ્રારંભિક આયોજનો અનુસાર, ચાર ફાઇટર આવતા મહિને અંબાલા હોમ બેઝ ખાતે પહોંચશે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ફ્રાન્સે વચન આપ્યું છે કે પ્રથમ બેચમાં વધારાના રાફેલ પણ મોકલશે. કુલ આઠ એરક્રાફ્ટ સર્ટિફિકેશનની નજીક છે, પરંતુ એ બાબત હજુ સ્પષ્ટ થઇ નથી કે કેટલાં વધારાનાં ફાઇટર પ્લેનની વહેલી ડિલિવરી કરાશે.
આ પ્લેન્સની ડિલિવરી ભારતીય પાઇલટ્સ જ લાવશે કે જેમને ફ્રાન્સમાં તાલીમ અપાઇ છે. આ પ્લેન જ્યારે અંબાલા પહોંચશે ત્યારે લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી ડિલિવરીને સપોર્ટ કરવા માટે ફ્રાન્સે વચન આપ્યું છે કે જેટ્સ એક જ ઉડ્ડયનમાં ભારત પહોંચે તે માટે ફ્રાન્સ પોતાના એરિયલ રિફ્યુલર્સને પણ સાથે મોકલશે.
ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ આપશે
મુખ્ય ડિફેન્સ સપ્લાયર ઇઝરાયેલ જેની અત્યંત જરૂરિયાત છે તેવી એર ડિફેન્સ સિસ્ટમ્સને વહેલી ડિલિવર કરે તેવી શક્યતા છે જેને બોર્ડર પર તૈનાત કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ સિસ્ટમ ઉપયોગી રહેશે કેમ કે ચાઇનીઝ સૈન્યે તેની નવી હસ્તગત કરેલી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને આ સેક્ટરમાં તૈનાત કરી છે.
યુએસ આપી રહ્યું છે ગુપ્તચર માહિતી
ભારતના નવા વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકાએ મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી અને સેટેલાઇટ ઇમેજિસ સાથે મદદની શરૂઆત કરી દીધી છે, જે મિલિટરી પ્લાન્સર્ને બોર્ડરની પરિસ્થિતિની વધારે સ્પષ્ટતા આપે છે. યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને વિવિધ પ્રકારના દારૂગોળાની જરૂર પડશે. એરફોર્સે એર ડ્રોપ્ડ બોમ્બના પુરવઠાની અને મિસાઇલની માંગણી કરી છે જ્યારે આર્મીને એન્ટિ ટેન્ક મિસાઇલ, મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે.
રશિયા તરફથી તત્કાળ શસ્ત્રસરંજામ
ભારતના સૌથી મોટા ડિફેન્સ સપ્લાયર રશિયાએ આશરે એક અબજ ડોલરના શસ્ત્રો, દારૂગોળો તથા મિસાઇલ્સની તત્કાળ ડિલિવરી કરવાની ખાતરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમની તાજેતરની મોસ્કોની મુલાકાત દરમિયાન આ માટે રજૂઆત કરી હતી.