નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાય ૨૬મી જાન્યુઆરીએ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ તમામ સમારોહમાં પાટનગરમાં રાજપથ પર થયેલી ઉજવણી ભવ્યાતિભવ્ય હતી. ભારતની આન-બાન-શાનની ઝલક રજૂ કરતી આ પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં દેશની સંરક્ષણ શક્તિ અને સાંસ્કૃતિક વારસાની રંગબેરંગી ઝાંખી રજૂ થઇ હતી.
જોકે આ વર્ષે પરેડની સૌથી ઉલ્લેખનીય બાબત હતી ASEAN (એસોસિયેશન ઓફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ) દેશોના પ્રમુખોની ઉપસ્થિતિ. ૧૦ ‘આસિયાન’ દેશોના વડાઓએ ભારતના પ્રજાસત્તાક સમારોહને શોભાવ્યો હતો. પરેડના પ્રારંભે રાષ્ટ્રપતિ કોવિંદે કાશ્મીરમાં શહીદ થનાર એરફોર્સ કમાન્ડર જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોત્તર અશોક ચક્ર એનાયત કર્યો હતો. આ સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા.
પરેડ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા. જ્યારે ‘આસિયાન’ દેશોના વડાઓ રંગબેરંગી દુપટ્ટા સાથે જોવા મળ્યા હતા. પરેડ પૂર્ણ થયે રાષ્ટ્રપતિ અને ‘આસિયાન’ દેશોના વડાઓએ વિદાય લીધા બાદ વડા પ્રધાન મોદી રાજપથ પર પગપાળા ચાલ્યા હતા અને સામાન્ય જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
પરેડ અંદાજે ૯૦ મિનિટ ચાલી હતી. જેમાં ફાઈટર પ્લેન સુખોઈ - તેજસ, હેલિકોપ્ટર્સ અને ગ્લોબલમાસ્ટરે ફ્લાઈ પાસ્ટ કર્યું. પ્લેન દ્વારા ધ્રુવ, રુદ્ર, વિક, નેત્ર, ગ્લોબલ, તેજસ અને એરોડ ફોર્મેશન બનાવાયા હતા. આ ઉપરાંત બીએસએફની મહિલા કમાન્ડોએ બાઈક સ્ટંટ દ્વારા પોતાની સજ્જતા-ક્ષમતાનો પરિચય આપીને લોકોના દિલ જીતી લીધા હતા.
વડા પ્રધાન મોદી અમર જ્યોતિ સ્મારક ખાતે શહીદ ભારતીય જવાનોને સલામી આપીને પરેડસ્થળે પહોંચ્યા હતા. બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રગીતની ધૂન અને ૨૧ તોપની સલામી સાથે પરેડનો પ્રારંભ કરાવ્યો હતો. રિપબ્લિક ડે પરેડ સવારે ૧૦ વાગે શરૂ થઇ હતી અને અંદાજે ૯૦ મિનિટ સુધી ચાલી હતી. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ૨૧ તોપની સલામી આપવામાં આવી હતી.
અતિથિ વડાઓ અભિભૂત
વિજય ચોકથી ઐતિહાસિક લાલ કિલ્લા સુધીની આ પરેડમાં દેશની આન- બાન-શાનનો અદ્ભુત નજારો રજૂ કરાયો હતો. ભારતની વિવિધતામાં એકતાનો ભવ્ય વારસો, આધુનિક યુગમાં વિવિધ સેક્ટરમાં ભારતે ભરેલી હરણફાળ અને સિદ્ધિઓ તથા ભારતીય સેનાની ત્રણેય પાંખોની ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન જોઇને ‘આસિયાન’ નેતાઓ અભિભૂત થઇ ગયા હતા.
રાજપથ ખાતે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદી સાથે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયા, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો રોઆ દૂતરેત, કમ્બોડિયાના વડા પ્રધાન હૂન સેન, સિંગાપુરના વડા પ્રધાન લી સિએન લૂંગ, મલેશિયાના વડા પ્રધાન મોહમ્મદ નજીબ, થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન ઓ ચા, મ્યાંમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાંગ સૂ કી, વિયેટનામના વડા પ્રધાન ગ્યુએન ફિક અને લાઓસના વડા પ્રધાન સિસોલિથ હાજર રહ્યા હતા. આઝાદ ભારતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના એવી હતી જેમાં ‘આસિયાન’ દેશોના ૧૦ વડાઓ હાજર રહ્યા હતા.
૪૪ વર્ષ પછી...
ભારતમાં પહેલી વાર ૧૦ ‘આસિયાન’ દેશોના પ્રમુખોને મહેમાન તરીકે ગણતંત્ર દિવસે આમંત્રિત કરાયા હતા. ભારતે ગણતંત્ર દિવસના મહેમાનો બોલાવવામાં વ્યક્તિઓની જગ્યાએ પ્રદેશને મહત્ત્વ આપ્યું હોય તેવું ૪૪ વર્ષ પછી બન્યું છે.
આ પહેલાં ૧૯૬૮માં અને પછી ૧૯૭૪માં એકથી વધારે વિદેશી મહેમાન બોલાવવામાં આવ્યા હતા. ૧૯૬૮માં યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ જોસફ બ્રોઝ ટીટો અને સોવિયત યુનિયનના વડા પ્રધાન એલેક્સી કોશિગિનને પણ આ દિવસે આમંત્રણ અપાયું છે. ૧૯૭૪માં ટીટો રિપબ્લિક-ડે પર શ્રીલંકાના વડા પ્રધાન સિરિમાવો ભંડારનાયક સાથ ફરી વખત ભારતના મહેમાન બન્યા હતા.
‘આસિયાન’ ધ્વજ લહેરાયો
રાજપથના આકાશમાં ૩૮ વિમાનો ૮ મિનિટની ગર્વીલી ઉડાન દરમિયાન માત્ર ૩૦ સેકન્ડની વિંડોમાં ‘આસિયાન’ દેશોના ૧૦ અતિથિઓ સામેથી પસાર થયા ત્યારે લાખો લોકો તેના સાક્ષી બન્યા હતા. આ ફ્લાઈ પોસ્ટ માટે વાયુસેનાના ૨૧ લડાકુ વિમાન, ૧૨ હેલિકોપ્ટર્સ અને ૫ ટ્રાન્સપોર્ટ્સ વિમાને જોધપુર, બિકાનેરના નાલ સહિત ત્રણ એરબેઝથી ઉડાન ભરી હતી. પહેલી વાર ફ્લાઈ પોસ્ટ દરમિયાન તિરંગો અને ત્રણ સેનાઓના ધ્વજ સિવાય ‘આસિયાન’ ધ્વજ પણ હેલિકોપ્ટરથી લહેરાવાયો હતો.
પાકિસ્તાનને મીઠાઈ નહીં
જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા અને સરહદ પર છેલ્લા કેટલાક દિવસોથી ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવની સીધી અસર પ્રજાસત્તાક પર્વે વાઘા બોર્ડર પર જોવા મળી હતી. ભારતના ૬૯મા ગણતંત્ર દિન નિમિત્તે અટારી ખાતેની વાઘા સરહદે બીએસએફે આ વર્ષે પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈ આપી નહોતી.
બીએસએફે જણાવ્યું હતું કે અત્યારે બંને દેશ વચ્ચે મીઠાઈ આપવા જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું નથી. બીએસએફના ડિરેક્ટર જનરલ કે. કે. શર્માએ જણાવ્યું હતું કે મને આશા છે કે મીઠાઈની આપ-લે કરવાની જૂની પરંપરા આગામી દિવસોમાં ફરી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે ૫૯મા પ્રજાસત્તાક પર્વે જ ભારત અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ વચ્ચે ફ્લેગમિટિંગ યોજાઈ હતી. છતાં તેમાં મીઠાઈની આપ-લે કરાઈ નહોતી. સરહદ પર પ્રવર્તતા તણાવ બાદ આ પહેલી ફ્લેગમિટિંગ હતી.