વોશિંગ્ટનઃ શુક્રવાર - ૨૪ સપ્ટેમ્બરે મીડિયાજગતથી માંડીને દુનિયાભરના રાજદ્વારીઓની નજર વ્હાઇટ હાઉસ પર મંડરાઇ હતી. પ્રસંગ હતો વિશ્વના બે મહાન લોકતંત્રના નેતાઓ - પ્રમુખ જો બાઇડેન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી ઇન-પર્સન મુલાકાતનો. આ બન્ને મહાનુભાવો વચ્ચેની દીર્ઘ મંત્રણાએ ભારત-અમેરિકાના મિત્રતાપૂર્ણ સંબંધોમાં નવું પ્રકરણ ઉમેર્યું છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં વડા પ્રધાન મોદી સાથે પહેલી વ્યક્તિગત દ્વિ-પક્ષીય બેઠક દરમિયાન યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ભારતના સ્થાયી સભ્યપદ તેમજ ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં ભારતના સ્થાનને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું. વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચેની બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે પ્રમુખ બાઈડેને વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં ઓગસ્ટ ૨૦૨૧માં યુએનએસસીમાં ભારતના મજબૂત નેતૃત્વને બિરદાવ્યું છે. આ દ્વિપક્ષીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ એચ-૧બી-વિઝાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભારત અને અમેરિકાએ સરહદ પારના આતંકવાદને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
ભારતની માગને બળ મળ્યું
દ્વિપક્ષીય બેઠક પછી જારી સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, પ્રમુખ બાઈડેને યુએનએસસીમાં સુધારાની જરૂરત અને તેમાં ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કર્યું છે. આમ બાઈડેનના સમર્થન સાથે સુરક્ષા પરિષદમાં સુધારા માટે ભારતના પ્રયાસોને બળ મળ્યું છે. યુએનની આ શક્તિશાળી સમિતિમાં લાંબા સમયથી પેન્ડિંગ સુધારાની ભારત આક્રમક્તાથી માગ કરતું આવ્યું છે. યુએનએસસીમાં હાલ પાંચ સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્યો છે, જેમની મહાસભા દ્વારા બે વર્ષના કાર્યકાળ માટે પસંદગી કરાય છે. યુએનએસસીના સ્થાયી સભ્યોમાં રશિયા, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે.
સંયુક્ત નિવેદનમાં વધુમાં કહેવાયું હતું કે વડા પ્રધાન મોદીની સાથે બેઠક દરમિયાન બાઈડેને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં પણ ભારતના પ્રવેશને સમર્થન આપ્યું છે. એનએસજી ૪૮ દેશોનું જૂથ છે, જે વૈશ્વિક પરમાણુ વેપારને નિયંત્રિત કરે છે. ભારતે ૨૦૧૬માં એનએસજીના સભ્યપદ માટે અરજી કરી હતી. તે વેળા ચીને વિરોધ કરતાં કહ્યું હતું કે આ જૂથમાં માત્ર એ દેશોનો જ સમાવેશ કરવો જોઈએ, જેમણે પરમાણુ બિનપ્રસાર સંધી (એનપીટી) પર હસ્તાક્ષર કર્યા હોય.
આતંકીઓ સામે નક્કર કાર્યવાની માગ
સહિયારા નિવેદનમાં ભારત-અમેરિકાએ યુએનએસસી દ્વારા પ્રતિબંધિત તમામ ૧૨૬૭ આતંકી જૂથો સહિત બધા જ આતંકવાદી જૂથો વિરુદ્ધ નક્કર કાર્યવાહીની માગણી કરી હતી. તેમણે સરહદપારના આતંકવાદની ટીકા કરી હતી અને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના ગુનેગારોને યોગ્ય સજા કરવાની પણ માગણી કરી હતી. પાકિસ્તાન સ્થિત આતંકી મૌલાના હાફીઝ સઈદની જમાત-ઉદ-દાવા ભારતમાં આતંકવાદ ફેલાવતા લશ્કર-એ-તોયબાનું મુખ્ય સંગઠન છે. આ સંગઠને ૨૦૦૮માં મુંબઈ હુમલાનું કાવતરું ઘડયું હતું. ભારતે અનેક વખત પાકિસ્તાનને હાફિઝ સઈદ સહિતના કાવતરાંખોરો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. હાફિઝ સઈદ પર અમેરિકાએ એક કરોડ અમેરિકન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.
અમેરિકામાં ભારતીયોનું યોગદાન
આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પ્રવેશ માટે ભારતીય વ્યાવસાયિકોમાં સૌથી લોકપ્રિય એચ-૧બી વિઝાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ મુદ્દે પ્રમુખ બાઈડેનના પ્રયાસોની મોદીએ પ્રશંસા કરી હતી. ભારત અને અમેરિકાના દ્વિ-પક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનને પણ મોદીએ બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય વ્યાવસાયિકો અમેરિકાની સોશિયલ સિક્યોરિટીમાં નોંધપાત્ર યોગદાન આપે છે.