દરેક દેશની ઓળખ તેનો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પ્રતિક અને રાષ્ટ્રગીત હોય છે. જ્યારે પણ વિશ્વમાં કોઇ ભારતની કલ્પના કરે છે ત્યારે તેની નજર સમક્ષ ભારતનો તિરંગો આવી જાય છે. સમગ્ર ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં તરબોળ બની રહ્યો છે. સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિવિધ આયોજનો થઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે દેશના દરેક ઘર પર રાષ્રટ ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. ભારતનો તિરંગો દરેક દેશવાસીની શાન છે. સ્વતંત્રતાની લડાઇમાં તિરંગા માટે લાખો લોકોએ શહાદત વહોરી હતી. દેશની શાન સમાન તિરંગાના રચયિતા અને કલ્પનાકાર સ્વતંત્રતા સેનાની અને ચુસ્ત ગાંધીવાદી એવા પિંગલી વેંકૈયા હતા. 1921માં પહેલીવાર તેમણે ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના રજૂ કરી હતી. બીજી ઓગસ્ટે પિંગલી વેંકૈયાની 146મી જન્મજયંતિ નિમિત્તે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે પિંગાલી વેંકૈયાની યાદમાં તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પિંગલી વેંકૈયાની સ્મૃતિમાં ટપાલ ટિકિટ જારી હતી.
પિંગલી વેંકૈયાનો જન્મ 2 ઓગસ્ટ 1876ના રોજ બ્રિટિશ ઇન્ડિયાની મદ્રાસ પ્રેસિડેન્સીમાં આવેલા ભટલાપેનુમારુ ખાતે રહેતા તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ સ્થળ અત્યારે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં આવેલું છે. મદ્રાસમાં શાળા શિક્ષણ પુરું કર્યાં બાદ પિંગલી વેંકૈયા ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા જ્યાં તેમણે જિઓલોજી, કૃષિ, એજ્યુકેશન અને વિવિધ ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પિંગલી વેંકૈયાને 1899થી 1902 સુધી દક્ષિણ આફ્રિકામાં ચાલેલી સેકન્ડ બોએર લડાઇમાં ભાગ લેવા માટે સિપાઇ તરીકે મોકલાયા હતા. આ લડાઇ દરમિયાન બ્રિટિશ સૈનિકોના યુનિયન જેક પ્રત્યેના આદર અને દેશભક્તિ જોઇને પિંગલી વેંકૈયા ઘણા અભિભૂત થયા હતા અને તેમના મનમાં વિચાર આવ્યો હતો કે મારા દેશનો પણ આ પ્રકારનો એક ધ્વજ કેમ ન હોય? બ્રિટિશ સૈનિકો જે રીતે યુનિયન જેકને સલામી આપતાં તે જોઇને પિંગલીને ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. આ લડાઇ બાદ પિંગલી વેંકૈયાની મુલાકાત દક્ષિણ આફ્રિકા આવેલા મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થઇ હતી. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહને પગલે પિંગલી મહાત્માના ચુસ્ત અનુયાયી બન્યા હતા અને મહાત્મા ગાંધી અને તેમની વચ્ચેનો સંબંધ 50 વર્ષ સુધી જારી રહ્યો હતો.
ભારત પરત ફર્યા બાદ પિંગલીએ આઝાદીની ચળવળમાં ઝૂકાવી દીધું હતું. વિવિધ ભાષાઓ પર તેમના પ્રભુત્વથી લોકો પ્રભાવિત હતાં. 1913માં આંધ્રપ્રદેશના બાપત્લાની એક શાળામાં તેમણે જાપાનિઝમાં આખું સંબોધન કર્યું જેના કારણે તેઓ જાપાન વેંકૈયા તરીકે જાણીતા બન્યા હતા. લોકો તેમને પટ્ટી વેંકૈયા કહીને પણ બોલાવતા હતા. તેમણે કમ્બોડિયા કોટન પર ઘણા રિસર્ચ કર્યાં હતાં. પટ્ટી એટલે કોટન. મછલીપટ્ટનમમાં કપાસનો મોટો વેપાર ચાલતો હતો. અહીં ઘણી હાથશાળોમાં કોટનના કપડાં તૈયાર થતાં હતાં. ભારત પરત આવ્યા પછી વેંકૈયાએ દેશનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં જાત ખૂંપાવી દીધી હતી. 1916માં તેમણે અન્ય દેશોના રાષ્ટ્રધ્વજની સાથે ભારતના રાષ્ટ્રધ્વજ માટે 30 ડિઝાઇન સમાવતી એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી.
1919થી 1921 વચ્ચે યોજાયેલા કોંગ્રેસના સંમેલનોમાં પિંગલી વેંકૈયા દેશ માટે રાષ્ટ્રધ્વજનો નિર્ણય લેવા માટે સતત દબાણ કરતા રહ્યા હતા અને આખરે 1921માં વિજયવાડા ખાતે આયોજિત કોંગ્રેસના સંમેલનમાં મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજની પરિક્લ્પના પર મંજૂરીની મહોર મારી હતી. મહાત્મા ગાંધીએ તે સમયે પ્રસિદ્ધ થતા યંગ ઇન્ડિયામાં લખ્યું હતું કે, ભારતના રાષ્ટ્રધ્વજની મંજૂરી માટે કોંગ્રેસમાં ચાલેલા મનોમંથનને હું આવકારુ છું. શરૂઆતમાં સ્વીકાર કરાયેલા રાષ્ટ્રધ્વજને સ્વરાજ ધ્વજ નામ અપાયું હતું. તેમાં લાલ અને લીલા રંગના બે પટ્ટા હતા જે ભારતના બે મુખ્ય ધાર્મિક સમુદાયો હિંદુ અને મુસ્લિમને રજૂ કરતા હતા અને મધ્યમાં સ્વરાજના પ્રતિક તરીકે ચરખાને સ્થાન અપાયું હતું. મહાત્મા ગાંધીની સલાહ પર વેંકૈયાએ ધ્વજમાં સફેદ પટ્ટો ઉમેર્યો હતો જે શાંતિનું પ્રતિક ગણાતો હતો. કોંગ્રેસે સત્તાવાર રીતે તિરંગાનો સ્વીકાર કર્યો નહોતો પરંતુ કોંગ્રેસની તમામ સભાઓમાં આ તિરંગો ફરકાવવામાં આવતો હતો.
દેશમાં હવે તિરંગો પ્રચલિત બની રહ્યો હતો પરંતુ 1931માં તિરંગાના ધાર્મિક પાસા પર ચિંતાઓ વ્યક્ત કરાઇ હતી. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રધ્વજ માટે એક ફ્લેગ કમિટીની રચના કરાઇ જેણે પૂર્ણ સ્વરાજનો નવો વિચાર રજૂ કર્યો હતો. ફ્લેગ કમિટીના સૂચનો પર તિરંગામાં લાલને સ્થાને કેસરી રંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને અંતમાં લીલા રંગનો પટ્ટો રાખવાનું નક્કી કરાયું હતું. ચરખાને ખસેડીને મધ્યના સફેદ પટ્ટામાં ગોઠવાયો હતો. શરૂઆતના તિરંગામાં લાલ રંગ હિન્દુ અને લીલો રંગ મુસ્લિમ માટે રખાયો હતો પરંતુ નવા તિરંગામાં ધાર્મિક પાસાને બાકાત કરી દેવાયું હતું. કેસરી રંગ બલિદાન માટે, સફેદ રંગ શાંતિ અને લીલો રંગ શ્રદ્ધા અને શક્તિ માટે નક્કી કરાયો હતો. ચરખાને સમુદાયોના કલ્યાણના પ્રતિક તરીકે ગણાવવામાં આવ્યો હતો.
ભારતને આઝાદી મળ્યા બાદ પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વ હેઠળની ફ્લેગ કમિટીએ ચરખાના સ્થાને અશોક ચક્ર મૂકવાનો નિર્ણય લીધો હતો અને આધુનિક ભારતને પોતાનો સંપુર્ણ રાષ્ટ્રધ્વજ પ્રાપ્ત થયો હતો.